Friday, Apr 25, 2025

સુરતમાં પોલીસ એકશનમાં, ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગની કાર્યવાહી કરાઇ

4 Min Read

રાજ્યના મોટા શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો કહેર વધતો જાય છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે સુરતના ખટોદરા પોલીસ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ફૂટ પેટ્રોલિંગ તેમજ વાડન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના ડીજીપીએ અસામાજિક તત્વો અને ગુંડા તત્વો વિરુદ્ધમાં 100 કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે સુચના આપી હતી જે અનુસંધાને સુરતમાં પોલીસ એક્શન મોડમાં છે. સુરતમાં ખટોદરા પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવીને ખટોદરા વિસ્તારમાં કોમ્બિંગનું અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

કોમ્બિંગ દરમ્યાન શરીર સબંધી ગુનાઓમાં પકડાયેલા તથા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રીશીટર તથા એમ.સી.આર.તથા તડીપાર ઈસમો અને પાસા થયેલા ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વાડન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવી હતી

પોલીસ દ્વારા કરાયેલી કામગીરી

  • BNSS કલમ 126,170 મુજબ : 03 કેસ
  • M.v. એક્ટ કલમ 207 : 05 કેસ
  • બુટલેગર ચેક : 12
  • વાહન ચેક : 65
  • શરીર સબંધી પકડાયેલા આરોપી ચેક :- 06
  • તડીપાર ચેક : 02
  • MV ACT-185: 01
  • G.P act કલમ 135 મુજબ : 01 કેસ
  • પ્રોહીબીશન પીધેલાના કેસ : 03
  • શંકમંદ ઈસમો ચેક : 44
  • એમ.સી.આર.ચેક : 07
  • જીપી એક્ટ કલમ-142 : 01
  • ટપોરી ચેક : 02
  • સક્રિય ગુનેગાર ચેક : 07

ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશની અસર જોવા મળી. રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર પોલીસે 7612 આરોપીઓની યાદી તૈયાર કરી. જેમાં 3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સંબંધી ગુનેગારો, 958 મિલકત સંબંધી ગુનેગારો, 179 માઈનિંગ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું. જેમાં અમદાવાદના 25, ગાંધીનગરના 6, વડોદરાના 2, સુરતના 7 અને મોરબીના 12 સહિતના કુલ 59 લોકો સામે પાસા કરવામાં આવ્યા. 10 આરોપીઓને હદપાર કરવામાં આવ્યા તથા 724 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા. 16 ગેરકાયદેસર મકાનોમાં ડિમોલેશન કરવામાં આવ્યુ. 81 વીજચોરી કરતાં કનેક્શન દૂર કરવામાં આવ્યાં. આવનારા દિવાસોમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડિમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવશે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ સિવાય આ તત્ત્વોએ ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો તેને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદે વીજ જોડાણ ધ્યાને આવે તો GUVNL સાથે વાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા, તેમના બેંક ખાતા ચકાસીને નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદે કૃત્ય જણાય તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ છે.

હવે સવાલ એ છે કે, શું રાજ્ય પોલીસ વડા પણ અત્યાર સુધી આ પ્રકારની કાર્યવાહી કરવા રાહ કેમ જોતા હતા? એવું કહેવાય છે કે, વસ્ત્રાલ સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ નથી. થોડા સમય પહેલા પોલીસ સાથે દાદાગીરી કરતા આવા જ અસામાજિક તત્ત્વોના વીડિયોએ ચકચાર મચાવી દીધી હતી.

Share This Article