અમદાવાદમાં રહેતા અને સારા પગારની નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર સામે આવી છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), અમદાવાદ દ્વારા કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કોઈપણ લેખિત પરીક્ષા વગર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ACB દ્વારા ફાયનાન્સિયલ ટાસ્ક ફોર્સ એડવાઈઝરની પોસ્ટ માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી હેઠળ માત્ર એક જગ્યાએ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 10 મે 2026 પહેલા અરજી પહોંચે તે રીતે મોકલવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવાર પાસે ઓલ ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈન્સ્ટિટ્યૂટની CA ડિગ્રી અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉપરાંત LLB (Taxation)ની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવારને અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર ટાઈપિંગ આવડતું હોવું જોઈએ.
અનુભવની બાબતમાં, ઉમેદવારે માન્ય યુનિવર્સિટીના સ્નાતક પછી ભારતીય રાજસ્વ સેવા (ઈન્કમટેક્સ વિભાગ)માં આકારણી-અપીલ વિભાગમાં વર્ગ-1 તરીકે ઓછામાં ઓછો 7 વર્ષનો અને વર્ગ-2 સહિત કુલ 15 વર્ષથી ઓછો નહીં એવો અનુભવ ધરાવતો હોવો જરૂરી છે.
વય મર્યાદા મુજબ ઉમેદવારની ઉંમર 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પસંદગી પામનાર ઉમેદવારને દર મહિને ₹60,000નો ફિક્સ પગાર આપવામાં આવશે.
લાયક ઉમેદવારોએ નિયત ફોર્મેટમાં અરજી નિયામક શ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંગલો નં. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ખાતે 10 મે 2026 સુધીમાં પહોંચે તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ અમાન્ય ગણાશે.