કીર્તને અને પંડિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (KPIT) ટેક્નોલોજીસ કંપનીના સ્થાપક અને બોર્ડના ચેરમેન એસબી (રવિ) પંડિતનું 8 મે, 2026 શુક્રવારના રોજ પુણેમાં નિધન થયું હતું, એવું કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. તેઓ 71 વર્ષના હતા. દિગ્ગજ આઈટી ઉદ્યોગપતિ રવિ પંડિતનું સાચું નામ શશિશેખર બાલકૃષ્ણ પંડિત હતું.
ગોલ્ડ મેડલ વિજેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અમેરિકામાં MIT ની સ્લોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી પંડિતે એક પ્રોફેશનલ સર્વિસ ફર્મ કીર્તને અને પંડિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (KPCA) ની અધ્યક્ષતા પણ કરી હતી.
KPIT કંપનીએ જણાવ્યું કે, ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં, રવિ પંડિતે ભારત અને વિદેશમાં ટેક્નોલોજી આધારિત મોબોલિટી સોલ્યુશન અને સસ્ટેનેબિલિટી પહેલને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વ્યવસાય ઉપરાંત તેઓ ઘણી નાગરિક, શૈક્ષણિક અને નીતિ સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા.
કંપની તરફથી નિવેદનમાં જણાવાયું છે કે, તેમણે પુણે ઇન્ટરનેશનલ સેન્ટર અને જનવાણી જેવી સંસ્થાઓની સહ-સ્થાપના કરી હતી. તેમણે ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સમાં સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ટેકો આપ્યો હતો અને સામાજિક સંસ્થા જ્ઞાન પ્રબોધિનીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. રવિ પંડિતે થર્મેક્સ લિમિટેડ, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા અને આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઇન્ડિયાના બોર્ડમાં પણ સેવા આપી હતી.
કંપનીએ અહેવાલ આપ્યો છે કે તેમણે મરાઠા ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના અધ્યક્ષ તરીકે સેવા આપવા અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે સેવા આપવા સહિત અનેક મંચો પર ભારતીય ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કર્યું છે.
કંપનીએ એવું પણ જણાવ્યું હતું કે, રવિ પંડિત નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન માટે રચાયેલા અધિકાર પ્રાપ્ત સમૂહ (એમ્પાવર્ડ ગ્રૂપ)ના એકમાત્ર ખાનગી ક્ષેત્રના સભ્ય હતા. તેમણે તાજેતરમાં હૃદય (હાઇડ્રોજન રિવોલ્યુશન ફોર ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનર્જી) પહેલ શરૂ કરી હતી, જેનો હેતુ ક્લિન એનર્જી ટેક્નોલોજી દ્વારા સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
કંપનીએ જણાવ્યું હતું કે રવિ પંડિતે ‘લીપફ્રોગિંગ ટુ પોલ-વોલ્ટિંગ‘ નામનું પુસ્તક પણ લખ્યું છે, જે પ્રગતિશીલ અને ટકાઉ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
KPIT ટેક્નોલોજીસના સ્થાપક રવિ પંડિત પાસે કેટલી સંપત્તિ છે?
કીર્તને અને પંડિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્નોલોજીસના સહ સ્થાપક અને ચેરમેન રવિ પંડિતની સંપત્તિની વાત કરીયે તો ફોર્બ્સ મુજબ વર્ષ 2024ની શરૂઆતમાં તેમની અંદાજિત નેટવર્થ 1.2 અબજ ડોલર હતી, જે તેમને અબજોપતિ બનાવે છે. તેમની સંપત્તિમાં તેમની પુણે સ્થિત ઓટોમોટિવ સોફ્ટવેર કંપનીનું મોટું યોગદાન છે, જે અગ્રણી વૈશ્વિક ઉત્પાદકોને ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રદાન કરે છે.