સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરમાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી , આરોગ્ય વિભાગની કાર્યવાહીને પગલે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ઉનાળાની શરૂઆત થતા જ ગૃહિણીઓ આખા વર્ષના મસાલા ભરવાની તૈયારી કરી રહી છે. સુરતના બજારોમાં મરચું, હળદર અને ધાણાજીરુ લેવા માટે લોકો ઉમટી રહ્યા છે. પરંતુ શું તમે જે મસાલા ખરીદો છો તે શુદ્ધ છે?
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. શહેરના અલગ-અલગ ઝોનમાં આજે આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. મસાલા માર્કેટ અને દળવાની ઘંટીઓ પર અચાનક તપાસ હાથ ધરી રસોઈમાં વપરાતા વિવિધ મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ પાલિકાએ સીઝનલ ખાદ્યપદાર્થો જેવા કે કેરીનો રસ અને બરફના ગોળાના વેચાણ પર કડક તપાસ કરી હતી. હવે આરોગ્ય વિભાગે મસાલા બનાવતા અને વેચતા એકમો પર લાલ આંખ કરી છે.
આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે. જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે હાનિકારક કલર જણાશે, તો સંબંધિત વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.