Home Blog Page 39

અમરેલીમાં મેઘતાંડવ! રાજુલામાં 10.79 ઇંચ વરસાદથી જનજીવન ઠપ

0

ગુજરાતમાં એકસાથે સક્રિય થયેલી અનેક વરસાદી સિસ્ટમોના કારણે રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અમરેલી જિલ્લાના રાજુલામાં 10.79 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લામાં સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં નદીઓમાં પૂર આવતાં જનજીવન પ્રભાવિત થયું છે અને ગામડાઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ?
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ આજે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં એક તાલુકામાં 10 ઇંચથી વધુ, એક તાલુકામાં 9 ઇંચથી વધુ, એક તાલુકામાં 6 ઇંચથી વધુ, બે તાલુકામાં 5 ઇંચથી વધુ, છ તાલુકામાં 4 ઇંચથી વધુ, બે તાલુકામાં 3 ઇંચથી વધુ, 14 તાલુકામાં 2 ઇંચથી વધુ, 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
અમરેલી જિલ્લાના રાજુલામાં રાજ્યનો સૌથી વધુ 10.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધારીમાં 9.21 ઇંચ અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ક્રમતાલુકો / શહેરવરસાદ (ઇંચ)
1સુબીર (ડાંગ)5.16
2સાવરકુંડલા5.04
3જાફરાબાદ4.92
4ડાંગ4.57
5વિજયનગર4.49
6બગસરા4.29
7લીલીયા4.21
8ઊના4.21
9જેસર4.21
10ચીખલી3.58
11અન્ય એક વિસ્તાર3.27

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

ક્રમતાલુકો / શહેરવરસાદ (ઇંચ)
1મહુવા (ભાવનગર)2.99
2વાપી2.95
3ગારિયાધાર2.80
4ડોલવણ2.76
5ઉમરગામ2.72
6ગીર ગઢડા2.72
7ગણદેવી2.64
8કોડીનાર2.60
9વ્યારા2.48
10ચુડા2.17
11અંબિકા2.09
12કપરાડા2.09
13અમરેલી2.01
14મહેસાણા1.97
15વઘઈ1.93
16પાલિતાણા1.85
17સૂત્રાપાડા1.81
18કોટડા સાંગાણી1.77
19ઓલપાડ1.77
20વિસાવદર1.57
21તારાપુર1.57
22કુકાવાવ-વડિયા1.42
23સિદ્ધપુર1.42
24લખતર1.38
25પલસાણા1.34
26દાંતા1.34
27વડગામ1.34
28કડી1.34
29ગોંડલ1.34
30નવસારી1.34
31હળવદ1.34
32વિસનગર1.30
33સાયલા1.30

આજે ક્યાં છે ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને ભારે વરસાદ દરમિયાન નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

Bhavnagar: પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

0

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં વન્ય પ્રાણીના હુમલાની ઘટના સામે આવી છે. ગામના માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા પર સિંહે હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

સિંહે તેમને થોડા ઘાયલ કર્યા હતા અને એ પછી તેમના પગ સિંહે દબાવી રાખ્યા હતા. બાદમાં થોડી વાર કાળુભાઈ પોતાને છોડાવવા માટે મથ્યાં હતા. કાળુભાઈની બીજી જિંદગી હશે એટલે તેઓ બચી ગયા અને સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. જો સિંહે તેમનું મારણ કરી નાંખ્યું હોય તો આજે તેઓ મોતને ભેટ્યા હોત.

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, ગરજીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા માલધારીના રહેઠાણ નજીક અચાનક સિંહ આવી ગયો હતો. આ દરમિયાન માલધારી કાળુભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમને ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા અને તેમને સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને માહિતી આપી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

ખેડૂતોમાં ચિંતા વ્યાપી
સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગામની આસપાસ વન્ય પ્રાણીઓની અવરજવર વધી રહી છે, જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ગ્રામજનોએ વન વિભાગને અસરકારક પગલાં ભરવા અને ગામની સુરક્ષા વધારવાની માંગ કરી છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને કોઈ પણ વન્ય પ્રાણી દેખાય તો તરત જ વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે.

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદે તબાહી મચાવી, કેટલાય ભૂસ્ખલનમાં અનેક વાહનો દટાયા

0

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. ભારે વરસાદને કારણે કિશ્તવાડમાં 540 મેગાવોટના ક્વાર પાવર પ્રોજેક્ટ પાસે મોટો ભૂસ્ખલન થયો છે. અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે. અનેક વાહનોને ભારે નુકસાન થયું છે અને તેઓ હજુ પણ ફસાયેલા છે. ફસાયેલા વાહનોને બચાવવા અને અસરગ્રસ્ત વિસ્તારને પુનઃસ્થાપિત કરવા માટે કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

કાટમાળમાં ફસાયેલા વાહનો
અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે સવારે ભારે વરસાદને કારણે કિશ્તવાડ જિલ્લામાં 540 મેગાવોટના ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ નજીક એક મોટો ભૂસ્ખલન થયો હતો, જેમાં અનેક વાહનો ભારે કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નોંધપાત્ર નુકસાન થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનની ઝપેટમાં ઘણા વાહનો આવ્યા હતા, જેમાંથી ઘણાને ભારે નુકસાન થયું હતું. કાટમાળ સાફ કરવા, અસરગ્રસ્ત વાહનોને દૂર કરવા અને આ વિસ્તારમાં ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બચાવ ટીમો અને ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે.

દરમિયાન, સતત વરસાદને કારણે આવેલા પૂરના કારણે ડોડા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ભારે તબાહી મચી ગઈ છે. ભારે વરસાદને કારણે ડોડા જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, જેના કારણે અનેક સ્થળોએ નુકસાન થયું છે. જોકે, તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને બચાવ કામગીરી ચાલી રહી છે.

ડોડા-કિશ્તવાર રોડ બંધ
આ દરમિયાન, આજે સવારે ડોડા જિલ્લાના પ્રેમ નગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને કાટમાળને કારણે ડોડા-કિશ્તવાર રોડ બંધ થઈ ગયો છે. સતત ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તા પર ભારે કાટમાળ અને પથ્થરો પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોના મશીનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને શક્ય તેટલી વહેલી તકે માર્ગને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે રાહત અને સફાઈ કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે હવામાન સામાન્ય ન થાય અને માર્ગ સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળે અને મુસાફરી કરતા પહેલા નવીનતમ માર્ગ અને હવામાન માહિતી મેળવે. સતત વરસાદને કારણે, પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ છે, તેથી સ્થાનિકો અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે.

ગુજરાતમાં 10 વખત ધારાસભ્ય બનનારા દિગ્ગજ નેતાનું નિધન

0

ગુજરાતમાં 10 વખત ધારાસભ્ય બનનારા દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે ગઈકાલે નિધન થયું હતું. તેઓ સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોહનસિંહ રાઠવાએ મોટો રાજકીય નિર્ણય લીધો હતો. તે કોંગ્રેસનો સાથ છોડીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ પક્ષ પલટા બાદ ભાજપ દ્વારા તેમના પરિવાર પર ભરોસો મૂકીને તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી હતી.

તેમના એક પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાએ પિતાના પગલે ચાલીને તેઓ ચૂંટણી લડ્યા અને હાલમાં છોટા ઉદેપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે કાર્યરત છે. જ્યારે અન્ય પુત્ર રણજીત રાઠવાના પણ સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે અને તેઓ હાલ બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના જાણીતા આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય હતા. તેમના નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેઓ પાવી જેતપુરના ઉમરવા ગામના વતની હતા. તેઓ સતત 55 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા અને 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગુજરાતના વનમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

મોહનસિંહ રાઠવાએ આખી જિંદગી આદિવાસી સમાજના હક્કો, શિક્ષણ અને પ્રગતિ માટે કામ કર્યું. તેઓ લાખો લોકો માટે પ્રેરણા સમાન હતા.ગઈકાલે સાંજે પાવીજેતપુર ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી અને ત્યાં જ તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મોહનસિંહ રાઠવા નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાના અવસાનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા તથા યોગદાન હંમેશાં યાદ રહેશે.

Ayodhya: મંદિરના ચઢાવાની ચોરીના પૈસાથી કરોડોની ડીલ! પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

0

અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરીના આરોપી અનુકલ્પ મિશ્ર મંદિરના દાનપાત્રમાંથી ચોરી કરાયેલા પૈસાથી પોતાના ગામ પાસે 20 બીઘા જમીન ખરીદવાની તૈયારી કરી રહ્યો હતો. આ જમીનનો સોદો અંદાજે 2 કરોડ રૂપિયામાં નક્કી થયો હતો, પરંતુ તે દરમિયાન જ ચઢાવાની ચોરીના કેસમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

માત્ર એટલું જ નહીં, અનુકલ્પ એક સ્કોર્પિયો કાર ખરીદવાની પણ તૈયારીમાં હતો અને તેણે શોરૂમ સંચાલકને જલ્દી બુકિંગ કરવા માટે કહ્યું હતું. બે મહિના પહેલાં જ તેણે સ્વિફ્ટ ડિઝાયર કાર ખરીદી હતી. અનુકલ્પના પિતા રવિન્દ્ર મિશ્રની પૂછપરછ દરમિયાન પોલીસને આ તમામ માહિતી મળી હતી. અંબેડકરનગરમાં તેની કેટલીક અચળ મિલકતો વિશે પણ માહિતી મળી છે.

મિલ્કીપુરના બસાવાં ગામનો મૂળ રહેવાસી અનુકલ્પ મિશ્ર છેલ્લા અંદાજે દોઢ વર્ષથી શહેરના કૌશલપુરી વિસ્તારમાં રહેતો હતો, પરંતુ ગામમાં તેનો સતત આવનજાવન રહેતો હતો. જ્યારે તેના ગામની નજીક 84 કોસી પરિક્રમા માર્ગનું નિર્માણ શરૂ થયું ત્યારે તેણે હાઈવે કિનારે જમીનમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને જમીન ખરીદવા માટે લોકોનો સંપર્ક શરૂ કર્યો.

એપ્રિલ મહિનામાં જ્યારે તેણે ગામમાં ભાગવત કથાનું આયોજન કર્યું હતું ત્યારે અનેક પ્રોપર્ટી ડીલરો તેની પાસે જમીન વેચવા માટે આવ્યા હતા. અનુકલ્પ એક જ સ્થળે 20 બીઘા જમીન ખરીદવા માગતો હોવાથી સોદામાં સમય લાગી રહ્યો હતો.

તેણે એક પ્રોપર્ટી ડીલરને કહ્યું હતું કે પૈસા જેટલા પણ લાગે, પરંતુ જમીન પરિક્રમા માર્ગની બાજુમાં જ હોવી જોઈએ. તે દરમિયાન જૂન મહિનામાં ચઢાવાની ચોરીનો મામલો બહાર આવ્યો અને તે પહેલાં ટ્રસ્ટની આંતરિક તપાસ તેમજ SITની તપાસ દરમિયાન તેની પૂછપરછ શરૂ થઈ ગઈ હતી. બાદમાં FIR નોંધાયા પછી તેને જેલમાં મોકલી દેવાયો હતો. અનુકલ્પની જેમ અન્ય આરોપીઓએ પણ ચઢાવાની ચોરી કરીને મિલકતો અને વાહનો ખરીદ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ભારે વરસાદને પગલે માનખુર્દની ત્રણ માળની ચાલની રૂમો ધરાશાયી, 6નાં મોત

0

મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માનખુર્દના મંડાલા વિસ્તારની જનતાનગર પાંચમી ગલીમાં રવિવારે રાત્રે આશરે 8:30 વાગ્યે એક ત્રણ માળની ચાલનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ચાલના બીજા અને ત્રીજા માળના કેટલાક રૂમ તૂટી પડતા કાટમાળ નીચે અનેક લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા અને પાંચ બાળકો સહિત કુલ 6 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને NDRFની સંયુક્ત ટીમોએ કલાકો સુધી કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહ્યું હતું.

આજે પણ સાવચેત રહેજો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કોલાબામાં 48.8 મીમી અને સાંતાક્રુઝમાં 66.4 મીમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદ સાથે જ જુલાઈ મહિનાના સરેરાશ વરસાદના લગભગ 85 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હવામાન વિભાગે આજે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને દિવસભર ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈ, પાલઘર અને થાણે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાયગડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

ટેલિગ્રામ પર સરકારની મોટી કાર્યવાહી! પાયરેટેડ ફિલ્મો-વેબ સિરીઝ પર તાત્કાલિક પ્રતિબંધ

0

દેશમાં વધતી ડિજિટલ પાયરસી સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B Ministry)એ Telegramને નોટિસ ફટકારીને તેના પ્લેટફોર્મ પરથી પાયરેટેડ ફિલ્મો, વેબ સિરીઝ અને OTT કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટે આદેશ આપ્યો છે. સાથે જ આગામી 15 દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પણ સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

સરકારના આ પગલાને ફિલ્મ ઉદ્યોગ અને OTT પ્લેટફોર્મ માટે મહત્ત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થયાના કલાકોમાં જ ટેલિગ્રામ સહિત વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ગેરકાયદેસર રીતે શેર થવા લાગી છે, જેના કારણે નિર્માતાઓ અને કન્ટેન્ટ સર્જકોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે.

OTT પ્લેટફોર્મની ફરિયાદો બાદ સરકાર હરકતમાં
મંત્રાલયને અનેક OTT પ્લેટફોર્મ અને કન્ટેન્ટ માલિકો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે ટેલિગ્રામ પર તેમની મંજૂરી વગર ફિલ્મો અને વેબ સિરીઝ શેર કરવામાં આવી રહી છે. આ ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સરકારે આશરે 3,142 ટેલિગ્રામ ચેનલોની ઓળખ કરી છે, જ્યાં કથિત રીતે પાયરેટેડ ફિલ્મો અને OTT કન્ટેન્ટનું વિતરણ કરવામાં આવતું હતું. આ જ કારણસર ટેલિગ્રામને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે.

IT Act હેઠળ નોટિસ તમામ ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવાનો આદેશ
સરકારે આ કાર્યવાહી Information Technology Act, 2000 હેઠળ કરી છે. નોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ તમામ ગેરકાયદેસર કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ અટકાવવા માટે વધુ કડક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. આ ઉપરાંત 2021ના IT Rules મુજબ, કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મને સરકાર અથવા કોર્ટના આદેશ બાદ ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવું ફરજિયાત છે.

ફિલ્મ અને ડિજિટલ ઇન્ડસ્ટ્રીને મોટું આર્થિક નુકસાન
પાયરેટેડ કન્ટેન્ટના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને OTT પ્લેટફોર્મને દર વર્ષે મોટું આર્થિક નુકસાન થાય છે. ફિલ્મ અથવા વેબ સિરીઝ રિલીઝ થતાં જ તેની ગેરકાયદેસર નકલો સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર વાયરલ થઈ જાય છે. પરિણામે સિનેમા, OTT સબ્સ્ક્રિપ્શન અને અધિકૃત સ્ટ્રીમિંગમાંથી થતી આવક પર સીધી અસર પડે છે. સરકારનું માનવું છે કે પાયરસી પર નિયંત્રણ લાવવાથી કન્ટેન્ટ સર્જકો, ફિલ્મ નિર્માતાઓ અને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગને યોગ્ય ન્યાય મળશે.

યુઝરનેમ ફીચર પર પણ સરકારની નજર
પાયરસી ઉપરાંત સરકાર હવે મેસેજિંગ એપ્સના યુઝરનેમ ફીચરની પણ તપાસ કરી રહી છે. Ministry of Electronics and Information Technologyએ Telegram અને Signalને નોટિસ મોકલીને યુઝરનેમ સિસ્ટમ અંગે માહિતી માંગી છે.

સરકારને આશંકા છે કે યુઝરનેમ ફીચરનો ઉપયોગ ઓળખ ચોરી, ફેક એકાઉન્ટ બનાવવા અને ઓનલાઈન છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. અગાઉ WhatsAppના સમાન ફીચરને લઈને પણ આવી જ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

કંપનીઓ પાસેથી માંગ્યો સુરક્ષા વ્યવસ્થાનો જવાબ
સરકારે મેસેજિંગ એપ્સને પૂછ્યું છે કે તેઓ યુઝરનેમ સિસ્ટમમાં કયા પ્રકારના સુરક્ષા ઉપાયો અપનાવે છે અને દુરુપયોગ રોકવા માટે કયા મિકેનિઝમ કાર્યરત છે. આગામી દિવસોમાં સરકાર તરફથી ઓનલાઈન પાયરસી અને ડિજિટલ સુરક્ષાને લઈને વધુ કડક નિયમો જાહેર થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરકારનો સ્પષ્ટ સંદેશ
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ડિજિટલ પાયરસી સામે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. ગેરકાયદેસર રીતે ફિલ્મો, વેબ સિરીઝ અને OTT કન્ટેન્ટ શેર કરનારા પ્લેટફોર્મ તેમજ સંબંધિત ચેનલો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી કન્ટેન્ટ સર્જકોના હકોનું રક્ષણ થઈ શકે.

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર: વેરાવળથી હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન દોડશે

0

વેરાવળ: ગુજરાતથી દેવભૂમિ ઉત્તરાખંડની મુસાફરી કરનાર રેલવેના મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. હવે ગુજરાતથી હરિદ્વારની યાત્રા કરવા માટે રેલ સેવાનો લાભ મળી રહેવાનો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વેરાવળથી હરિદ્વાર માટેની સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જુલાઈ 2026માં વેરાવળ અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09203 વેરાવળ-હરિદ્વાર જુલાઈ મહિનાની 7, 14 મ 21 અને 28 તારીખે દર મંગળવારે સાંજે 16:05 કલાકે વેરાવળથી ઉપડશે. તેવી જ રીતે, વળતી મુસાફરી માટે ટ્રેન નંબર 09204 હરિદ્વાર-વેરાવળ જુલાઈ મહિનાની 8, 15, 22 અને 29 તારીખે (દર બુધવારે) રાત્રે 21:30 કલાકે હરિદ્વારથી ઉપડશે.

આ વિશેષ ટ્રેનમાં મુસાફરો માટે સેકન્ડ કમ થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, ગાંધીગ્રામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, અજમેર, રેવાડી, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ અને રૂરકી સહિતના અન્ય મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન નંબર 09203 વેરાવળ-હરિદ્વાર માટેનું એડવાન્સ બુકિંગ આજથી રોજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત હવે અમદાવાદથી દેવભૂમિ ઉત્તરાખંડમાં જનારા મુસાફરોને વધુ એક સેવાનો લાભ મળી રહેશે અને તે પણ હવે આધુનિક અને અપગ્રેડ કરેલા ‘અમૃત ભારત’ ટ્રેન સેવાનો લાભ મળી રહેશે. કારણ કે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ભારે માંગને ધ્યાનમાં રાખીને સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેન હવે આધુનિક અને અપગ્રેડ કરેલા ‘અમૃત ભારત’ રેક (Amrit Bharat Rake) સાથે દોડશે, જેમાં સ્લીપર ક્લાસ (Sleeper Class) અને જનરલ ક્લાસ (General Class) કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલના ફેરા 27 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જે 6 જુલાઈથી 27 જુલાઈ 2026 દરમિયાન અમૃત ભારત રેક સાથે ચાલશે. જ્યારે પરત ફરતા સમયે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલના ફેરા 28 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યા છે, જે 7 જુલાઈથી 28 જુલાઈ 2026 સુધી અમૃત ભારત રેક સાથે સેવા આપશે.

સતત છઠ્ઠા દિવસે ‘Welcome To The Jungle’નો દબદબો, 10 ફિલ્મોને છોડી પાછળ

અક્ષય કુમારની ફિલ્મ “વેલકમ ટુ ધ જંગલ” ને આજે હજુ એક દિવસ બાકી છે. ફિલ્મ સારી કમાણી કરી શકે છે, કારણ કે સપ્તાહના દિવસોમાં ઓછા લોકો થિયેટરોમાં જાય છે, તેથી કોઈને ખબર નથી કે કમાણી કેટલી વધશે. મંગળવારે ફિલ્મની કમાણીમાં વધારો થયો હતો, જ્યારે બુધવારે છઠ્ઠા દિવસે કમાણીમાં 35.1 ટકાનો ઘટાડો થયો હતો. અક્ષય કુમારની ફિલ્મે છઠ્ઠા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 6 કરોડ (આશરે 1.6 બિલિયન ડોલર)ની કમાણી કરી હતી.

જે અગાઉના દિવસે રૂ. 9.25 કરોડ (આશરે 1.9 બિલિયન ડોલર) હતી. કુલ શોની સંખ્યા 9,851 હતી, જેમાં 15% ઓક્યુપન્સી હતી. આ સાથે, અક્ષય કુમારની “વેલકમ ટુ ધ જંગલ” એ ભારતમાંથી રૂ. 87.50 કરોડ (આશરે 1.8 બિલિયન ડોલર)ની કમાણી કરી છે. એવી અપેક્ષા છે કે આગામી સપ્તાહના અંતે, ફિલ્મ ફક્ત ભારતમાંથી રૂ.100 કરોડ (આશરે 1.0 બિલિયન ડોલર)ની કમાણી કરશે.

હવે, SACNILCનો એક રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ, “વેલકમ ટુ ધ જંગલ” નું કુલ કલેક્શન રૂ. 104.25 કરોડ (આશરે 1.04 બિલિયન ડોલર) સુધી પહોંચી ગયું છે. ફિલ્મની ચોખ્ખી કમાણી રૂ. 87.50 કરોડ છે. ફિલ્મે ગઈકાલે વિદેશમાં રૂ.2 કરોડની કમાણી કરી હતી, જે તેની કુલ વિદેશમાં કમાણી લગભગ રૂ. 24.95 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે સતત લોકપ્રિયતા દર્શાવે છે. તેણે વિશ્વભરમાં રૂ. 129.20 કરોડની કમાણી કરી છે.

અક્ષયની ફિલ્મે તેનું બજેટ પાછું મેળવ્યું
અક્ષય કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ “વેલકમ ટુ ધ જંગલ” નું કુલ બજેટ લગભગ રૂ. 125 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વવ્યાપી કલેક્શન રૂ. 129 કરોડ સુધી પહોંચી ગયું છે, એટલે કે ફિલ્મે માત્ર છ દિવસમાં તેનું બજેટ પાછું મેળવ્યું છે. હવે, ફિલ્મ હિટ કેટેગરીમાં પ્રવેશી છે; તે કેટલી વધુ કમાણી કરી શકે છે તે જોવાનું બાકી છે. હકીકતમાં, તેનું અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન છઠ્ઠા દિવસે હતું, જે ફક્ત રૂ.6 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની શરૂઆત રૂ. 3.75 કરોડ સાથે થઈ હતી, જે પેઇડ પ્રીવ્યૂમાંથી છે. ત્યારબાદ, તેણે પહેલા દિવસે રૂ. 15.25 કરોડ, બીજા દિવસે રૂ. 20 કરોડ, ત્રીજા દિવસે રૂ. 24.75 કરોડ અને ચોથા દિવસે રૂ.8.50 કરોડનો વ્યવસાય કર્યો. પાંચમા દિવસનું કલેક્શન રૂ.9.25 કરોડ હતું.

આ 10 ફિલ્મોને પાછળ છોડી દીધી
‘વેલકમ ટુ ધ જંગલ’ એ છઠ્ઠા દિવસે રૂ.6 કરોડનો વ્યવસાય કર્યો. આજે, અમે એવી ફિલ્મોના નામ પણ જાહેર કરીશું જેણે તેમના પહેલા બુધવારે તેનાથી પણ ઓછી કમાણી કરી. આ યાદીમાં આલિયા ભટ્ટની ‘રાઝી’, અજય દેવગણની ‘દે દે પ્યાર દે’, રણવીર સિંહની ’83’, રણબીર કપૂરની ‘તુ ઝૂઠી મેં મક્કર’, ઋત્વિક રોશનની ‘વોર 2’, સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ અને શાહરૂખ ખાનની ‘ઝીરો’નો સમાવેશ થાય છે. વધુમાં, ‘મુજ્યા’, સની દેઓલની ‘જાટ’ અને ‘પુષ્પા’ એ પણ આ હિન્દી ફિલ્મ કરતા ઓછી કમાણી કરી. આ બધી ફિલ્મો અક્ષયની ‘વેલકમ 3’ કરતાં પાછળ છે.

પાકિસ્તાનના 23 નાગરિકોને UAPA હેઠળ આતંકવાદી જાહેર, ગૃહ મંત્રાલયનું મોટું એક્શન

0

ભારત સરકારે પાકિસ્તાન સામે વધુ એક કડક કાર્યવાહી કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં રહેતા 23 નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. સરકારના નોટિફિકેશન મુજબ, આ તમામ વ્યક્તિઓ જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) તેમજ અન્ય આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ તમામ લોકો પર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે યુવાનોની ભરતી કરવી, આતંકીઓની ઘૂસણખોરી કરાવવી, તાલીમ આપવી, ડ્રોન મારફતે હથિયારો પહોંચાડવા તેમજ આતંકવાદી હુમલાના કાવતરાં ઘડવાના ગંભીર આરોપો છે. જાહેર કરાયેલા 23 આતંકવાદીઓમાંથી ત્રણ લોકો લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સાથી હોવાનું જણાવાયું છે. ઉપરાંત ત્રણ લોકો વર્ષ 2016માં નાગરોટા સ્થિત સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા અને બે લોકો વર્ષ 2018માં સુન્જવાન મિલિટરી સ્ટેશન પર થયેલા હુમલામાં સંડોવાયેલા હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનમાં અબ્દુલ રઊફ, હાફિઝ ખાલિદ વલીદ અને રાણા ઇફ્તિખારને હાફિઝ સઈદના નજીકના સહયોગી તરીકે ઓળખાવ્યા છે.

નોટિફિકેશન મુજબ 54 વર્ષીય રાણા ઇફ્તિખાર વિવિધ જેહાદી સંગઠનો વચ્ચે સંકલન સ્થાપિત કરે છે, યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરે છે અને હાફિઝ સઈદનો વિશ્વાસુ સાથી માનવામાં આવે છે.

52 વર્ષીય અબ્દુલ રઊફ લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવા સાથે સંકળાયેલો છે. તે આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને ફંડ એકત્ર કરવાની કામગીરીમાં સક્રિય રહ્યો હોવાનું જણાવાયું છે. તે હાફિઝ સઈદના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્ય આતંકવાદીઓમાંનો એક હોવાનું પણ નોટિફિકેશનમાં ઉલ્લેખ છે.

તે જ રીતે 51 વર્ષીય હાફિઝ ખાલિદ વલીદ હાફિઝ સઈદની સુરક્ષા સાથે જોડાયેલો છે અને અનેક આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે સક્રિય રહ્યો છે. અનેક આતંકી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ પણ તેને ગણાવવામાં આવ્યો છે.

NIAને મળશે વધુ સત્તા
આ 23 લોકોના નામ આતંકવાદીઓની સત્તાવાર યાદીમાં ઉમેરાયા બાદ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને તેમની સંપત્તિ જપ્ત કરવા, તેમના નાણાકીય સ્ત્રોતો પર પ્રતિબંધ મૂકવા તેમજ હથિયારોના નેટવર્કને ખતમ કરવા માટે વધુ કાનૂની સત્તા મળશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં UAPAમાં કરાયેલા સુધારા બાદ વ્યક્તિગત આતંકવાદીઓને પણ આતંકવાદી જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તે પહેલાં માત્ર આતંકવાદી સંગઠનોને જ પ્રતિબંધિત જાહેર કરી શકાયતા હતા.

આતંકવાદીઓની સંખ્યા હવે 80 થઈ
શનિવારે જાહેર કરાયેલા આદેશ બાદ પાકિસ્તાનમાં રહેતા વધુ 23 આતંકવાદીઓના નામ યાદીમાં ઉમેરાયા છે. તેમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો પર થયેલા અનેક આતંકી હુમલાઓમાં સંડોવાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. આ સાથે ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા હવે 80 થઈ ગઈ છે.

જૈશ-એ-મોહમ્મદના આ આતંકવાદીઓનો સમાવેશ
કેન્દ્ર સરકારે મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક ઉર્ફે ડોક્ટર, મુફ્તી મોહમ્મદ અસગર ખાન ઉર્ફે અબૂ સાદ, હાફિઝ અબ્દુલ શકૂર ઉર્ફે કારી જર્રાર, અબ્દુલ્લા જેહાદી, ગુલામ ફરીદ, મૌલાના ઇમદાદ ઉલ્લાહ મક્કી અને વસીમ નૂર જટને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યા છે.

લશ્કર-એ-તૈયબાના આ આતંકવાદીઓ પણ જાહેર
લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ફિરદૌસ અહમદ ભટ, હારૂન રશીદ ગનાઈ, બિલાલ અહમદ મીર, આબિદ કય્યૂમ લોન, નઝીર અહમદ ગુજ્જર, અબ્દુલ રઊફ ઉર્ફે હાફિઝ અબ્દુલ રઊફ, અશફાક અહમદ, હાફિઝ ખાલિદ વલીદ, મૌલાના સૈફુલ્લા ખાલિદ, મોહમ્મદ યાકૂબ, મૌલાના યુસુફ તૈબી, ઓવૈસ ફારૂક, કારી યાકૂબ શેખ, રાણા ઇફ્તિખાર તેમજ મોહમ્મદ શાહિદ ફૈસલ (જે અલ-કાયદા અને ISIS સાથે પણ સંકળાયેલો હોવાનું જણાવાયું છે)ને પણ આતંકવાદીઓની સત્તાવાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.