Home Blog Page 59

મહારાષ્ટ્રમાં શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ કૂવામાં ખાબકી, 14 લોકોના કરુણ મોત

0

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા માલશિરસ તાલુકાના તાંડલવાડી ગામ નજીક મ્હાસવડ-પંઢરપુર માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વાન અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકતા 14 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકો તમામ પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

પિકઅપ વાન કૂવામાં ખાબકતા 14 લોકોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, પિકઅપ વાનમાં સવાર તમામ લોકો હસવાડ ખાતે આવેલા સિદ્ધનાથ મંદિરના દર્શન કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તાંડલવાડી ગામ નજીક ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા પિકઅપ સીધી રસ્તા બાજુના કૂવામાં ખાબકી હતી. કૂવો પાણીથી ભરેલો હોવાથી વાહનમાં સવાર લોકો બહાર નીકળી શક્યા નહોતા અને ડૂબી જવાથી 14 લોકોના મોત થયા હતા.

મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ
અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 8 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં બે લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.

કૂવા પાસે રેલિંગ ન હોવાને કારણે સર્જાઈ દુર્ઘટના
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યાં અકસ્માત થયો તે કૂવાની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ નહોતી. પરિણામે વાહન સીધું કૂવામાં ખાબક્યું હતું. વધુમાં, વાહનમાં તેની ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

વહીવટી તંત્ર અને પોલીસની કાર્યવાહી શરૂ
અકસ્માતની જાણ થતાં જ વહીવટી તંત્ર, પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયેલો છે. વહીવટી તંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ઘાયલોને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.

અમેરિકાના મિસોરીમાં ભયાનક વિમાન દુર્ઘટના, 12 સ્કાઈડાઈવર્સના મોત

અમેરિકાના મિસોરી રાજ્યમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત મિસોરીના બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક સ્થાનિક સમય અનુસાર સવારે 11:30 વાગ્યે થયો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ લોકો સ્કાઈડાઈવર્સ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, તમામ સ્કાઈડાઈવર્સ પ્લેનમાં સવાર થઈને સ્કાઈડાઈવિંગ માટે આકાશમાં જઈ રહ્યા હતા. જોકે, ટેક-ઓફ થયાના થોડા જ સમય બાદ વિમાન અચાનક ક્રેશ થઈને રોડ કિનારે આવેલા એક ખાલી મેદાનમાં ખાબક્યું હતું. જમીન સાથે અથડાતાની સાથે જ વિમાનમાં જોરદાર ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે વિમાનના ટુકડા-ટુકડા થઈ ગયા હતા.

મિસોરી હાઈવે પેટ્રોલિંગ ટીમના સાર્જન્ટ જસ્ટિન ઈવિંગે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાન પેસિફિક એરોસ્પેસનું P-750 સ્કાઈડાઈવિંગ પ્લેન હતું. અકસ્માતની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું અને એકપણ મુસાફરને બચાવી શકાયો ન હતો.

બેટ્સ કાઉન્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર તથા એક્ટિંગ એરપોર્ટ મેનેજર ડેનિસ જેકોબ્સના જણાવ્યા મુજબ, ઉડાન ભર્યા બાદ વિમાન કદાચ ડાબી બાજુ વળ્યું હશે, જેના કારણે પવનના દબાણને કારણે તેની ગતિ અને શક્તિમાં ઘટાડો થયો હતો. પાયલટે વિમાનને ઇમરજન્સી લેન્ડ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન તેણે વિમાન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે વિમાન ઝડપથી નીચે પટકાયું અને જમીન સાથે અથડાતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. જોકે, અકસ્માતના ચોક્કસ કારણોની સત્તાવાર તપાસ હજુ બાકી છે.

સર્ચ ઓપરેશન દરમિયાન એવા કોઈ પુરાવા મળ્યા નથી કે અકસ્માત પહેલાં કોઈ મુસાફરે પેરાશૂટ વડે વિમાનમાંથી છલાંગ લગાવી હોય. દુર્ઘટનાગ્રસ્ત વિમાન પેસિફિક એરોસ્પેસ 750XL મોડેલનું હતું. વર્ષ 2010માં બનાવવામાં આવેલું આ સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ વિમાન 17 લોકોનું વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાનનો ઉપયોગ મુખ્યત્વે સ્કાઈડાઈવિંગ, કાર્ગો પરિવહન, એરિયલ સર્વે તેમજ મેડિકલ ઇવેક્યુએશન માટે કરવામાં આવે છે.

E100 ફ્યુઅલને મંજૂરી: 100% ઇથેનોલ પર દોડશે વાહનો, ગડકરીના મોટા નિર્ણયથી ઊર્જા ક્ષેત્રમાં નવી ક્રાંતિ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઇંધણ પુરવઠા પર વધતા દબાણ વચ્ચે ભારતે વૈકલ્પિક ઇંધણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે 100 ટકા ઇથેનોલ ફ્યુઅલને લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવે ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતા વાહનોમાં E100 એટલે કે 100 ટકા ઇથેનોલ ફ્યુઅલના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે દેશમાં શુદ્ધ ઇથેનોલ ઇંધણના ઉપયોગનો માર્ગ ખુલ્લો થયો છે.

ભારત પહેલેથી જ નિર્ધારિત સમય પહેલાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય હાંસલ કરી ચૂક્યું છે. સરકારનો દાવો છે કે તેના કારણે ક્રૂડ ઓઇલની આયાત પર થતો ખર્ચ ઘટ્યો છે અને દેશને 1 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. આ સફળતાથી પ્રોત્સાહિત સરકાર હવે 100 ટકા ઇથેનોલ આધારિત પરિવહન વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહી છે.

ગડકરીએ શું કહ્યું?
નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યું કે, “મને ખુશી છે કે ગઈકાલે રાત્રે 8 વાગ્યે મેં 100 ટકા ઇથેનોલના કાનૂની ઉપયોગને મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.” તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે લોકો આ વિચાર પર હસતા હતા અને ઇથેનોલ પ્રોજેક્ટને રોકવા માટે નકારાત્મક અભિયાન પણ ચલાવવામાં આવતું હતું, પરંતુ હવે આ સપનું હકીકત બનતું જોવા મળી રહ્યું છે.

અનેક કંપનીઓ લાવશે ઇથેનોલ પર ચાલતા વાહનો
દેશની અનેક મોટી ઓટોમોબાઇલ કંપનીઓ હવે 100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનો બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં મારુતિ સુઝુકીની લોકપ્રિય વેગનઆરનું ફ્લેક્સ-ફ્યુઅલ વેરિઅન્ટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોન્ચ કર્યું હતું. બીજી તરફ, હીરો મોટોકોર્પ પણ ઇથેનોલ આધારિત ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલની નવી શ્રેણી રજૂ કરી ચૂકી છે, જેમાં સ્પ્લેન્ડર અને HF ડિલક્સનો સમાવેશ થાય છે.

આગામી બે મહિનામાં આવશે નવા વાહનો
ગડકરીએ જણાવ્યું કે, “આગામી બે મહિનામાં અનેક ઓટોમોબાઇલ કંપનીઓ 100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનો લોન્ચ કરશે.” તેમના જણાવ્યા મુજબ ટોયોટા, સુઝુકી, એમજી અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓ પણ આગામી દોઢ મહિનામાં ઇથેનોલ કમ્પ્લાયન્ટ વાહનો બજારમાં ઉતારી શકે છે.

સરકારના ઇથેનોલ મિશનને ગતિ આપવા માટે દેશભરમાં વિશેષ ઇથેનોલ પેટ્રોલ પંપનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલમાં મોટા શહેરોમાં ઇથેનોલ પંપ શરૂ કરવામાં આવી રહ્યા છે અને વર્ષ 2027 સુધીમાં તેમની સંખ્યા વધારીને 5,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

તેલ આયાતમાં ઘટાડો અને ખેડૂતોને ફાયદો
ભારત દર વર્ષે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે, જેના પર વિદેશી મુદ્રાનો ભારે ખર્ચ થાય છે. સરકારનું માનવું છે કે પેટ્રોલના મજબૂત વિકલ્પ તરીકે ઇથેનોલને અપનાવવાથી તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેના કારણે વિદેશી મુદ્રાની બચત થશે, ખેડૂતોની આવકમાં વધારો થશે અને દેશની ઊર્જા સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.

સોમવતી અમાસે ચિત્રકૂટમાં આસ્થાનો મહાસાગર, લાખો શ્રદ્ધાળુઓએ મંદાકિનીમાં લગાવી પવિત્ર ડૂબકી

0

જ્યેષ્ઠ માસની પવિત્ર સોમવતી અમાસના શુભ અવસરે ધર્મનગરી ચિત્રકૂટ આસ્થાના જનસાગરથી છલકાઈ ઉઠી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર મંદાકિની ગંગામાં સ્નાન કરીને પુણ્ય લાભ મેળવ્યો હતો અને ભગવાન કામતાનાથ સ્વામીના દર્શન કરીને પરિક્રમા પૂર્ણ કરી હતી.

સવારે વહેલી સવારથી જ રામઘાટ, પરિક્રમા માર્ગ, કામતાનાથ મંદિર અને અન્ય મુખ્ય ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. લાખો ભક્તોએ વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરીને પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર ચિત્રકૂટ “જય શ્રીરામ” અને “કામતાનાથ મહારાજ કી જય”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જે આ પવિત્ર અવસરની ભવ્યતાને દર્શાવતું હતું.

સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના ખાસ બંદોબસ્ત
શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વાહનવ્યવહાર વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક જોવા મળ્યું હતું. સતના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ રામઘાટ, પરિક્રમા માર્ગ, મુખ્ય ચોક-ચોરાહા અને સંવેદનશીલ સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ભીડ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ
સોમવતી અમાસને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને મંદાકિની નદીમાં સ્નાનને અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ જ કારણ છે કે દર સોમવતી અમાસે ચિત્રકૂટમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે.

હવામાં બે હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર, ફેમસ સિંગર સહિત 6 લોકોના મોત

રવિવારે સવારે બ્રાઝિલના રિયો ડી જાનેરોના પશ્ચિમી વિસ્તારમાં બે હેલિકોપ્ટર અથડાયા હતા, જેમાં ગાયક ઓલિવર ટ્રી સહિત તમામ છ લોકોના મોત થયા હતા. રિયો ડી જાનેરો લશ્કરી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, એક હેલિકોપ્ટર એક કાર શોરૂમમાં અથડાયું હતું જ્યાં ઘણા ઇલેક્ટ્રિક વાહનો પાર્ક કરેલા હતા, જેના કારણે આગ લાગી હતી જેને બાદમાં બુઝાવી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટક્કરનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક મીડિયા આઉટલેટ્સ અનુસાર, સિંગર-ટ્રી તેમના હેલિકોપ્ટરમાં ચાર અન્ય લોકો સાથે હતા: મુસાફરો લુકાસ વિગ્નેલ, ગાસ્પર પ્રિમ, લુકાસ બ્રિટો ચાવેસ અને પાઇલટ એલેક્ઝાન્ડ્રે સોઝા. પાઇલટ ચાર્લ્સ માર્સિલેક બીજા હેલિકોપ્ટરમાં એકલા હતા.

બે હેલિકોપ્ટર અથડાયા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર એરબસ H125 અને બેલ 206B જેટ રેન્જર હતા. સ્થાનિક મીડિયા અહેવાલો દર્શાવે છે કે આ અકસ્માત સવારે 8:59 વાગ્યે થયો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશ થયા પછી ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 20 વાહનો લપેટમાં આવી ગયા હતા.

ઓલિવર ટ્રી કોણ છે?
ટ્રીને પહેલી વાર 2010 માં ઓળખ મળી, જ્યારે તે માત્ર 17 વર્ષનો હતો, તેણે સ્ક્રિલેક્સ અને ઝેડ્સ ડેડ સાથે “ટ્રી” નામથી કામ કર્યું. તેણે 2013 માં એક સ્વતંત્ર આલ્બમ બહાર પાડ્યું, ત્યારબાદ તેણે સંગીત ટેકનોલોજીનો અભ્યાસ કરવા માટે ઉદ્યોગમાંથી વિરામ લીધો.

યુદ્ધવિરામની જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1,080 અંક ઉછળ્યો

0

આજે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. સાથે સાથે ડોલર સામે રૂપિયો 53 પૈસા મજબૂત બન્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધ સમાપ્ત થવાની જાહેરાત બાદ ભારત સહિત એશિયાના અન્ય શેરબજારોમાં પણ તેજી જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 1,080 અંકના જંગી ઉછાળા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી-50માં 330 અંકની તેજી નોંધાઈ હતી.

સેન્સેક્સમાં આ શેરોએ દેખાડી સૌથી વધુ તેજી
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીઓમાંથી ઇન્ડિગો, ઈટરનલ લિમિટેડ, બજાજ ફાયનાન્સ અને એશિયન પેઈન્ટ્સના શેરોમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. રોકાણકારોના ઉત્સાહને કારણે આ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.

નિફ્ટીમાં ટોચના ગેઇનર્સ
નિફ્ટી-50માં સૌથી વધુ તેજી સાથે ટ્રેડ થયેલા શેરોમાં શ્રીરામ ફાયનાન્સ, ઇન્ડિગો, ઈટરનલ લિમિટેડ, બજાજ ફાયનાન્સ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સનો સમાવેશ થયો હતો. આ પાંચેય શેરો દિવસ દરમિયાન ટોચના ગેઇનર્સ તરીકે ઉભરી આવ્યા હતા.

યુદ્ધવિરામની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં વધેલી આશાવાદી ભાવનાનો સીધો લાભ ભારતીય શેરબજારને મળ્યો હોવાનું બજાર નિષ્ણાતોનું માનવું છે.

બેંગકોકમાં રવિ રાંદેરીનો શાનદાર પ્રદર્શન: 25 દેશો વચ્ચે 1 ગોલ્ડ અને 2 સિલ્વર જીતી રચ્યો ઇતિહાસ

કહેવાય છે કે જેમના સપનાઓમાં જાન હોય છે, તેમના જ પાંખોમાં ઉડાન હોય છે. થાઇલેન્ડના બેંગકોક ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સ 2026’ના ગ્લોબલ સ્ટેજ પર આવો જ એક રોમાંચક અને રૂંવાડા ઉભા કરી દે તેવો ઈતિહાસ રચાયો છે. ‘માય ફિટનેસ એકેડેમી’ના સીઈઓ અને આંતરરાષ્ટ્રીય કોચ રવિ રાંદેરીએ ૨૫થી વધુ શક્તિશાળી દેશોના દિગ્ગજ બોડીબિલ્ડર્સની હાજરીમાં ભારત દેશનો ડંકો વગાડ્યો છે. 12, 13 અને 14 જૂન દરમિયાન બેંગકોકની ‘અવાના બેંગકોક હોટેલ’ ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ સ્પર્ધામાં અમેરિકા, જર્મની, ઈટાલી અને કેનેડા જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે કાંટાની ટક્કર હતી. પરંતુ, ભારતપુત્ર રવિ રાંદેરી સામે કોઈ ટકી શક્યું નહીં. તેમણે પોતાની કલ્પનાતીત ફિટનેસનું પ્રદર્શન કરતા ‘ઓપન સિનિયર બોડીબિલ્ડિંગ’માં ચમકતો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો, જ્યારે ‘માસ્ટર બોડીબિલ્ડિંગ ઓવરઓલ’ અને ‘માસ્ટર મેન્સ ફિઝિક ઓવરઓલ’ જેવી ટફ કેટેગરીઝમાં વિશ્વના રનર્સ-અપ બનીને ૨ શાનદાર સિલ્વર મેડલ્સ ભારતની ઝોળીમાં નાખી દીધા.

વર્લ્ડ બોડી બિલ્ડિંગ ફેડરેશન (WBBF) અને ઇન્ડિયન બોડી બિલ્ડિંગ ફેડરેશન (IBBF) સહિત વિશ્વના ૬ જાયન્ટ ફેડરેશન્સના સહયોગથી આયોજિત આ મેગા ઇવેન્ટમાં ફિટનેસ, ફેશન અને અદભુત યુનિટીનો નજારો જોવા મળ્યો હતો. પરંતુ, આ ચમકતા મેડલ્સ પાછળની કહાની લોહી અને પરસેવાથી લખાયેલી છે. સ્ટેજ પર પગ મૂકતા પહેલાં રવિ રાંદેરીએ એક જ વાત કહી હતી: “યા તો જીતુંગા, યા ફિર મરતે દમ તક લડુંગા.” અને તેઓ ખરેખર લડ્યા! આ સફર બિલકુલ આસાન નહોતી. કેમેરાની પાછળ અસહ્ય શારીરિક પીડા હતી, રાતોની ઊંઘ ગાયબ હતી, કડક ડાયટ અને કિલર વર્કઆઉટના કારણે શરીર ઘણીવાર સાથ છોડી દેતું અને તેઓ બેભાન પણ થઈ જતા. છતાં, હાર ન માનવાની તેમની જીદ આખરે 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ બનીને થાઇલેન્ડના આકાશમાં ચમકી ઉઠી.

મેડલ જીત્યા બાદ એક વિશેષ નિવેદનમાં રવિ રાંદેરીએ પોતાની લાગણીઓ ઠાલવતા કહ્યું કે, “જ્યારે હું તિરંગો ઓઢીને સ્ટેજ પર ઉભો હતો, ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ હતા અને છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. આ મેડલ્સ માત્ર ધાતુના ટુકડા નથી, પણ લોહી-પરસેવો એક કરીને જોયેલા સપનાનું પરિણામ છે. હું આ જીત મારા દેશને અને એ દરેક ભારતીયને સમર્પિત કરું છું જેમણે મારી ક્ષમતા પર વિશ્વાસ રાખ્યો. આ તો બસ વૈશ્વિક મંચ પર ભારતના દબદબાની શરૂઆત છે.”

2,00,000 થાઈ બાહ્ટની માતબર ઈનામી રકમ અને અપ્રતિમ સન્માન સાથે ભારત પરત ફરી રહેલા રવિ રાંદેરીએ સાબિત કરી દીધું કે ભારતીય લોહી ગમે તેવા વૈશ્વિક પડકારોને ધૂળ ચટાડી શકે છે. સમગ્ર દેશ આજે આ સુવર્ણ સફળતા પર ગર્વથી ઝૂમી રહ્યો છે, પણ સિંહ ક્યાંય અટકતો નથી… કારણ કે ખુદ રવિ રાંદેરીના શબ્દોમાં કહીએ તો: “સફર હજી પૂરો નથી થયો, આ તો બસ શરૂઆત છે!”

ચીનમાં હેલિકોપ્ટર ક્રેશનો ભયાનક VIDEO વાયરલ, બે ટુકડામાં તૂટ્યા બાદ પણ ફરતા રહ્યા બ્લેડ

ચીનના વુજિન શહેરમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક હેલિકોપ્ટર ખેતરમાં ક્રેશ થઈને બે ટુકડામાં તૂટી જાય છે, પરંતુ અકસ્માત બાદ પણ તેના રોટર બ્લેડ લાંબા સમય સુધી તેજ ગતિએ ફરતા રહે છે. અકસ્માત દરમિયાન કોકપિટમાં ફસાયેલા પાયલટ અને તેનો સાથી ગંભીર રીતે ઝટકા ખાતા જોવા મળે છે. એક પાયલટ તો હેલિકોપ્ટરના દરવાજામાંથી અડધો બહાર લટકતો હતો અને અનેક વખત જમીન તેમજ હેલિકોપ્ટરના ભાગો સાથે અથડાતો જોવા મળ્યો હતો.

લોકો જોઈ રહ્યા હતા, પરંતુ મદદ માટે આગળ ન વધી શક્યા
ઘટનાસ્થળ નજીકના રસ્તા પર હાજર લોકો અકસ્માત જોઈને એકઠા થઈ ગયા હતા, પરંતુ હેલિકોપ્ટરના રોટર બ્લેડ સતત ફરતા હોવાથી કોઈ વ્યક્તિ મદદ માટે નજીક જઈ શક્યો નહોતો. સ્થિતિ એટલી જોખમી હતી કે બચાવ કામગીરી શરૂ કરવામાં પણ મુશ્કેલી પડી હતી.

સીટ બેલ્ટે બચાવ્યો જીવ
મીડિયા રિપોર્ટ અનુસાર, બંને પાયલટનો જીવ સીટ બેલ્ટના કારણે બચી ગયો હતો. ‘ધ સન’ના અહેવાલ મુજબ આ અકસ્માત ગુરુવારે બપોરે લગભગ 2 વાગ્યે ચીનના વુજિન શહેરમાં થયો હતો.

એકને હોસ્પિટલમાંથી રજા, બીજો સારવાર હેઠળ
અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી સેવા અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બંને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે, જ્યારે બીજો હજુ પણ ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો છે. રાહતની વાત એ છે કે બંનેમાંથી કોઈની પણ સ્થિતિ ગંભીર કે જીવલેણ હોવાનું જણાવાયું નથી. હાલ હેલિકોપ્ટર દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે
ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓના અનેક બનાવો સામે આવ્યા છે. ગયા વર્ષે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તાંગ ફેઇજીનું લાઇવસ્ટ્રીમ દરમિયાન અલ્ટ્રાલાઇટ વિમાન ક્રેશ થતાં મોત થયું હતું.

રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત સમયે તેમણે હેલ્મેટ કે પેરાશૂટ પહેર્યું નહોતું. નોંધનીય છે કે તાંગ ફેઇજી અગાઉ પણ ટેકનિકલ ખામીને કારણે થયેલી બે અલગ-અલગ વિમાન દુર્ઘટનાઓમાંથી બચી ચૂક્યા હતા. એક અકસ્માત ઇંધણ માપવાના ઉપકરણમાં ખામી સર્જાતા થયો હોવાનું જણાવાયું હતું.

Somvati Amavasya 2026 : સોમવતી અમાસ પર બનશે 3 શુભ યોગ, આ વસ્તુઓનું ભૂલથી પણ ન કરો દાન

0

સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિને અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન, દાન, પૂજા-પાઠ અને પિતૃઓના તર્પણનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાવસ્યાના દિવસે શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને પરિવાર પર સુખ-સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે. અધિક માસમાં આવતી અમાવસ્યા વિશેષ ફળદાયી માનવામાં આવે છે, કારણ કે આ સંયોગ દર ત્રણ વર્ષે એકવાર જ આવે છે.

અધિક માસની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને ભગવાનની ઉપાસના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. સોમવારે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. વર્ષ 2026માં જ્યેષ્ઠ અધિક માસની અમાવસ્યા 15 જૂનના રોજ આવી રહી છે. આ દિવસ સોમવાર હોવાથી તેને સોમવતી અમાવસ્યા તરીકે ઉજવવામાં આવશે.

આ વર્ષે સોમવતી અમાવસ્યાના દિવસે વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા ત્રણ અત્યંત શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગોમાં કરાયેલ પૂજા, જપ, તપ અને દાનનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. જોકે, આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ.

સોમવતી અમાવસ્યા 2026 : શુભ યોગનો સમય
વૃદ્ધિ યોગ સ્નાન અને દાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે. સ્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ પણ મહત્વપૂર્ણ છે. સોમવતી અમાવસ્યા પર, વૃદ્ધિ યોગ 16 જૂનના રોજ સૂર્યોદયથી રાત્રે 12:35 કલાક સુધી રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5:54 થી સાંજે 7:08 કલાક સુધી રહેશે. અમૃત સિદ્ધિ યોગ સવારે 5:54 થી સાંજે 7:08 કલાક સુધી રહેશે.

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30મી જૂનથી કાર્યભાર સંભાળશે

0

કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 જૂનથી આ પદ સંભાળશે. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મને જણાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિએ જનરલ રેન્કમાં આગામી આર્મી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM) ની નિમણૂકને મંજૂરી આપી છે. આ નિમણૂક 30 જૂન, 2026 થી અમલમાં આવશે અને તેઓ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે. લેફ્ટનન્ટ જનરલ સેઠ 31 ઓગસ્ટ, 2028 સુધી આ પદ સંભાળશે.

લેફ્ટનન્ટ જનરલ સેઠે અનેક મહત્વપૂર્ણ સ્ટાફ અને વ્યૂહાત્મક નિમણૂકો સંભાળી છે, જેમાં જમ્મુ અને કાશ્મીરમાં સ્વતંત્ર આર્મર્ડ બ્રિગેડના બ્રિગેડ મેજર, અંગોલામાં સંયુક્ત રાષ્ટ્ર મિશન સાથે ઓપરેશન્સ ઓફિસર, આર્મી હેડક્વાર્ટરમાં સહાયક લશ્કરી સચિવ, હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન કમાન્ડ ખાતે બ્રિગેડિયર જનરલ સ્ટાફ ઓપરેશન્સ અને ડિરેક્ટર જનરલ (શિસ્ત, વિધિ અને કલ્યાણ)નો સમાવેશ થાય છે.

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને આ વર્ષે 1 એપ્રિલના રોજ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ (VCOAS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેમને ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેઠ નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ડિસેમ્બર 1986માં તેમને આર્મ્ડ કોર્પ્સમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમની કારકિર્દી લગભગ ચાર દાયકા સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન, તેમણે વિવિધ ભૂપ્રદેશો અને સંઘર્ષ વાતાવરણમાં સેવા આપીને વ્યાપક ઓપરેશનલ અનુભવ મેળવ્યો છે.

લેફ્ટનન્ટ જનરલ સેથે અમેરિકા અને પેરિસમાં તાલીમ લીધી
લેફ્ટનન્ટ જનરલ સેઠે કેલિફોર્નિયા, અમેરિકાના મોન્ટેરી ખાતે આવેલી નેવલ પોસ્ટગ્રેજ્યુએટ સ્કૂલ ખાતે ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્વિઝિશન મેનેજમેન્ટ કોર્સ, પેરિસમાં મિલિટરી કોલેજ ખાતે ડિફેન્સ સર્વિસીસ કમાન્ડ અને જનરલ સ્ટાફ કોર્સ, મહુ ખાતે હાયર કમાન્ડ કોર્સ અને નવી દિલ્હીમાં નેશનલ ડિફેન્સ કોલેજમાં તાલીમ લીધી છે. તેમણે રણ વિસ્તારમાં આર્મર્ડ રેજિમેન્ટ, વિકસિત વિસ્તારમાં આર્મર્ડ બ્રિગેડ અને જમ્મુ અને કાશ્મીરમાં કાઉન્ટર-ઇન્સર્જન્સી ફોર્સનું પણ નેતૃત્વ કર્યું છે.