Monday, Jun 29, 2026

ભૂકંપ બાદ વેનેઝુએલાની મદદે આવ્યું ભારત, શરૂ થયું ‘ઓપરેશન એમિસ્ટાડ’

3 Min Read

વેનેઝુએલામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જાયો. મોટી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે, અને એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો ગુમ થયા છે. તે લોકોની શોધખોળ ચાલી રહી છે. આ કટોકટીની ઘડીમાં ભારત સહિત અનેક દેશો વેનેઝુએલાને મદદ કરવા આગળ આવ્યા છે. ‘ઓપરેશન એમિસ્ટાડ’ દ્વારા ભારતે નોંધપાત્ર પ્રમાણમાં રાહત પુરવઠો પહોંચાડ્યો છે.

41 સભ્યોની ટીમ જોડાઇ છે બચાવ કામગીરીમાં
અહેવાલો અનુસાર, ‘ઓપરેશન એમિસ્ટાડ’ હેઠળ 41 સભ્યોની ટીમ છે. જેમાં બચાવ કર્મચારીઓ અને તબીબી વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે. આ ટીમને વેનેઝુએલામાં તૈનાત કરવામાં આવી છે. ટીમે પહેલેથી જ એક ફિલ્ડ હોસ્પિટલ યુનિટની સ્થાપના કરી છે અને તબીબી સહાય પૂરી પાડી રહી છે. તેઓ વેનેઝુએલાના અધિકારીઓ સાથે મળીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરશે, કટોકટી તબીબી સહાય પૂરી પાડશે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવતાવાદી રાહત કાર્ય હાથ ધરશે.

ભારતીય વાયુસેના (IAF) એ પણ સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન એમિસ્ટાડ’ વિશે વિગતો શેર કરી. દળે જણાવ્યું હતું કે બે ભારતીય વાયુસેના C-17 ગ્લોબમાસ્ટર વિમાનોએ દિલ્હીથી કારાકાસ સુધી 14,000 કિલોમીટરથી વધુનું હવાઈ અંતર કાપીને વેનેઝુએલા સુધી 23 કલાકની પડકારજનક ઉડાન પૂર્ણ કરી.

રાહત સામગ્રીમાં શું શું છે ?
IAF એ અહેવાલ આપ્યો છે કે વિમાન 66 ટન સહાય લઈને કારાકાસના મૈક્વેટિયા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર ઉતર્યું હતું. આ માલમાં ભારતીય સેનાની ફિલ્ડ હોસ્પિટલ, 35 ટનથી વધુ રાહત સામગ્રી, દવાઓ, તબીબી સાધનો અને બે ‘ભીષ્મ ક્યુબ્સ’નો સમાવેશ થાય છે. IAF એ નોંધ્યું છે કે આ જરૂરિયાત ઊભી થાય ત્યારે ખંડોમાં આશા પહોંચાડવાની ભારતની ક્ષમતા દર્શાવે છે.

વેનેઝુએલાની મદદે આવ્યુ ભારત
ભારતે ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ‘ઓપરેશન એમિસ્ટાડ’ શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ બે વાયુસેના C-17 ગ્લોબમાસ્ટર વિમાન – રાહત પુરવઠો વહન કરતા અને 41 સભ્યોની બચાવ ટીમ શુક્રવારે ચાલુ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે રવાના થઇ હતી. 26 જૂનના રોજ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ભારત વેનેઝુએલાની સરકાર અને લોકો સાથે ખભે ખભા મિલાવીને ઉભું છે.

મૃત્યુઆંક વધવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે વેનેઝુએલામાં રિક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી હતી. અહેવાલો દર્શાવે છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 1,450 થયો છે. અને આ આંકડો વધુ વધી શકે તેવી આશંકા છે. હજી પણ ઘણા લોકો ગુમ છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

મુશ્કેલ સમયમાં મદદ કરવા તૈયાર: જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે રાહત પુરવઠો, તબીબી ઉપકરણો અને ફિલ્ડ હોસ્પિટલ યુનિટ – જે ‘ઓપરેશન એમિસ્ટાડ’ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં મોકલવામાં આવ્યું હતું તે ત્યાં પહોંચી ગયું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ફિલ્ડ હોસ્પિટલ યુનિટ, રાહત સામગ્રી, દવાઓ અને તબીબી સાધનો ભૂકંપ પછી દેશમાં ચાલી રહેલા રાહત કાર્યોને મજબૂત બનાવશે. તેમણે કેટલાક ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા.

Share This Article