Friday, Mar 21, 2025

મહુઆ મોઇત્રાનું સંસદપદ રદ

2 Min Read

TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ પર ચર્ચા બાદ વોઈસ વોટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. આ પછી રિપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. પોતાના રિપોર્ટમાં એથિક્સ કમિટીએ મહુઆ સામેના આરોપોને ગંભીર ગણાવ્યા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ સંસદ સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી.

BJP સાંસદ નિશિકાંત દુબે એ મહુઆ મોઈત્રા વિરુદ્ધ ઓક્ટોબરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા એક ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ મોઈત્રાએ આરોપોને રદીયો આપ્યો હતો અને તેમના પર લાગેલા આરોપોની તપાસ કરવા સમિતિ રચવા લોકસભા અધ્યક્ષને વિનંતી કરી.

સાંસદ મહુઆ મોઇત્રાને ૧૭મી લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ સિવાય કમિટીએ ભલામણ કરી છે કે મહુઆ સામેના આરોપોની વ્યાવસાયિક એજન્સીઓ દ્વારા તપાસ થવી જોઈએ અને તેમાં મની ટ્રેઈલ ટ્રેસ થવી જોઈએ. સમિતિએ કહ્યું કે મહુઆ મોઇત્રા વિરુદ્ધ તપાસ નિર્ધારિત સમયની અંદર પૂર્ણ થવી જોઈએ. મહુઆ મોઇત્રા વિરુદ્ધ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને તેના પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન BSP સાંસદ દાનિશ અલીએ મહુઆનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે સમિતિએ અઢી મિનિટમાં રિપોર્ટ સ્વીકાર્યો આ ખોટું છે અને બીજા પક્ષને સાંભળ્યા વિના કાર્યવાહી ન કરવી જોઈએ.

આ પણ વાંચો :-

Share This Article