સુરતમાં પોલીસની જાણે માઠી બેઠી હોય તેમ ઉમરા પીઆઈ અને સરથાણા પોલીસ સ્ટેશન બાદ કતારગામ પોલીસ ભીંસમાં આવી છે. હીરાની ઠગાઈ કેસમાં પકડાયેલા આરોપી હીરા દલાલને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઇ અને મહિલા પીએસઆઇ સહિત ચાર પોલીસકર્મી વિરુદ્ધ સુરત કોર્ટે ઇન્કવાયરી રજીસ્ટર કરવા હુકમ કર્યો છે.
કતારગામમાં રહેતા વિશાલ ઘનશ્યામ ધામેલીયા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં વિશાલ વિરુદ્ધ 50 લાખથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. કતારગામ પોલીસે વિશાલની ધરપકડ કરી હતી. પોલીસે વિશાલને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટ સમક્ષ વિશાલે પોલીસે તેની સાથે દૂર વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ કરી હતી.વિશાલે પીઆઈ બી. કે. ચૌધરી, મહિલા પીએસઆઇ એન.એસ.સાકરીયા, પીઆઈ રાઈટર રમેશભાઈ, કોન્સ્ટેબલ વિપુલસિંહ વિરુદ્ધ કોર્ટમાં માર મારવાની ફરિયાદ કરી હતી.
આક્ષેપ મુજબ, પોલીસે વિશાલ ધામેલીયાને પેમેન્ટ ચૂકવી સમાધાન કરાવવા માટે દબાણ કર્યું હતું અને તેની સાથે મારપીટ કરી હતી. આરોપીનું કહેવું છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસ અધિકારીઓએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે. સુરત કોર્ટે આ કેસમાં ગંભીરતા દાખવતા આરોપી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
કોર્ટના આદેશ બાદ, 25 માર્ચે આ કેસની આગામી સુનાવણી હાથ ધરાશે. આ મામલે પોલીસ વિભાગ પર ભવિષ્યમાં શું પગલાં લેવાશે તે જોવું રહેશે. સુરત શહેરમાં પોલીસની આ કામગીરીએ ફરી એકવાર સત્તાધીશો અને નાગરિકોના મનમાં શંકા ઉઠાવી છે કે, શું કાયદાનો રક્ષણ આપવાનો હકદાર તંત્ર જાતે જ ગેરવર્તન કરી રહ્યું છે?