Home Blog Page 27

વાંગચુકના અનશન પાછળની ઇનસાઇડ સ્ટોરી, અમિત શાહથી લઈને નડ્ડા સુધીની ભૂમિકા

0

નીટ પેપર લીક મુદ્દે દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન વચ્ચે 26 દિવસથી અનિશ્ચિત ઉપવાસ પર રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આખરે કેન્દ્ર સરકારના લેખિત આશ્વાસન બાદ પોતાનું અનશન સમાપ્ત કર્યું. લાંબા સમયથી ચાલતી વાટાઘાટો, ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક અને કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા તથા ડૉ. જીતેન્દ્ર સિંહની સીધી મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સરકારી સૂત્રો મુજબ, વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને પીએમઓમાં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે લાંબી ચર્ચા કરી હતી. ત્યારબાદ ડૉ. જીતેન્દ્ર સિંહે વાંગચુકની પત્ની ગીતાંજલી આંગમો સાથે ફોન પર વાત કરી અને સરકાર તેમની માંગણીઓ પર સકારાત્મક રીતે વિચાર કરી રહી હોવાનું વિશ્વાસ અપાવ્યો.

મોડી રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહે વાંગચુકને લેખિત આશ્વાસનપત્ર આપ્યું. તેમાં પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ હતો. પ્રથમ, જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરનાર વિદ્યાર્થીઓ અને 20 જુલાઈના સંસદ માર્ચમાં જોડાયેલા લોકો સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની સકારાત્મક ખાતરી. બીજું, પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને પેપર લીક રોકવા માટે કડક કાયદો તથા નવા વિધેયકને સંસદમાં રજૂ કરવાની તૈયારી. ત્રીજું, શિક્ષણ સુધારાઓ પર સંસદમાં ચર્ચા. ચોથું, નીટ પેપર લીકથી અસરગ્રસ્ત અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર અંગે સકારાત્મક વિચારણા. તેમજ પાંચમું, સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં.

આ આશ્વાસનો મળ્યા બાદ સોનમ વાંગચુકે 26 દિવસનું અનશન સમાપ્ત કરતાં કહ્યું કે આ માત્ર “અનશનનો અંત નહીં, પરંતુ જવાબદારીની શરૂઆત” છે. તેમણે જણાવ્યું કે દેશના હિતમાં અને સંભવિત હિંસા ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે. તેમણે લદ્દાખ પરત જતાં પહેલાં વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલા યુવાનો સાથે મુલાકાત કરવાની પણ જાહેરાત કરી.

અનશન સમાપ્ત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાંગચુકના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી અને ડૉક્ટરોની સલાહનું પાલન કરવાની અપીલ કરી. બીજી તરફ, સરકારે પરીક્ષા પેપર લીક સામે વધુ કડક કાયદો અને ફાસ્ટ-ટ્રેક ન્યાયિક પ્રક્રિયા લાવવાની દિશામાં આગળ વધવાનું પણ સંકેત આપ્યું છે.

તાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડોલવણમાં સૌથી વધુ 291 મીમી વરસાદ

તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર એન્ટ્રી કરી હતી. ગુરુવારે સવારે 6:00 વાગ્યાથી શુક્રવારે સવારે 6:00 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ 136.13 મીમી વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સત્તાવાર આંકડાઓમાં જણાવાયું છે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ 291 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વ્યારામાં 194 મીમી, ઉકાઈમાં 181 મીમી, સોનગઢમાં 139 મીમી, વાલોડમાં 125 મીમી અને ઉચ્છલમાં 87 મીમી વરસાદ પડ્યો હતો.

બીજી તરફ કુકરમુંડામાં 37 મીમી અને નિઝર તાલુકામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો.

સતત વરસી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવા, પૂરપ્રવણ વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરી છે.

સુરતમાં ભારે વરસાદ વચ્ચે પાલિકાનું મેગા રેસ્ક્યુ ઓપરેશન, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સુરત મહાનગરપાલિકાએ બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ સહિતની ટીમો 24 કલાક સતત કામગીરી કરી રહી છે.

પાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ લિંબાયત ઝોનના ગીતાનગરમાંથી 8, વરાછા ઝોનમાં શીતળામાતા મંદિર નજીકથી 2 તેમજ ઉધના ઝોનના પાંડેસરા સ્થિત કૃષ્ણાનગર વિસ્તારમાંથી 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રેસ્ક્યુ ટીમો બોટ સહિતના જરૂરી સાધનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જરૂરિયાતમંદ લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ચાલુ રાખી છે.

પાલિકા કમિશનર એમ. નાગરાજને જણાવ્યું કે, હાલ શહેરની સ્થિતિ નિયંત્રણમાં છે. જ્યાં પાણી ભરાયા છે ત્યાં ઝડપી ધોરણે પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે. સાથે જ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

હાઈ ટાઈડની સ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશનરે શહેરીજનોને અનિવાર્ય કારણ સિવાય ઘરેથી બહાર ન નીકળવાની અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ: નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૯૫ લોકોનું સુરક્ષિત સ્થળાંતર

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે અંબિકા નદી, ઓલણ નદી અને કોરવ ખાડીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ તરકાણી ગામનું તળાવ ઓવરફ્લો થતાં આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. અંબિકા તાલુકાના ઉમરા, કાંકરીયા, ભોરિયા, વાંક, હળદવા, મહુવરીયા અને તરકાણી સહિત 7 ગામોમાંથી કુલ 295 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમરા મુખ્ય પ્રાથમિક શાળા અને તરકાણી મુખ્ય પ્રાથમિક શાળામાં આશ્રય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક પરિવારોને તેમના સગા-સંબંધીઓના ઘરે તેમજ નજીકના સુરક્ષિત મકાનોમાં પણ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઉમરા ગામમાંથી 60, કાંકરીયામાંથી 54, ભોરિયામાંથી 60, વાંકમાંથી 9, હળદવામાંથી 63, મહુવરીયામાંથી 6 અને તરકાણી ગામમાંથી 43 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

23 જુલાઈની વહેલી સવારથી મામલતદાર કચેરી અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ તંત્ર દ્વારા નદી-ખાડીના જળસ્તર અને અસરગ્રસ્ત ગામોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં અને કેટલો વરસાદ પડ્યો? તાલુકાઓની સંપૂર્ણ યાદી

0

ગુજરાતમાં ગુરુવારની સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા મુજબ, સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11.14 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ સમયગાળા દરમિયાન રાજ્યના 50 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં 9.88 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 6.89 ઇંચ, વલસાડના પારડીમાં 6.61 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.46 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 5.43 ઇંચ અને મહેસાણાના બેચરાજીમાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય ભારે વરસાદવાળા વિસ્તારોમાં ડાંગ જિલ્લાના વઘઈ અને તાપી જિલ્લાના ઉકાઈમાં 4.92 ઇંચ, કપરાડામાં 4.84 ઇંચ, વ્યારામાં 4.57 ઇંચ, ધરમપુરમાં 4.53 ઇંચ, વાંસદામાં 4.45 ઇંચ અને નર્મદા જિલ્લાના ચિકદામાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ જિલ્લામાં પણ સવાર બાદ વરસાદનું જોર વધ્યું હતું. અમદાવાદ શહેરમાં સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન 2.60 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વિરમગામમાં 3.23 ઇંચ, ડેટ્રોજ-રામપુરામાં 2.20 ઇંચ, માંડલમાં 2.09 ઇંચ, ધોળકામાં 1.65 ઇંચ, ધંધુકામાં 1.46 ઇંચ, દસ્ક્રોઈમાં 0.98 ઇંચ, બાવળામાં 0.91 ઇંચ, સાનંદમાં 0.67 ઇંચ અને ધોળેરામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના અન્ય મોટા શહેરોમાં સુરત શહેરમાં 1.93 ઇંચ, ભરૂચમાં 3.39 ઇંચ, વાપીમાં 3.78 ઇંચ, વલસાડ શહેરમાં 3.39 ઇંચ અને નવસારીમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હાલમાં સૌથી વધુ વરસાદનો પ્રભાવ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પર અસર થવાની સ્થિતિ ઉભી થઈ છે. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ચારધામ યાત્રા બની વધુ સરળ, 900 મીટરની ટનલ તૈયાર; અઢી વર્ષના વિલંબ બાદ પ્રોજેક્ટ પૂર્ણ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ અને કેદારનાથ નેશનલ હાઇવેને જોડતી 900 મીટર લાંબી સુરંગનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. આ સુરંગ શરૂ થયા બાદ યાત્રાળુઓને લાંબા ટ્રાફિક જામ અને મુશ્કેલ પહાડી રસ્તાઓથી મોટી રાહત મળશે.

ચારધામ યાત્રા દેશની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાં સામેલ છે, જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચે છે. જોકે, પહાડી વિસ્તારોમાં સાંકડા રસ્તા, ભૂસ્ખલન અને ટ્રાફિકની સમસ્યાને કારણે યાત્રા ઘણી વખત પડકારજનક બની રહે છે.

નવી તૈયાર થયેલી સુરંગ ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઇવે અને કેદારનાથ નેશનલ હાઇવે વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉભી કરશે. આ પ્રોજેક્ટમાં અલકનંદા નદી પર 200 મીટર લાંબા બે લેનના પુલનું નિર્માણ પણ સામેલ છે, જેનું કામ અંતિમ તબક્કામાં છે.

હાલમાં રુદ્રપ્રયાગના બજાર વિસ્તારમાંથી પસાર થતો માર્ગ ભારે વાહન વ્યવહારને કારણે વારંવાર જામની સ્થિતિ સર્જે છે. નવી સુરંગ અને પુલ શરૂ થયા બાદ વાહનોને વૈકલ્પિક માર્ગ મળશે અને યાત્રાનો સમય પણ ઘટશે.જોકે આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં અંદાજે અઢી વર્ષ મોડો પૂર્ણ થયો છે. પહાડી વિસ્તારની જટિલ ભૌગોલિક સ્થિતિ, હવામાન અને બાંધકામ સંબંધિત પડકારોના કારણે કામમાં વિલંબ થયો હતો.

આ પ્રોજેક્ટ ચારધામ ઓલ વેધર રોડ કનેક્ટિવિટી યોજનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય યાત્રાળુઓને વધુ સુરક્ષિત, ઝડપી અને આરામદાયક મુસાફરીની સુવિધા આપવાનો છે.

દિલ્હી CJP પ્રદર્શનનો CCTV આવ્યો સામે, પોલીસ પર પથ્થર અને બોટલોથી હુમલાનો આરોપ

0

રાજધાની દિલ્હીમાં CJP વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હંગામા બાદ એક CCTV ફૂટેજ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થર અને કાચની બોટલો ફેંકતા જોવા મળી રહ્યા છે. દિલ્હી પોલીસે આ ફૂટેજની પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ CCTV ફૂટેજ 20 જુલાઈના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો છે. ફૂટેજમાં કેટલાક ઉપદ્રવી તત્વો રસ્તા પર પથ્થરમારો કરતા અને આસપાસની દુકાનો તથા પેટ્રોલ પંપને નિશાન બનાવતા દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો કાચની બોટલો તોડી તેનો ઉપયોગ હુમલા માટે કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

CJPના જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રદર્શનકારીઓના એક જૂથે સુરક્ષા દળો તરફ પથ્થર અને બોટલો ફેંકી હતી, જેના કારણે કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ અને RAFએ ભીડને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી.

દિલ્હી પોલીસે હવે CCTV અને અન્ય વીડિયો ફૂટેજના આધારે હંગામામાં સામેલ લોકોની ઓળખ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે પુરાવાના આધારે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

CJPનું આ પ્રદર્શન પરીક્ષા પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધનો ભાગ છે, જે દરમિયાન દિલ્હી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક વખત અથડામણની સ્થિતિ સર્જાઈ છે.

NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા CJP પ્રોટેસ્ટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી પેપર લીકની ઘટનાઓ સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પેપર લીક જેવા ગંભીર ગુનાઓની ઝડપથી સુનાવણી અને દોષિતોને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશના યુવાનોનું ભવિષ્ય અને તેમનું હિત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ફાસ્ટ-ટ્રેક કોર્ટ કોઈ નવી ન્યાયિક વ્યવસ્થા નથી, પરંતુ હાલની અદાલતોમાંથી પસંદ કરાયેલી એવી વિશેષ કોર્ટ છે, જેને ચોક્કસ પ્રકારના કેસોની પ્રાથમિકતા સાથે સુનાવણી કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. આવી કોર્ટોમાં નિમણૂક કરાયેલા ન્યાયાધીશો માત્ર નિર્ધારિત કેસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના કારણે સુનાવણીમાં અનાવશ્યક વિલંબ ઓછો થાય છે અને ચુકાદા ઝડપથી આવી શકે છે.

સામાન્ય અદાલતોમાં વિવિધ પ્રકારના નાગરિક અને ફોજદારી કેસોની મોટી સંખ્યામાં સુનાવણી થતી હોવાથી કેસો વર્ષો સુધી લંબાઈ શકે છે. જ્યારે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં મર્યાદિત અને ચોક્કસ કેસોની જ સુનાવણી થાય છે. અહીં સતત સુનાવણી, ઓછા મુલતવીકરણ અને પ્રાથમિકતા આધારે કાર્યવાહી થતી હોવાથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી બને છે.

તાજેતરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકના આરોપોને લઈને દેશભરમાં ચિંતા વ્યક્ત થઈ હતી. સરકારનું માનવું છે કે આવા કેસોમાં ઝડપથી તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં સુનાવણી અને કડક સજા થશે તો ભવિષ્યમાં પેપર લીક જેવા ગુનાઓ પર અસરકારક અંકુશ લાગી શકશે. સાથે જ લાખો મહેનતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ પણ પરીક્ષા પ્રણાલી પર વધુ મજબૂત બનશે.

₹52 લાખ રોકડા, ₹4 કરોડનું સોનું અને અનેક ફ્લેટ જપ્ત; તેલંગાણાનો કરોડપતિ એન્જિનિયર ઝડપાયો

0

તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ બુધવારે રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન (REDCO)ના ડિવિઝનલ ઈજનેર મુત્યમ વેંકટ રમણા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ (Disproportionate Assets) કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ACBની ટીમે તેમના નિવાસસ્થાન, કચેરી તેમજ સંબંધીઓ, સહયોગીઓ અને કથિત બેનામીદારો સાથે જોડાયેલા કુલ આઠ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.

તપાસ દરમિયાન અધિકારીઓને રમણાની જાણીતી આવકના સ્ત્રોત કરતાં ઘણી વધુ સંપત્તિના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે. આ આધારે પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન સેરિલિંગમપલ્લી અને કુકટપલ્લી વિસ્તારમાં ચાર રહેણાંક ફ્લેટ મળી આવ્યા, જેમની નોંધણી મુજબની કિંમત અંદાજે ₹1.23 કરોડ છે. ઉપરાંત કુકટપલ્લીના અંજનેયા નગરમાં આવેલી G+3 કોમર્શિયલ બિલ્ડિંગની કિંમત આશરે ₹1.82 કરોડ અને સેરિલિંગમપલ્લીના ગુટ્ટાલા બેગમપેટ વિસ્તારમાં આવેલી G+5 કોમર્શિયલ બિલ્ડિંગની નોંધાયેલ કિંમત લગભગ ₹2.90 કરોડ હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપીએ પોતાની પત્નીના નામે નોંધાયેલી ચાર કન્સ્ટ્રક્શન કંપનીઓ મારફતે રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. અંજનેયા નગર અને મૂસાપેટ વિસ્તારમાં દસ રહેણાંક એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાં અંદાજે ₹20 કરોડનું રોકાણ હોવાનું માનવામાં આવે છે.

આ ઉપરાંત ACBને ₹52.02 લાખની બેંક ડિપોઝિટ, અંદાજે ₹4 કરોડના 2.09 કિલોગ્રામ સોનાના દાગીના, લગભગ ₹45 લાખ કિંમતની ત્રણ કાર, ₹30 લાખના ઘરગથ્થુ સામાન અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ અંદાજે ₹2.5 લાખની કિંમતની 20 દારૂની બોટલો મળી આવી છે.

અત્યાર સુધી મળી આવેલી સંપત્તિની સત્તાવાર કિંમત લગભગ ₹27.65 કરોડ આંકવામાં આવી છે. જોકે રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે વર્તમાન બજારભાવ મુજબ તેની કુલ કિંમત ₹100થી ₹150 કરોડ વચ્ચે હોઈ શકે છે. ACB હાલમાં તમામ સંપત્તિ, રોકાણ અને સંભવિત બેનામી હોલ્ડિંગ્સની વિગતવાર ચકાસણી કરી રહી છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુત્યમ વેંકટ રમણા વર્ષ 2019માં લાંચ લેવાના ટ્રેપ કેસમાં પણ ઝડપાયા હતા. તે સમયે ₹25 હજારની લાંચ સ્વીકારતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ રોકડ તેમજ સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ આરોપીને વિશેષ અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસ હજુ ચાલુ છે.

ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 24 કલાકમાં 36 ઈંચથી જનજીવન ઠપ્પ, બોટથી રેસ્ક્યૂ; અમદાવાદ-સુરતમાં પણ ધોધમાર વરસાદ

0

ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન અંદાજે 36 ઈંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યા છે. અનેક લોકો ઘરોમાં ફસાઈ જતા તંત્ર દ્વારા બોટની મદદથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉમરગામ ઉપરાંત વાપી, પારડી અને આસપાસના વિસ્તારોમાં નદીઓ અને ખાડીઓમાં જળસ્તર ઝડપથી વધ્યું છે. અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જિલ્લા વહીવટીતંત્ર, NDRF અને સ્થાનિક બચાવ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

રાજ્યની રાજધાની અમદાવાદમાં પણ ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક પર ગંભીર અસર જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં વાહનો ધીમે ધીમે પસાર થતા લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા.

સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં આશરે 4 ઈંચ વરસાદ નોંધાતા શહેર ફરી જળબંબાકાર બન્યું. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે શહેરની બે ખાડીઓ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટોર્મ ડ્રેનેજ સિસ્ટમ પર પણ ભારે દબાણ સર્જાયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-ખાડીના કિનારેથી દૂર રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.