Home Blog Page 45

ડાંગના વિદ્યાર્થીની અદભુત સિદ્ધિ: NASAની સુરક્ષા ખામી શોધી ‘હોલ ઓફ ફેમ’માં મેળવ્યું સ્થાન

ડાંગ જિલ્લાના વઘઈ ગામના અને હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતાં યુવા સાયબર સંશોધક હેત દિસેશ પટેલે યુએસની પ્રખ્યાત અવકાશી સંસ્થા NASAની સિસ્ટમમાં સુરક્ષા ખામી શોધી કાઢી હતી. આથી આ મહત્વપૂર્ણ ખામીની જાણ નાસાને કરી હતી. આથી યુવા સંશોધક હેત પટેલની કુશળતાની કદર કરતા NASA દ્વારા “Letter of Appreciation” એનાયત કર્યો છે.

વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી હેત પટેલ હાલ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરે છે. બી.ટેકના અંતિમ વર્ષમાં અભ્યાસની સાથે સાયબર સુરક્ષા અને એથિકલ હેકિંગ ક્ષેત્રે વિદ્યાર્થીએ આગવી ઓળખ ઉભી કરી છે. હેત પટેલે નાસાના સિસ્ટમમાં ખામીની જાણ કરતા તેને “Letter of Appreciation” સન્માન પ્રાપ્ત થયું છે. ઉપરાંત નાસાએ હોલ ઓફ ફેમમાં પણ તેમના યોગદાનને માન્યતા આપીને સ્થાન આપ્યું છે.

ડાંગ જિલ્લાના હેત પટેલે અગાઉ પણ અમેરિકાની એક કંપની વિન્ડમિલ લેબની સાઈટમાં ગંભીર સુરક્ષા ખામી શોધી કાઢી હતી. આથી કંપનીએ તેને 1 હજાર ડોલરનું ઇનામ એનાયત કર્યું હતું. ડાંગ જેવા આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીની અનોખી સિદ્ધિની પગલે ડાંગ અને પરિવારમાં ખુશીનો માહોલ છે.

સામાજિક અને શૈક્ષણિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. વિધાર્થીના પિતાએ જણાવ્યું કે, હાલ પુત્રની સિદ્ધિ બદલ તેની કોલેજના પ્રિન્સિપાલે પણ શુભેચ્છાઓ પાઠવી છે. તેમજ લોકો પુત્રના ઉજ્જવળ ભવિષ્ય અંગે શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ડાંગના વિદ્યાર્થીને મળેલી અદ્ભુત સિદ્ધિ બદલ ડાંગનું જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન થયું છે

Pune: 65 વર્ષના નરાધમને ફાંસીએ ચડાવાશે! ફક્ત 60 દિવસમાં જ લેવાયો નિર્ણય

0

પૂણેના ભોર તાલુકામાં આવેલ નસરાપુરમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર અત્યાચાર થયો હતો. એ કેસે આખા દેશમાં ચકચાર મચાવી હતી. આ કેસમાં દોષી ઠરેલા ભીમરાવ કાંબળેને પૂનાની વિશેષ કોર્ટે હવે ફાંસીની સજા સંભળાવી છે. કુમળી દીકરી પર થયેલ અત્યાચાર બાદ પરિવાર હચમચી ગયો હતો. હવે જ્યારે એને મૃત્યુદંડની સજા સંભળવવામાં આવી છે ત્યારે પરિવારની આંખોમાં અશ્રુઓ આવી ગયા હતા. આજે સોમવારે 65 વર્ષીય નરાધમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. ‘હવે ફાંસી પર ચઢો’ એમ ન્યાયાધીશે કહ્યું ત્યાં જ હાજર સૌ હચમચી ગયા હતા.

મહારાષ્ટ્રમાં જ નહીં, આખા દેશમાં ચકચાર મચાવનાર આ કેસનો ચુકાદો આવતાં જ પીડિતોના પરિવારો રડી પડ્યા. આજે ચુકાદો સંભળાવતી વેળાએ ન્યાયમૂર્તિ સાલુંખેએ જણાવ્યું હતું કે રેકોર્ડ પરના પુરાવા ફરિયાદી પક્ષે મૂકેલા આરોપો તદ્દન સાચા હતા અને તે ભીમરાવ કાંબળેને સંપૂર્ણરીતે દોષિત ઠેરવતા હતા. આરોપીના ગુનાહિત રેકોર્ડનો ઉલ્લેખ પણ કોર્ટે કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ કેસ હત્યા અને બળાત્કાર જેવા અતિશય ગંભીર ગુના સાથે જોડાયેલો છે. આરોપીનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે અને તેની સામે ગંભીર હુમલાના કેસોનો તો લાંબોલચક ઇતિહાસ છે. કોર્ટે 1 મેના રોજ ગુનો થયાના માત્ર 60 દિવસ પછી 25 જૂને આરોપીને દોષિત ઠેરવ્યો હતો.

આ કેસે તો સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે
આ કેસમાં ફરિયાદી પક્ષે કહ્યું હતું કે આરોપી ભીમરાવ કાંબળેએ નસરાપુરમાં ત્રણ વર્ષની બાળકીને સ્નેક્સ અને નવજાત વાછરડું દેખાડવાની લાલચ આપી હતી. ત્યારબાદ તે બાળકીને તબેલા નજીક એક શેડમાં લઈ ગયો અને ત્યાં આ નરાધમે બાળકી પર અત્યાચાર ગુજાર્યો હતો અને બાદમાં તેણે તેનું ગળું કાપીને હત્યા કરી હતી. આવી હેવાનિયતભરી કહાની સાંભળીને ન્યાયતંત્ર પણ હક્કાબક્કા થઈ ગયું હતું. ચુકાદો આપતા ન્યાયાધીશ સાલુંખેએ જણાવ્યું હતું કે આ ગુનો અતિશય ક્રૂરતા અને અમાનવીય રીતે આચરવામાં આવ્યો હતો. પીડિત પણ સાવ નિર્દોષ અને અસહાય બાળકી હતી. આ બાળકીની હત્યા માત્ર તેની વાસના સંતોષવા માટે કરવામાં આવેલ. જે નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા દર્શાવે છે. તે સુનિયોજિત અને નિર્દય અપરાધ હતો. તેની નિર્દયતાએ માત્ર ન્યાયતંત્રની જ નહીં પરંતુ સમગ્ર સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે`

આ કેસ અંગે કોર્ટે એમ પણ કહ્યું હતું કે આરોપીની સજા કોઈ રીતે ઓછી થઈ શકે એમ નથી. આરોપીની 65 વર્ષની ઉંમર એ એકમાત્ર પાસું છે તેમ છતાં તેનાથી આરોપીની સજા તો ઘટે એમ નથી જ. ઉપરથી આ કેસમાં તો તેની ઉંમર તે ગુનાને વધુ ગંભીર બનાવે છે.

ફાંસીની સજા પણ ઓછી પડશે
આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા તો સંભળાવી છે અને સાથે એમ પણ કહ્યું છે કે પીડિત બાળકી માત્ર ત્રણ વર્ષની હતી. હત્યા પછી પણ ભીમરાવે બાળકી પર અત્યાચાર શરૂ જ રાખ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જાતીય હુમલાની પુષ્ટિ થઈ છે. બાળકી જીવતી રહે એવો કોઈ વિકલ્પ તેણે બાકી રાખ્યો નહોતો. આરોપીને આજીવન કેદની સજા તો શું મૃત્યુદંડની સજા પણ ઓછી પડશે. આ પહેલા આ પરિવારની 53 વર્ષીય યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એક વૃદ્ધ મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ એક દુર્લભ કેસ છે.”

ચંપત રાય સહિત ત્રણને ત્રણ દિવસમાં અયોધ્યા છોડી દેવા ફૈઝાબાદ બારની ચેતવણી

0

અયોધ્યાના રામ મંદિર દાનચોરી કેસને લઈને ફૈઝાબાદ બાર એસોસિએશન હવે ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યું છે. એસોસિએશને રામ જન્મભૂમિ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને ત્રણ દિવસની અંદર અયોધ્યા છોડી દેવાની ચેતવણી આપી છે. બાર એસોસિએશનનું કહેવું છે કે જો તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં અયોધ્યા નહીં છોડે તો તેમના વિરુદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે.

ફૈઝાબાદ બાર એસોસિએશને જાહેરાત કરી છે કે તે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 156(3) હેઠળ કોર્ટમાં અરજી દાખલ કરીને ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવાની માંગ કરશે. એસોસિએશનનો આરોપ છે કે સમગ્ર દાનચોરી પ્રકરણમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે.

આ સાથે બાર એસોસિએશને દાનચોરી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓનો કોઈપણ વકીલ કેસ નહીં લડે એવો નિર્ણય પણ જાહેર કર્યો છે. જો એસોસિએશનનો કોઈ સભ્ય આરોપીઓની તરફેણમાં કોર્ટમાં હાજર રહેશે તો તેના પર ₹5 લાખનો દંડ ફટકારવામાં આવશે તેમજ તેનું સભ્યપદ રદ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે જો ત્રણ દિવસની અંદર સંબંધિત લોકો અયોધ્યા નહીં છોડે તો તેમના વિરોધમાં નાકાબંધી અને પ્રવેશબંધી જેવા આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ગરમાયો છે અને અયોધ્યાના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં તેની ચર્ચા તેજ બની છે.

ભૂકંપ બાદ વેનેઝુએલાની મદદે આવ્યું ભારત, શરૂ થયું ‘ઓપરેશન એમિસ્ટાડ’

વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જાયો. મોટી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે, અને એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો ગુમ થયા છે. તે લોકોની શોધખોળ ચાલી રહી છે. આ કટોકટીની ઘડીમાં ભારત સહિત અનેક દેશો વેનેઝુએલાને મદદ કરવા આગળ આવ્યા છે. ‘ઓપરેશન એમિસ્ટાડ’ દ્વારા ભારતે નોંધપાત્ર પ્રમાણમાં રાહત પુરવઠો પહોંચાડ્યો છે.

41 સભ્યોની ટીમ જોડાઇ છે બચાવ કામગીરીમાં
અહેવાલો અનુસાર, ‘ઓપરેશન એમિસ્ટાડ’ હેઠળ 41 સભ્યોની ટીમ છે. જેમાં બચાવ કર્મચારીઓ અને તબીબી વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. આ ટીમને વેનેઝુએલામાં તૈનાત કરવામાં આવી છે. ટીમે પહેલેથી જ એક ફિલ્ડ હોસ્પિટલ યુનિટની સ્થાપના કરી છે અને તબીબી સહાય પૂરી પાડી રહી છે. તેઓ વેનેઝુએલાના અધિકારીઓ સાથે મળીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરશે, કટોકટી તબીબી સહાય પૂરી પાડશે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવતાવાદી રાહત કાર્ય હાથ ધરશે.

ભારતીય વાયુસેના (IAF) એ પણ સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન એમિસ્ટાડ’ વિશે વિગતો શેર કરી. દળે જણાવ્યું હતું કે બે ભારતીય વાયુસેના C-17 ગ્લોબમાસ્ટર વિમાનોએ દિલ્હીથી કારાકાસ સુધી 14,000 કિલોમીટરથી વધુનું હવાઈ અંતર કાપીને વેનેઝુએલા સુધી 23 કલાકની પડકારજનક ઉડાન પૂર્ણ કરી.

રાહત સામગ્રીમાં શું શું છે ?
IAF એ અહેવાલ આપ્યો છે કે વિમાન 66 ટન સહાય લઈને કારાકાસના મૈક્વેટિયા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉતર્યું હતું. આ માલમાં ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલ, 35 ટનથી વધુ રાહત સામગ્રી, દવાઓ, તબીબી સાધનો અને બે ‘ભીષ્મ ક્યુબ્સ’નો સમાવેશ થાય છે. IAF એ નોંધ્યું છે કે આ જરૂરિયાત ઊભી થાય ત્યારે ખંડોમાં આશા પહોંચાડવાની ભારતની ક્ષમતા દર્શાવે છે.

વેનેઝુએલાની મદદે આવ્યુ ભારત
ભારતે ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ બે વાયુસેના C-17 ગ્લોબમાસ્ટર વિમાન – રાહત પુરવઠો વહન કરતા અને 41 સભ્યોની બચાવ ટીમ શુક્રવારે ચાલુ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે રવાના થઇ હતી. 26 જૂનના રોજ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ભારત વેનેઝુએલાની સરકાર અને લોકો સાથે ખભે ખભા મિલાવીને ઉભું છે.

મૃત્યુઆંક વધવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે વેનેઝુએલામાં રિક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી હતી. અહેવાલો દર્શાવે છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 1,450 થયો છે. અને આ આંકડો વધુ વધી શકે તેવી આશંકા છે. હજી પણ ઘણા લોકો ગુમ છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

મુશ્કેલ સમયમાં મદદ કરવા તૈયાર: જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે રાહત પુરવઠો, તબીબી ઉપકરણો અને ફિલ્ડ હોસ્પિટલ યુનિટ – જે ‘ઓપરેશન એમિસ્ટાડ’ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં મોકલવામાં આવ્યું હતું તે ત્યાં પહોંચી ગયું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ફિલ્ડ હોસ્પિટલ યુનિટ, રાહત સામગ્રી, દવાઓ અને તબીબી સાધનો ભૂકંપ પછી દેશમાં ચાલી રહેલા રાહત કાર્યોને મજબૂત બનાવશે. તેમણે કેટલાક ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા.

ગામડાંના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધુ અને એલર્જી ઓછી કેમ હોય છે?

આજના સમયમાં શહેરોમાં બાળકોમાં એલર્જી, અસ્થમા, એક્ઝિમા અને ફૂડ એલર્જીના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ ગામડાંમાં ઉછરતા બાળકોમાં આ સમસ્યાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. શું ખરેખર ગામડાની હવા જાદુઈ છે? કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે?

જવાબ છે – હા, તેની પાછળ મજબૂત વૈજ્ઞાનિક કારણો છે.

  1. પ્રકૃતિ સાથે વધુ સંપર્ક
    ગામડાંના બાળકો માટી, ખેતરો, પશુઓ અને વૃક્ષો વચ્ચે વધુ સમય વિતાવે છે. આ દરમિયાન તેમના શરીરનો સંપર્ક હજારો પ્રકારના નિર્દોષ જીવાણુઓ (Microbes) સાથે થાય છે.

આ જીવાણુઓ બાળકની રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રીતે તાલીમ આપે છે જેથી શરીર નકામી વસ્તુઓ સામે અતિપ્રતિક્રિયા ન કરે.

  1. “હાઈજીન હાઇપોથિસિસ”
    વૈજ્ઞાનિકો મુજબ જો બાળકનું બાળપણ ખૂબ જ સ્વચ્છ અને જંતુમુક્ત વાતાવરણમાં પસાર થાય તો તેની રોગપ્રતિકારક શક્તિને પૂરતી તાલીમ મળતી નથી.

પરિણામે શરીર ધૂળ, પરાગકણ, પાલતુ પ્રાણીઓ અથવા સામાન્ય ખોરાક સામે પણ એલર્જીક પ્રતિક્રિયા આપવા લાગે છે.

આને Hygiene Hypothesis કહેવામાં આવે છે.

  1. આંતરડાના સારા બેક્ટેરિયા (Gut Microbiome)
    ગામડાંના બાળકોમાં આંતરડામાં વિવિધ પ્રકારના સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે.

આ સારા બેક્ટેરિયા:

  • રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
  • એલર્જીનું જોખમ ઘટાડે છે.
  • શરીરમાં સોજો (Inflammation) ઓછો કરે છે.
  1. પ્રોસેસ્ડ ખોરાક ઓછો
    ગામડાંમાં સામાન્ય રીતે તાજું અને ઘરનું બનાવેલું ભોજન વધુ લેવાય છે.

જ્યારે શહેરોમાં બાળકો વધુ પ્રમાણમાં:

  • પેકેટ ફૂડ
  • કોલ્ડ ડ્રિંક્સ
  • જંક ફૂડ
  • પ્રિઝર્વેટિવવાળા ખોરાક

લેતા હોવાથી આંતરડાના સારા બેક્ટેરિયા પર ખરાબ અસર થાય છે.

  1. વધુ શારીરિક પ્રવૃત્તિ
    ગામડાંના બાળકો બહાર રમે છે, દોડે છે અને કુદરત સાથે રહે છે.

આનાથી:

  • ફેફસાં વધુ મજબૂત બને છે.
  • વિટામિન D પૂરતું મળે છે.
  • સ્થૂળતા ઓછી રહે છે.
  • રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.
  1. હવાના પ્રદૂષણનું ઓછું પ્રમાણ
    શહેરોમાં વાહનો, ઉદ્યોગો અને ધૂળને કારણે હવાનું પ્રદૂષણ વધારે હોય છે.

આ પ્રદૂષણ:

  • અસ્થમા વધારી શકે છે.
  • એલર્જીક રાઇનાઇટિસનું જોખમ વધારે છે.
  • ફેફસાંને નુકસાન પહોંચાડે છે.

ગામડાંમાં સામાન્ય રીતે પ્રદૂષણ ઓછું હોવાથી બાળકોના શ્વસનતંત્ર પર ઓછો બોજ પડે છે.

શું ગામડાંના બધા બાળકોને એલર્જી થતી જ નથી?

ના.

ગામડાંના બાળકોમાં પણ એલર્જી થઈ શકે છે.

જો પરિવારમાં એલર્જીનો ઇતિહાસ હોય અથવા ધુમાડો, તમાકુ, બાયોમાસના ધુમાડા અથવા અન્ય પર્યાવરણીય કારણો હોય તો એલર્જી થઈ શકે છે.

શહેરમાં રહેતા બાળકો માટે શું કરી શકાય?

  • બાળકોને દરરોજ ખુલ્લી જગ્યાએ રમવા દો.
  • બિનજરૂરી એન્ટીબાયોટિક્સથી બચો.
  • સંતુલિત અને તાજો ખોરાક આપો.
  • ફળ, શાકભાજી અને ફાઇબરવાળો આહાર વધારો.
  • પાલતુ પ્રાણીઓ અથવા કુદરતથી બિનજરૂરી દૂર ન રાખો.
  • ધૂમ્રપાનથી બાળકોને સંપૂર્ણ દૂર રાખો.
  • જરૂરી તમામ રસી સમયસર અપાવો.

નિષ્કર્ષ
ગામડાંની માટી, કુદરતી વાતાવરણ, વિવિધ જીવાણુઓ સાથેનો સંપર્ક, શારીરિક પ્રવૃત્તિ અને ઓછું પ્રદૂષણ બાળકોની રોગપ્રતિકારક શક્તિના સ્વસ્થ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

એલર્જી સંપૂર્ણપણે ટાળી શકાતી નથી, કારણ કે તેમાં આનુવંશિકતા પણ મહત્વપૂર્ણ છે. પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે બાળપણમાં કુદરતી વાતાવરણ સાથેનો યોગ્ય સંપર્ક એલર્જી અને અસ્થમાનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

“બાળકોને સંપૂર્ણ જંતુમુક્ત દુનિયામાં નહીં, પરંતુ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં ઉછેરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધુ સંતુલિત બને છે.”

ડો તરેશ પટેલ
ચેસ્ટ એન્ડ એલર્જી સ્પેશિયાલિસ્ટ
ચેસ્ટ કેર હોસ્પિટલ સુરત

ચીનમાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતા

0

ચીનના શીનચુઆન પ્રાંતમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા અનેક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. યિબિન શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ઈમારતો ધ્રૂજી ઊઠતાં લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

સુરતના ઓલપાડમાં ₹1500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની પીંજરત સહકારી મંડળીમાં અંદાજે ₹1500 કરોડના જમીન કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે મંડળીના પ્રમુખ અને વચેટિયાઓ દ્વારા 280 વીઘા કિંમતી જમીન ઓછી કિંમતે પડાવી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને શેર ટ્રાન્સફર ન કરનાર ખેડૂતોને ધમકીઓ આપવામાં આવી રહી છે.

પૂર્વ ધારાસભ્યના ભૂતપૂર્વ PA મુકેશ સોની સામે પણ ધમકી આપ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે PMO અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે હવે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

ચોમાસા પૂર્વે DEOની શાળાઓને ગાઇડલાઇન, જર્જરિત ક્લાસરૂમ તાત્કાલિક તોડી પાડવા આદેશ

સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. દર વર્ષે વરસાદી મોસમમાં શાળાઓની દિવાલ ધરાશાયી થવી, વૃક્ષો પડવા, કરંટ લાગવા જેવી દુર્ઘટનાઓ બનતી હોવાને કારણે આ વર્ષે અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. DEO દ્વારા શાળાઓને જર્જરિત અને જોખમી ક્લાસરૂમો તાત્કાલિક ખાલી કરાવી તોડી પાડવા તેમજ તમામ ઇમારતોની સલામતીની ચકાસણી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

નવી ગાઇડલાઇન અનુસાર, અચાનક ભારે વરસાદ, પાણી ભરાવાની સ્થિતિ અથવા વાહનવ્યવહાર ખોરવાઈ જાય ત્યારે શાળા સંચાલન અને શિક્ષકોની જવાબદારી વધશે. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે તેમના વાલીઓ અથવા યોગ્ય વાહન વ્યવસ્થા દ્વારા ઘરે પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી શિક્ષકો અને આચાર્યોએ શાળા પરિસરમાં હાજર રહી તેમની દેખરેખ રાખવાની રહેશે. કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને એકલા છોડવા નહીં તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.

માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતા અંગે કડક સૂચનાઓ
શિક્ષણ વિભાગે શાળાઓને મેદાન, છત અને પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. ડ્રેનેજ લાઇન અથવા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ હોય તો તેને તાત્કાલિક દૂર કરવાની જવાબદારી શાળા સંચાલનની રહેશે. ઉપરાંત પીવાના પાણીની ટાંકીઓની નિયમિત સફાઈ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા અને રોગચાળો અટકાવવા જરૂરી આરોગ્યલક્ષી પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી છે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે કાર્યવાહી થશે
DEO કચેરીએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વિવિધ શાળાઓમાં આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવશે. માર્ગદર્શિકાનું પાલન ન કરતી અથવા વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે બેદરકારી દાખવતી શાળાઓ સામે કાયદાકીય અને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.

આ વખતે પ્રોપર્ટી નહીં, સીધો તું જ ટાર્ગેટ થઈશ; રોહિત શેટ્ટીને ફરી 20 કરોડની ખંડણીની ધમકી

0

બોલીવૂડના જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર રોહિત શેટ્ટીને ફરી એકવાર લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળ્યાનો મામલો સામે આવ્યો છે. આ વખતે ગેંગ દ્વારા 20 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ધમકીભર્યો ઑડિયો મેસેજ મોકલીને રોહિત શેટ્ટીને ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, આ પહેલાં 1 ફેબ્રુઆરીના રોજ રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાનની બહાર ગોળીબારની ઘટના બની હતી. હવે ફરીથી મળેલી ધમકી બાદ તેમણે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી-એક્સ્ટોર્શન સેલે તપાસ શરૂ કરી દીધી છે.

ધમકીમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હોવાનું જણાવાય છે કે જો માંગવામાં આવેલી રકમ ચૂકવવામાં નહીં આવે તો આ વખતે તેમની મિલકત નહીં પરંતુ તેઓ પોતે નિશાન બનશે. ઑડિયો મેસેજમાં સીધી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. સાથે જ ખંડણી ચૂકવવા માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તપાસમાં આ ધમકી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોણકર તરફથી આપવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સમગ્ર મામલાની સત્યતા જાણવા માટે ધમકીભરી ઑડિયો ક્લિપને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. રિપોર્ટ મળ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કૅન્સરની સારવાર માટે ભારત આવી રહેલી ૧૩ વર્ષની બાળકીનું ફ્લાઇટમાં મોત

હૈદરાબાદમાં કેન્સરની સારવાર કરાવવા માટે ભારત આવી રહેલી ઇથિયોપિયાની ૧૩ વર્ષની એક માસૂમ બાળકીનું ચાલુ ફલાઇટમાં જ કરુણ મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બાળકી છેલ્લાં ત્રણ વર્ષથી કેન્સર સામે જંગ લડી રહી હતી.

શનિવારે રાત્રે આશરે 1 વાગ્યે ઇથિયોપિયન એરલાઇન્સનું વિમાન રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું એ પહેલાં જ અધવચ્ચે ટ્રાન્ઝિટ દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્લેન લેન્ડ થતાં જ તેને તાત્કાલિક એરપોર્ટની મેડિકલ ફેસિલિટીમાં ખસેડાઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આવી જ અન્ય એક તબીબી કટોકટીની ઘટનામાં અબુ ધાબીથી બેન્ગલોર આવી રહેલી ફલાઇટમાં ટેક-ઓફ પહેલાં કેરલમના ૫૧ વર્ષના પ્રવાસી યુસુફ કુન્હામ્મુનું મોત નીપજ્યું હતું. વિમાન ઊપડે એ પહેલાં જ તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ હતી. કેબિન ક્રૂએ તાત્કાલિક પેરામેડિક્સની મદદ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતાં જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.