સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ પ્રયાસો શરૂ કર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે હવે ખાનગી શાળાઓની જેમ સરકારી શાળાઓમાં પણ ઇન્ટરએક્ટિવ (સ્માર્ટ) બોર્ડ દ્વારા શિક્ષણ આપવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાઈટેક શિક્ષણ માટે ઈન્ટર એક્ટિવ બોર્ડ મુકવામાં આવી રહ્યા છે. જોકે, આ બોર્ડ માટે પાલિકાના કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ થાય તેવો નિર્ણય કરાયો હતો. પ્રારંભમાં આ ઇન્ટરએક્ટિવ બોર્ડ માટે પાલિકા દ્વારા કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. શાસક પક્ષના દંડક સહિત અનેક કોર્પોરેટરોએ આ માટે ગ્રાન્ટ ફાળવવા પણ તૈયાર થઈ ગયા હતા. જો કે, અંતિમ ઘડીએ કેટલાક કોર્પોરેટરો દ્વારા બોર્ડ સપ્લાય કરનારા કોન્ટ્રાક્ટરો સાથે ગૂંચવણમાં આવી ગયાની ફરિયાદો ઉઠી.
સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે બજેટ બેઠક ની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સ્માર્ટ બોર્ડની ખરીદી સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી થઇ શકે તેમ છે. તેના માટે કોર્પોરેટરોની ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય નથી પરંતુ સ્કૂલમાં બાળકો અભ્યાસ કરે છે તેઓને સ્વચ્છ પાણી મળે તે માટે આર.ઓ. પ્લાન્ટ લગાવવાનો નિર્ણય કર્યો છે તેથી કોર્પોરેટરો તેમાં ગ્રાન્ટ ફાળવી શકે છે.