Home Blog Page 505

કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ચાર સામે તપાસના આદેશ

સુરતમાં પોલીસની જાણે માઠી બેઠી હોય તેમ ઉમરા પીઆઈ અને સરથાણા પોલીસ સ્ટેશન બાદ કતારગામ પોલીસ ભીંસમાં આવી છે. હીરાની ઠગાઈ કેસમાં પકડાયેલા આરોપી હીરા દલાલને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ અને મહિલા પીએસઆઇ સહિત ચાર પોલીસકર્મી વિરુદ્ધ સુરત કોર્ટે ઇન્કવાયરી રજીસ્ટર કરવા હુકમ કર્યો છે.

કતારગામમાં રહેતા વિશાલ ઘનશ્યામ ધામેલીયા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં વિશાલ વિરુદ્ધ 50 લાખથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. કતારગામ પોલીસે વિશાલની ધરપકડ કરી હતી. પોલીસે વિશાલને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટ સમક્ષ વિશાલે પોલીસે તેની સાથે દૂર વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ કરી હતી.વિશાલે પીઆઈ બી. કે. ચૌધરી, મહિલા પીએસઆઇ એન.એસ.સાકરીયા, પીઆઈ રાઈટર રમેશભાઈ, કોન્સ્ટેબલ વિપુલસિંહ વિરુદ્ધ કોર્ટમાં માર મારવાની ફરિયાદ કરી હતી.

આક્ષેપ મુજબ, પોલીસે વિશાલ ધામેલીયાને પેમેન્ટ ચૂકવી સમાધાન કરાવવા માટે દબાણ કર્યું હતું અને તેની સાથે મારપીટ કરી હતી. આરોપીનું કહેવું છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસ અધિકારીઓએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે. સુરત કોર્ટે આ કેસમાં ગંભીરતા દાખવતા આરોપી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

કોર્ટના આદેશ બાદ, 25 માર્ચે આ કેસની આગામી સુનાવણી હાથ ધરાશે. આ મામલે પોલીસ વિભાગ પર ભવિષ્યમાં શું પગલાં લેવાશે તે જોવું રહેશે. સુરત શહેરમાં પોલીસની આ કામગીરીએ ફરી એકવાર સત્તાધીશો અને નાગરિકોના મનમાં શંકા ઉઠાવી છે કે, શું કાયદાનો રક્ષણ આપવાનો હકદાર તંત્ર જાતે જ ગેરવર્તન કરી રહ્યું છે?

ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇકથી 400 થી વધુ લોકોના મોત થયા

ઈઝરાયલ સેનાએ ગાઝા પર વિનાશક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો ગઈકાલે રાતે આખી રાત ચાલ્યો હોવાનું સામે આવ્યું છે.

ગાઝામાં આ ઇઝરાયલી હુમલો બુધવારે આખી રાત ચાલુ રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ગાઝાના ડોક્ટરોએ આ વિશે માહિતી આપી હતી. જોકે સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી. ત્રણ દિવસ પહેલા ઇઝરાયલે ગાઝા પર મોટો હુમલો કર્યો હતો, જેમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું હતું. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલી બંધકોને મુક્ત ન કરવા બદલ હમાસથી રોષમાં છે. આવું કરતાની સાથે ફરીથી પોતાની સેનાને હમાસ પર મોટા હુમલાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલે ગુરુવારે ગાઝામાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. જેમાં 400થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પછી, હમાસના પ્રવક્તાએ યુએસ રાજદૂતના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે ફરીથી હુમલાઓ શરૂ કર્યા છે. જોકે, હમાસ ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ કરાર ચાલુ રાખવા માંગતો હતો.

સુરતમાં સરકારી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણની નવી શરૂઆત

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે હવે ખાનગી શાળાઓની જેમ સરકારી શાળાઓમાં પણ ઇન્ટરએક્ટિવ (સ્માર્ટ) બોર્ડ દ્વારા શિક્ષણ આપવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાઈટેક શિક્ષણ માટે ઈન્ટર એક્ટિવ બોર્ડ મુકવામાં આવી રહ્યા છે. જોકે, આ બોર્ડ માટે પાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ થાય તેવો નિર્ણય કરાયો હતો. પ્રારંભમાં આ ઇન્ટરએક્ટિવ બોર્ડ માટે પાલિકા દ્વારા કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. શાસક પક્ષના દંડક સહિત અનેક કોર્પોરેટરોએ આ માટે ગ્રાન્ટ ફાળવવા પણ તૈયાર થઈ ગયા હતા. જો કે, અંતિમ ઘડીએ કેટલાક કોર્પોરેટરો દ્વારા બોર્ડ સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટરો સાથે ગૂંચવણમાં આવી ગયાની ફરિયાદો ઉઠી.

સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે બજેટ બેઠક ની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સ્માર્ટ બોર્ડની ખરીદી સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી થઇ શકે તેમ છે. તેના માટે કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય નથી પરંતુ સ્કૂલમાં બાળકો અભ્યાસ કરે છે તેઓને સ્વચ્છ પાણી મળે તે માટે આર.ઓ. પ્લાન્ટ લગાવવાનો નિર્ણય કર્યો છે તેથી કોર્પોરેટરો તેમાં ગ્રાન્ટ ફાળવી શકે છે.

અમેરીકામાં ભારતીય વિદ્યાર્થી બદર ખાનની અટકાયત, જાણો સમગ્ર મામલો ?

અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક ભારતીય સંશોધકની ઈમિગ્રેશન અધિકારીઓએ ધરપકડ કરી છે. તેમના પર હમાસને ટેકો આપવા અને તેમના એજન્ડાનો પ્રચાર કરવાનો આરોપ છે. પોસ્ટ-ડોક્ટરલ સાથી બદર ખાન સૂરીની સોમવારે રાત્રે વર્જિનિયામાં તેમના ઘરની બહાર ધરપકડ કરવામાં આવી હતી.

હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના સહાયક સચિવ ટ્રિશિયા મેકલોધલિને એક્સ પર કહ્યું કે સુરી જોર્જટાઉન વિશ્વવિદ્યાલયમાં એક ફોરેન એક્સચેન્જ વિદ્યાર્થી છે. તે સક્રિય રીતે હમાસનો પ્રચાર કરે છે અને સોશિયલ મીડિયા પર યહુદી વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. સુરીના એક જાણીતા અથવા શંકાસ્પદ આતંકવાદી સાથે સંબંધ છે. જે હમાસનો વરિષ્ઠ સલાહકાર છે.

સુરીના વકીલ હસન અહેમદે તેમની અરજીમાં દલીલ કરી હતી કે સુરીને તેમની પત્ની જે અમેરિકન મૂળની નાગરિક છે તે ગાઝાની છે. તે જ્યોર્જટાઉન યુનિવર્સિટીના સેન્ટર ફોર કન્ટેમ્પરરી આરબ સ્ટડીઝમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. વકીલનું કહેવું છે કે સરકારને શંકા છે કે સુરી અને તેની પત્ની ઇઝરાયેલ પ્રત્યે અમેરિકાની વિદેશ નીતિના વલણનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે.

છત્તીસગઢના બીજાપુરમાં 22 નકસલી ઠાર, એક જવાન શહીદ

0

ભારતના વિવિધ રાજ્યોમાં નક્સલવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બીજાપુર અને દંતેવાડામાં સુરક્ષાદળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો છે અને બે અલગ-અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયા છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કાર્યવાહીમાં સુરક્ષા દળોની ટીમે 22 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે.

છત્તીસગઢના બીજાપુરમાં માઓવાદનો અંત લાવવા માટે સૈનિકો સતત જંગલોમાં ફરી રહ્યા છે જેમાં તેમને સફળતા પણ મળી છે. માઓવાદીઓ સતત થઈ સૈનિકોનો નુકસાન પહોંચાડવાની રણનીતિઓ ઘડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ નક્સલવાદીઓ સૈનિકો સાથે એન્કાઉન્ટર કરવાનો અથવા સૈનિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ પછી પણ તે સફળ થયા નથી. ત્યારે આજે ગંગાલૂર અને દંતેવાડાના જંગલોમાં સૈનિકો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ એન્કાઉન્ટરમાં સૈનિકોએ 18 નક્સલીઓને ઠાર માર્યા છે.

સુરતમાં પોલીસ એકશનમાં, ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગની કાર્યવાહી કરાઇ

રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો કહેર વધતો જાય છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના ખટોદરા પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ફૂટ પેટ્રોલિંગ તેમજ વાડન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના ડીજીપીએ અસામાજિક તત્વો અને ગુંડા તત્વો વિરુદ્ધમાં 100 કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે સુચના આપી હતી જે અનુસંધાને સુરતમાં પોલીસ એક્શન મોડમાં છે. સુરતમાં ખટોદરા પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવીને ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગનું અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

કોમ્બિંગ દરમ્યાન શરીર સબંધી ગુનાઓમાં પકડાયેલા તથા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રીશીટર તથા એમ.સી.આર.તથા તડીપાર ઈસમો અને પાસા થયેલા ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વાડન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવી હતી

પોલીસ દ્વારા કરાયેલી કામગીરી

  • BNSS કલમ 126,170 મુજબ : 03 કેસ
  • M.v. એક્ટ કલમ 207 : 05 કેસ
  • બુટલેગર ચેક : 12
  • વાહન ચેક : 65
  • શરીર સબંધી પકડાયેલા આરોપી ચેક :- 06
  • તડીપાર ચેક : 02
  • MV ACT-185: 01
  • G.P act કલમ 135 મુજબ : 01 કેસ
  • પ્રોહીબીશન પીધેલાના કેસ : 03
  • શંકમંદ ઈસમો ચેક : 44
  • એમ.સી.આર.ચેક : 07
  • જીપી એક્ટ કલમ-142 : 01
  • ટપોરી ચેક : 02
  • સક્રિય ગુનેગાર ચેક : 07

ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશની અસર જોવા મળી. રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર પોલીસે 7612 આરોપીઓની યાદી તૈયાર કરી. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સંબંધી ગુનેગારો, 958 મિલકત સંબંધી ગુનેગારો, 179 માઈનિંગ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું. જેમાં અમદાવાદના 25, ગાંધીનગરના 6, વડોદરાના 2, સુરતના 7 અને મોરબીના 12 સહિતના કુલ 59 લોકો સામે પાસા કરવામાં આવ્યા. 10 આરોપીઓને હદપાર કરવામાં આવ્યા તથા 724 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા. 16 ગેરકાયદેસર મકાનોમાં ડિમોલેશન કરવામાં આવ્યુ. 81 વીજચોરી કરતાં કનેક્શન દૂર કરવામાં આવ્યાં. આવનારા દિવાસોમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવશે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ સિવાય આ તત્ત્વોએ ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો તેને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદે વીજ જોડાણ ધ્યાને આવે તો GUVNL સાથે વાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા, તેમના બેંક ખાતા ચકાસીને નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદે કૃત્ય જણાય તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ છે.

હવે સવાલ એ છે કે, શું રાજ્ય પોલીસ વડા પણ અત્યાર સુધી આ પ્રકારની કાર્યવાહી કરવા રાહ કેમ જોતા હતા? એવું કહેવાય છે કે, વસ્ત્રાલ સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ નથી. થોડા સમય પહેલા પોલીસ સાથે દાદાગીરી કરતા આવા જ અસામાજિક તત્ત્વોના વીડિયોએ ચકચાર મચાવી દીધી હતી.

આરોગ્ય કર્મચારીઓનો પડતર માંગણીઓ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન, 635 કર્મીઓની અટકાયત

0

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગરમાં પડતર માગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે પોલીસે વિરોધ કરવા માટે એકત્ર થયેલા કર્મચારીઓની અટકાયત કરી છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીની પણ અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 600થી વધુ આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે સરકારે હડતાલ સામે એસ્મા લાગુ કર્યો હતો. ત્યારે આ મામલે રણજીતસિંહ મોરી જણાવે છે કે, ‘સરકાર એસ્મા લાગુ કરે છે, પણ અમારી માગણીઓ અંગે ઠરાવ કરતી નથી. જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ગ્રેડ પે, બઢતી, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને ટેક્નિકલ કેડરમાં સમાવવા મુખ્ય માગણી કરવામાં આવી છે. સરકાર એસ્મા લગાવી આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કે ડિસમિસ કરે એ અમને મંજૂર છે.’

આરોગ્ય કર્મીઓ વિવિધ માગ સાથે સચિવાલય પર વિરોધ કરશે. ત્યારે સચિવાલય ગેટ 1 પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોગ્ય કર્મીઓના વિરોધને લઈ પોલીસે બેરીકેટિંગ કર્યું છે. સચિવાલયમાં જતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશે.

રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓનું ‘ચાલો ગાંધીનગર’ આંદોલન શરૂ થવાનું હતું. જેમાં 33 જિલ્લાના ચાર કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને પાઠવશે. અગાઉ સરકાર સાથે બેઠક નિષ્ફળ જતા આંદોલન યથાવત રાખ્યું હતું. રાજ્યના 25 હજાર આરોગ્યકર્મીઓ આ આંદોલનમાં જોડાશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું.

કર્મચારીઓની મુખ્ય માગણી ગ્રેડ પે વધારવાની હતી. ટેક્નિકલ ગ્રેડ પે બાબતે તમામ ફાઈલ પોઝિટિવ આવી ગયો છે. આરોગ્ય ક્ષેત્રે ગુજરાત દેશમાં આગળ પણ ગ્રેડ પે સૌથી નીચે છે. 1900થી 2800 અને અન્ય 2400થી 4200 ગ્રેડ પે કરવાની માગ છે. ખાતાકીય પરીક્ષા રદ કરવા ટેક્નિકલ કેડરમાં સમાવેશ સહિતના પડતર પ્રશ્નોની માગ છે.

શેરબજારમાં ફરી તેજીના સંકેત, સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઉછાળા સાથે ખુલ્યા

0

ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે ઉછાળા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 468 પોઈન્ટના જંગી વધારા સાથે 75,917 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 129 પોઈન્ટના ઉછાળા સાથે 23,036 પર ખુલ્યો.

નિફ્ટી પણ 23000નું લેવલ ક્રોસ કરી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. 10.28 વાગ્યે 132.55 પોઇન્ટના ઉછાળે 23040.15 પર કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે આજે 38 શેર ગ્રીન ઝોનમાં અને 12 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં. બૅન્ક નિફ્ટી પણ 177.70 પોઇન્ટના ઉછાળે ટ્રેડેડ હતું.

અમેરિકાની ફેડ રિઝર્વે ગઈકાલે વ્યાજના દરો જાળવી રાખતા વર્ષ 2025માં બે વખત વ્યાજના દરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. જો કે, તે હજી આર્થિક સ્થિરતા અને ફુગાવાના જોખમનું આકલન કાઢવા માગે છે. ત્યારબાદ રેટ કટ કરશે. ફેડ રિઝર્વના આ નિવેદન સાથે અમેરિકી શેરબજારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડાઉ જોન્સ 383.32 પોઇન્ટ અને નાસડેક 246.67 પોઇન્ટ ઉછળ્યો હતો. ચીને પણ વ્યાજ દર યથાવત્ રાખતાં એશિયન બજારોમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી અફરાતફરીનો માહોલ જોવા મળેલા આઇટી અને ટૅક્નોલૉજી ઇન્ડેક્સ આજે સુધર્યા છે. બંને ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. આ ઉછાળા પાછળનું કારણ વ્હાઇટ હાઉસ તરફથી રેસિપ્રોકલ ટેરિફ મુદ્દે આપવામાં આવેલી સ્પષ્ટતા છે. ટ્રમ્પે કહ્યું છે કે, જે દેશો ટેરિફ મુદ્દે વાટાઘાટ કરવા માગતા હોય અને ટેરિફ ઘટાડવા માટે તૈયાર હોય તેમના પર રેસિપ્રોકલ ટેરિફ લાદીશું નહીં. તેમજ હજુ સુધી આ ડ્યુટી કેવી રીતે અમલમાં મૂકવી તેની સ્પષ્ટતા થઈ નથી. જેથી ટ્રમ્પે અગાઉ કેનેડા, મેક્સિકો પર ટેરિફ નીતિ લાગુ કરવામાં જેમ વિલંબ દર્શાવ્યો છે, તેવો વિલંબ રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણમાં થઈ શકે છે.

‘પુરુષોને દર અઠવાડિયે દારૂની બે બોટલ ફ્રી આપો’ BJPના સહયોગી ધારાસભ્યની અનોખી માંગ

0

કર્ણાટકમાં દારૂ નીતિને લઇને નવી તકરાર ઉભી થઇ છે. તાજેતરમાં જ કર્ણાટકમાં શાસક અને વિપક્ષ વચ્ચે દારૂ મુદ્દે જોરદાર ઘર્ષણ થયુ હતુ. મંગળવારે કર્ણાટકમાં એક્સાઇઝ રેવન્યૂના ઊંચા લક્ષ્યાંક અંગે ગરમાગરમ ચર્ચા દરમિયાન કેટલાક સવાલોથી ગૃહમા હોબાળો મછ્યો હતો. આમાં રાજ્યની દારૂ નીતિ કેન્દ્રમાં રહી હતી.

એમટી કૃષ્ણપ્પાએ કહ્યું, ‘અધ્યક્ષ મહોદય, મને ખોટો ના સમજો પરંતુ જ્યારે તમે 2000 રૂપિયા મફત આપો છો, જ્યારે તમે વિજળી મફત આપો છો તો આ આપણા પૈસા છે? તો તેમને કહો કે તે દારૂ પીનારાને પણ દર અઠવાડિયે બે બોટલ મફત આપો. દર મહિને પૈસા આપવા શક્ય નથી, બસ બે બોટલ.

આ આપણા પૈસા છે જે શક્તિ યોજના, મફત બસ અને કરંટ માટે આપવામાં આવી રહ્યાં છે. તો પુરુષોને દર અઠવાડિયે બે બોટલ આપવામાં શું ખોટું છે? આને કરાવો. કોઓપરેટિવ સોસાયટી દ્વારા સરકારને આ કરવા દો. મંત્રી જ્યોર્જને આ કરવા દો.’

“ગૃહ લક્ષ્મી હેઠળ, મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા મળે છે, જેનો ખર્ચ 28,608 કરોડ રૂપિયા થાય છે. અમે મહિલાઓ પાસેથી એક્સાઇઝ રેવન્યૂ તરીકે 36,000 કરોડ રૂપિયા એકત્રિત કરી રહ્યા છીએ,” હુબલી-ધારવાડ (પશ્ચિમ) ના ભાજપના ધારાસભ્ય બેલાડે આ મામલે દલીલ કરતાં જણાવ્યું. “શું રાજ્ય દારૂ પર આટલું નિર્ભર રહેવું જોઈએ? જો આવું જ ચાલતું રહ્યું તો આપણે ક્યાં જઈશું? બિહાર જેવા રાજ્યો કોઈપણ એક્સાઇઝ આવક વિના ચાલે છે.

કેટલા ભાઈ-બહેન છે સુનિતા વિલિયમ્સ? ભારતના કયા ગામમાં રહેતા હતા તેમના પિતા? અને હવે ત્યાં કોણ છે?

0

લાંબા સમય સુધી અંતરિક્ષમાં અટવાયાં બાદ, NASAના વૈજ્ઞાનિક અને ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ 286 દિવસ પછી સુરક્ષિતપણે પૃથ્વી પર પરત આવી છે. સુનિતા વિલિયમ્સ માટે આ તેમની બીજી અંતરિક્ષયાત્રા હતી.

સુનિતા વિલિયમ્સના પિતા કોણ હતા?
સુનિતા વિલિયમ્સના પિતા, દીપક પાંડ્યા, ગુજરાતના મહેસાણાના ઝુલસાણા ગામના વતની હતા. તેમનો જન્મ 1932માં થયો હતો. બાળપણમાં જ તેમના માતા-પિતા અવસાન પામ્યા, પણ તેમની તેજસ્વી બુદ્ધિ અને મહેનતના કારણે તેમને સ્કોલરશિપ મળી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી 1953માં ઇન્ટરમીડિયટ સાયન્સ પૂર્ણ કર્યું. ત્યારબાદ એમ.બી.બી.એસ અને એમ.ડી.ની ડિગ્રી પણ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. 1957માં તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા અને ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડમાં મેડિસીનની તાલીમ લીધી.

1964માં, તેઓ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ એનાટમીમાં પોસ્ટ-ડોક્ટરલ ફેલો તરીકે જોડાયા. તેઓ વિશ્વવિખ્યાત ન્યુરો-એનાટોમિસ્ટ બન્યા અને ન્યુરોસાયન્સ ક્ષેત્રમાં અનેક મહત્ત્વપૂર્ણ સંશોધનો કર્યાં. બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્ય કરતા તેમણે 600થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કર્યા. 4 ઓક્ટોબર 2020ના રોજ તેમનું અવસાન થયું.

સુનિતા વિલિયમ્સની માતા કોણ છે?
1957માં, જ્યારે દીપક પાંડ્યા ઓહાયો ગયા ત્યારે તેમની મુલાકાત ત્યાંના તાલીમ દરમિયાન અમેરિકન-સ્લોવાકિયન ઉર્સુલિન બોની જોલાકર સાથે થઈ. થોડા મહિનાઓ બાદ, બંનેએ લગ્ન કર્યાં. બોની જોલાકર હાલમાં પણ જીવિત છે. એક ઈન્ટરવ્યુમાં, તેમણે જણાવ્યું કે, “સુનિતા જેવું કરવું હોય તે કરે છે, અને અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહેવાનું તેને ગમે છે, તેથી અમે કોઈ ચિંતા કરતા નથી.”

સુનિતા વિલિયમ્સના ભાઈ-બહેન કોણ છે?
દીપક પાંડ્યા અને ઉર્સુલિન બોની જોલાકર પાસે ત્રણ સંતાનો છે. તેમનો એક પુત્ર, જય પાંડ્યા, સુનિતા વિલિયમ્સ કરતા ચાર વર્ષ મોટો છે અને અમેરિકન નેવીમાં કાર્યરત છે. જય પાંડ્યાની પત્ની ડૉ. એના રોડોમિન્સ્કા પાંડ્યા છે. જય પાંડ્યાની પ્રેરણાથી જ સુનિતા વિલિયમ્સે અમેરિકન નેવીમાં જોડાઈ અને નાસા માટે પસંદગી થઈ.

સુનિતા વિલિયમ્સની એક નાની બહેન પણ છે, જેમનું નામ દીના પાંડ્યા છે. દીપક પાંડ્યાના પૌત્રોનું નામ પાંચેય અને ટિલુ પાંડ્યા છે. સુનિતા વિલિયમ્સની એક ચચેરી બહેન ફાલ્ગુની પાંડ્યા છે, જે હાલમાં પણ અમેરિકામાં રહે છે.

સુનિતા વિલિયમ્સના પતિ કોણ છે?
સુનિતા વિલિયમ્સના પતિ માઈકલ જે. વિલિયમ્સ છે, જે ટેક્સાસમાં ફેડરલ માર્શલ તરીકે કાર્યરત છે. માઈકલ અને સુનિતાની પહેલી મુલાકાત અમેરિકન નેવીના એક કાર્યક્રમમાં થઈ હતી. તેઓ છેલ્લા 20 વર્ષથી સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. જોકે, તેમની કોઈ સંતાન નથી.

ભારતમાં તેમના સંબંધીઓ કોણ છે?
દીપક પાંડ્યા શરુઆતમાં જ અમેરિકા સ્થાયી થઈ ગયા હતા, અને તેમના પરિવારના ઘણાં સભ્યો પણ ત્યાં જ રહ્યા. તેમ છતાં, ઝુલસાણા ગામમાં થોડા સગા-sambandhi હજુ રહે છે. દિનેશ રાવલ પોતાને સુનિતા વિલિયમ્સનો ચચેરો ભાઈ ગણાવે છે. તેમજ નવિન પાંડ્યા પણ ઝુલસાણા ગામમાં રહે છે અને પોતાને સુનિતાના સંબંધીઓ માને છે.