પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઇંધણ પુરવઠા પર વધતા દબાણ વચ્ચે ભારતે વૈકલ્પિક ઇંધણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે 100 ટકા ઇથેનોલ ફ્યુઅલને લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે હવે ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ધરાવતા વાહનોમાં E100 એટલે કે 100 ટકા ઇથેનોલ ફ્યુઅલના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે દેશમાં શુદ્ધ ઇથેનોલ ઇંધણના ઉપયોગનો માર્ગ ખુલ્લો થયો છે.
ભારત પહેલેથી જ નિર્ધારિત સમય પહેલાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય હાંસલ કરી ચૂક્યું છે. સરકારનો દાવો છે કે તેના કારણે ક્રૂડ ઓઇલની આયાત પર થતો ખર્ચ ઘટ્યો છે અને દેશને 1 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. આ સફળતાથી પ્રોત્સાહિત સરકાર હવે 100 ટકા ઇથેનોલ આધારિત પરિવહન વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહી છે.

ગડકરીએ શું કહ્યું?
નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યું કે, “મને ખુશી છે કે ગઈકાલે રાત્રે 8 વાગ્યે મેં 100 ટકા ઇથેનોલના કાનૂની ઉપયોગને મંજૂરી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.” તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે લોકો આ વિચાર પર હસતા હતા અને ઇથેનોલ પ્રોજેક્ટને રોકવા માટે નકારાત્મક અભિયાન પણ ચલાવવામાં આવતું હતું, પરંતુ હવે આ સપનું હકીકત બનતું જોવા મળી રહ્યું છે.
અનેક કંપનીઓ લાવશે ઇથેનોલ પર ચાલતા વાહનો
દેશની અનેક મોટી ઓટોમોબાઇલ કંપનીઓ હવે 100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનો બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં મારુતિ સુઝુકીની લોકપ્રિય વેગનઆરનું ફ્લેક્સ-ફ્યુઅલ વેરિઅન્ટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોન્ચ કર્યું હતું. બીજી તરફ, હીરો મોટોકોર્પ પણ ઇથેનોલ આધારિત ફ્લેક્સ-ફ્યુઅલ મોટરસાઇકલની નવી શ્રેણી રજૂ કરી ચૂકી છે, જેમાં સ્પ્લેન્ડર અને HF ડિલક્સનો સમાવેશ થાય છે.
આગામી બે મહિનામાં આવશે નવા વાહનો
ગડકરીએ જણાવ્યું કે, “આગામી બે મહિનામાં અનેક ઓટોમોબાઇલ કંપનીઓ 100 ટકા ઇથેનોલ પર ચાલતા વાહનો લોન્ચ કરશે.” તેમના જણાવ્યા મુજબ ટોયોટા, સુઝુકી, એમજી અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓ પણ આગામી દોઢ મહિનામાં ઇથેનોલ કમ્પ્લાયન્ટ વાહનો બજારમાં ઉતારી શકે છે.
સરકારના ઇથેનોલ મિશનને ગતિ આપવા માટે દેશભરમાં વિશેષ ઇથેનોલ પેટ્રોલ પંપનું નેટવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલમાં મોટા શહેરોમાં ઇથેનોલ પંપ શરૂ કરવામાં આવી રહ્યા છે અને વર્ષ 2027 સુધીમાં તેમની સંખ્યા વધારીને 5,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
તેલ આયાતમાં ઘટાડો અને ખેડૂતોને ફાયદો
ભારત દર વર્ષે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે, જેના પર વિદેશી મુદ્રાનો ભારે ખર્ચ થાય છે. સરકારનું માનવું છે કે પેટ્રોલના મજબૂત વિકલ્પ તરીકે ઇથેનોલને અપનાવવાથી તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેના કારણે વિદેશી મુદ્રાની બચત થશે, ખેડૂતોની આવકમાં વધારો થશે અને દેશની ઊર્જા સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.