પૂણેના ભોર તાલુકામાં આવેલ નસરાપુરમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર અત્યાચાર થયો હતો. એ કેસે આખા દેશમાં ચકચાર મચાવી હતી. આ કેસમાં દોષી ઠરેલા ભીમરાવ કાંબળેને પૂનાની વિશેષ કોર્ટે હવે ફાંસીની સજા સંભળાવી છે. કુમળી દીકરી પર થયેલ અત્યાચાર બાદ પરિવાર હચમચી ગયો હતો. હવે જ્યારે એને મૃત્યુદંડની સજા સંભળવવામાં આવી છે ત્યારે પરિવારની આંખોમાં અશ્રુઓ આવી ગયા હતા. આજે સોમવારે 65 વર્ષીય નરાધમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. ‘હવે ફાંસી પર ચઢો’ એમ ન્યાયાધીશે કહ્યું ત્યાં જ હાજર સૌ હચમચી ગયા હતા.
મહારાષ્ટ્રમાં જ નહીં, આખા દેશમાં ચકચાર મચાવનાર આ કેસનો ચુકાદો આવતાં જ પીડિતોના પરિવારો રડી પડ્યા. આજે ચુકાદો સંભળાવતી વેળાએ ન્યાયમૂર્તિ સાલુંખેએ જણાવ્યું હતું કે રેકોર્ડ પરના પુરાવા ફરિયાદી પક્ષે મૂકેલા આરોપો તદ્દન સાચા હતા અને તે ભીમરાવ કાંબળેને સંપૂર્ણરીતે દોષિત ઠેરવતા હતા. આરોપીના ગુનાહિત રેકોર્ડનો ઉલ્લેખ પણ કોર્ટે કર્યો હતો. કોર્ટે કહ્યું કે આ કેસ હત્યા અને બળાત્કાર જેવા અતિશય ગંભીર ગુના સાથે જોડાયેલો છે. આરોપીનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે અને તેની સામે ગંભીર હુમલાના કેસોનો તો લાંબોલચક ઇતિહાસ છે. કોર્ટે 1 મેના રોજ ગુનો થયાના માત્ર 60 દિવસ પછી 25 જૂને આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
આ કેસે તો સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે
આ કેસમાં ફરિયાદી પક્ષે કહ્યું હતું કે આરોપી ભીમરાવ કાંબળેએ નસરાપુરમાં ત્રણ વર્ષની બાળકીને સ્નેક્સ અને નવજાત વાછરડું દેખાડવાની લાલચ આપી હતી. ત્યારબાદ તે બાળકીને તબેલા નજીક એક શેડમાં લઈ ગયો અને ત્યાં આ નરાધમે બાળકી પર અત્યાચાર ગુજાર્યો હતો અને બાદમાં તેણે તેનું ગળું કાપીને હત્યા કરી હતી. આવી હેવાનિયતભરી કહાની સાંભળીને ન્યાયતંત્ર પણ હક્કાબક્કા થઈ ગયું હતું. ચુકાદો આપતા ન્યાયાધીશ સાલુંખેએ જણાવ્યું હતું કે આ ગુનો અતિશય ક્રૂરતા અને અમાનવીય રીતે આચરવામાં આવ્યો હતો. પીડિત પણ સાવ નિર્દોષ અને અસહાય બાળકી હતી. આ બાળકીની હત્યા માત્ર તેની વાસના સંતોષવા માટે કરવામાં આવેલ. જે નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા દર્શાવે છે. તે સુનિયોજિત અને નિર્દય અપરાધ હતો. તેની નિર્દયતાએ માત્ર ન્યાયતંત્રની જ નહીં પરંતુ સમગ્ર સમાજના અંતરાત્માને હચમચાવી દીધો છે`
આ કેસ અંગે કોર્ટે એમ પણ કહ્યું હતું કે આરોપીની સજા કોઈ રીતે ઓછી થઈ શકે એમ નથી. આરોપીની 65 વર્ષની ઉંમર એ એકમાત્ર પાસું છે તેમ છતાં તેનાથી આરોપીની સજા તો ઘટે એમ નથી જ. ઉપરથી આ કેસમાં તો તેની ઉંમર તે ગુનાને વધુ ગંભીર બનાવે છે.
ફાંસીની સજા પણ ઓછી પડશે
આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા તો સંભળાવી છે અને સાથે એમ પણ કહ્યું છે કે પીડિત બાળકી માત્ર ત્રણ વર્ષની હતી. હત્યા પછી પણ ભીમરાવે બાળકી પર અત્યાચાર શરૂ જ રાખ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જાતીય હુમલાની પુષ્ટિ થઈ છે. બાળકી જીવતી રહે એવો કોઈ વિકલ્પ તેણે બાકી રાખ્યો નહોતો. આરોપીને આજીવન કેદની સજા તો શું મૃત્યુદંડની સજા પણ ઓછી પડશે. આ પહેલા આ પરિવારની 53 વર્ષીય યુવતી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એક વૃદ્ધ મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ એક દુર્લભ કેસ છે.”