Friday, May 8, 2026

મમતા-સ્ટાલિન સાથે અખિલેશની મુલાકાતે રાજકીય સંકેતો તેજ, કહ્યું- ‘મુશ્કેલીમાં સાથ ન છોડીએ’

3 Min Read

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોએ ઈન્ડિયા ગઠબંધનને મોટો રાજકીય ઝટકો આપ્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થયેલી હાર બાદ ગઠબંધનની એકતા અને ભવિષ્ય અંગે સવાલો ઊભા થયા છે. બંગાળમાં 15 વર્ષ બાદ મમતા બેનર્જીની TMC સત્તાથી બહાર થઈ ગઈ, જ્યારે તમિલનાડુમાં એમકે સ્ટાલિનની DMK પણ સત્તા ગુમાવી બેઠી. બંને નેતાઓ પોતાની બેઠકો પણ બચાવી શક્યા નહોતા. આ પરિસ્થિતિ વચ્ચે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પહેલા કોલકાતામાં મમતા બેનર્જી અને ત્યારબાદ તમિલનાડુમાં એમકે સ્ટાલિન સાથે મુલાકાત કરીને રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો.

અખિલેશ યાદવ પહેલા પશ્ચિમ બંગાળ પહોંચ્યા અને મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. અખિલેશ યાદવે કહ્યું કે “તમે હાર્યા નથી.” ત્યારબાદ તેઓ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને મળ્યા હતા. બંને નેતાઓ સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવે પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં મમતા બેનર્જી અને એમકે સ્ટાલિનની તસવીર સાથે કેપ્શન લખ્યું હતું, “અમે એવા લોકો નથી કે મુશ્કેલીમાં સાથ છોડી દઈએ.”

બંગાળમાં 15 વર્ષ બાદ TMC સત્તાથી બહાર
4 મેના રોજ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામ સહિત 5 રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. 15 વર્ષથી સત્તામાં રહેલી TMCને આ વખતે કરારી હાર મળી છે. મમતા બેનર્જી પોતે પોતાની બેઠક પણ બચાવી શક્યા નહોતા. જ્યાં બંગાળમાં ભાજપને 207 બેઠકો મળી છે, ત્યાં TMC માત્ર 80 બેઠકો પર સીમિત રહી ગઈ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે કોલકાતામાં પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી સાથે મુલાકાત કરીને તેમની સાથે એકતા વ્યક્ત કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ મમતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને અખિલેશનું સ્વાગત કર્યું હતું. ભાજપની જીત બાદ બંગાળમાં આગજની અને હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. શુભેંદુ અધિકારીના PAની હત્યા કરવામાં આવી છે.

તમિલનાડુમાં સત્તાથી બહાર થઈ DMK
તમિલનાડુમાં DMK પણ સત્તાથી બહાર થઈ ગઈ છે. ખુદ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પોતાની બેઠક બચાવી શક્યા નહોતા. તેમને TVKના ઉમેદવાર VS બાબુએ હરાવ્યા હતા. સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિએ પ્રથમ વખત તમિલનાડુમાં ચૂંટણી લડી અને ભવ્ય જીત મેળવી હતી. તેમની પાર્ટી TVKને 108 બેઠકો મળી છે. જ્યારે DMKને 59 બેઠકો પર જીત મળી છે. AIADMKને 47 બેઠકો અને કોંગ્રેસને 5 બેઠકો મળી છે. હાર બાદ અખિલેશ યાદવ તમિલનાડુ પહોંચ્યા અને એમકે સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી.

Share This Article