Home Blog Page 23

જાપાનમાં ભીષણ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરાઈ

દક્ષિણપશ્ચિમ જાપાનના કુમામોટો પ્રીફેક્ચરમાં મંગળવારે સ્થાનિક સમય મુજબ સાંજે 4:27 વાગ્યે આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રીફેક્ચરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાપાન ભૂકંપની તીવ્રતા સ્કેલ પર ભૂકંપની મહત્તમ તીવ્રતા 7 નોંધાઈ હતી.

દક્ષિણપશ્ચિમ જાપાનમાં એરિયાકે સમુદ્ર અને યાત્સુશિરો સમુદ્ર માટે એક મીટરની સુનામી ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેના અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ કુમામોટોના દરિયાકાંઠાના શહેર ઉકી નજીક હતું. ભૂકંપ માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. તેની છીછરી ઊંડાઈને કારણે, આંચકા ખૂબ જ તીવ્રતાથી અનુભવાયા હતા. નુકસાનની માહિતી હાલમાં અજ્ઞાત છે.

જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂકંપ પછી તરત જ, જાપાની અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી હતી, જેમાં 1 મીટર ઊંચા સુનામી મોજાની ચેતવણી આપવામાં આવી હતી. દક્ષિણ જાપાની પ્રીફેક્ચર કુમામોટો, નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇટા અને મિયાઝાકી માટે કટોકટીની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો અને નદીઓની નજીક રહેતા લોકોને તાત્કાલિક ઊંચી જમીન પર સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે. સેન્ડાઈ અને ગેનકાઈ પરમાણુ પાવર સ્ટેશન જેવા પ્રદેશના મુખ્ય પરમાણુ પાવર પ્લાન્ટ્સમાંથી કોઈ ખલેલ કે ખતરાના કોઈ અહેવાલ નથી.

હવે પેપર લીક કરવું પડશે ભારે , નવા બિલમાં શું છે એવી જોગવાઈ?

પેપર લીક, નકલ કૌભાંડ અને પરીક્ષા વ્યવસ્થામાં ગેરરીતિઓને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર પરીક્ષા (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) કાયદામાં મોટા ફેરફારોનું પ્રસ્તાવિત બિલ સંસદમાં રજૂ કર્યું છે. આ નવા સુધારા હેઠળ દોષિતો માટે જેલની સજા અને દંડની રકમમાં મોટો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ, 2026 રજૂ કરવામાં આવ્યું છે. આ બિલનો ઉદ્દેશ પેપર લીક કરનારા સંગઠિત જૂથો, નકલ માફિયા અને પરીક્ષા આયોજક એજન્સીઓની જવાબદારી નક્કી કરવાનો છે.

જૂના અને નવા કાયદા વચ્ચેનો સૌથી મોટો ફેરફાર સજા અને દંડની કડકાઈમાં જોવા મળી રહ્યો છે. વર્ષ 2024ના કાયદામાં વ્યક્તિગત રીતે નકલ અથવા ગેરરીતિ કરવા બદલ 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હતી. હવે 2026ના પ્રસ્તાવિત સુધારા બિલમાં આ સજાને વધારીને 5 થી 10 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ, પરીક્ષા આયોજક સંસ્થાઓની સંડોવણીના મામલામાં પણ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. જ્યાં 2024ના કાયદામાં ઓછામાં ઓછી 5 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ હતી, ત્યાં નવા બિલમાં ઓછામાં ઓછી 7 વર્ષની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની દરખાસ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત, પેપર લીક જેવા ગંભીર કેસોની ઝડપી તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) બનાવવાની જોગવાઈ પણ બિલમાં સામેલ કરવામાં આવી છે. તપાસ સમયસર પૂર્ણ થાય તે માટે બે મહિનાની સમયમર્યાદા નક્કી કરવાનો પ્રસ્તાવ છે.

બિલમાં પરીક્ષા સંબંધિત ગુનાઓના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની અને સરકાર દ્વારા વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવાની જોગવાઈ પણ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટના નિર્ણય સામેની અપીલ હાઇકોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચ સાંભળશે અને ત્રણ મહિનાની અંદર તેનો નિકાલ કરવાનો પ્રસ્તાવ છે.

સરકારનું માનવું છે કે આ કડક જોગવાઈઓથી પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ મળશે.

NEET પ્રદર્શનકારીઓ માટે ખુશખબર! જાણો સુપ્રીમ કોર્ટ એ શું આપ્યો મોટો નિર્ણય

0

NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં થયેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ રાહત આપતા હજારો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ જગાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી એવા પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહી ન કરવામાં આવે અને તેમની તાત્કાલિક મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવે. આ નિર્ણય બાદ વિદ્યાર્થી સંગઠનો અને પ્રદર્શનકારીઓમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.

મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર લોકશાહીની મૂળભૂત ભાવનાનો ભાગ હોવાનું પુનરોચ્ચાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે માત્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એટલા માટે પોલીસ દ્વારા અતિશય બળપ્રયોગ અથવા દંડાત્મક કાર્યવાહી યોગ્ય ગણાવી શકાય નહીં. સાથે જ, તાજેતરના વિદ્યાર્થી આંદોલન દરમિયાન અટકાયત કરાયેલા અથવા ધરપકડ કરાયેલા એવા વિદ્યાર્થીઓને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમની સામે અગાઉ કોઈ ગુનાહિત નોંધ નથી.

સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી FIRના કેસોમાં પણ હાલ માટે કોઈ કડક અથવા દબાણાત્મક કાર્યવાહી ન કરવા જણાવ્યું છે. આ દરમિયાન પોલીસની કાર્યવાહી અંગેના આક્ષેપોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર પણ કોર્ટે ભાર મૂક્યો છે. આ મામલે આગળની સુનાવણી દરમિયાન વધુ માર્ગદર્શિકા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી શકે છે.

સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ: ₹2.67 કરોડનું 206 તોલા સોનું ગાયબ

સુરતમાં ખાનગી સેફ વોલ્ટમાં રાખેલા દાગીના પણ હવે સુરક્ષિત નથી? સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી ચર્ચાસ્પદ નક્ષત્ર સેફ હાઉસ (સેફ વોલ્ટ)માં ગ્રાહકોના કરોડો રૂપિયાના દાગીના ગાયબ થવાના મામલે શહેરભરમાં ભારે ચકચાર મચી છે. સિંગણપોર બ્રાન્ચમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ વરાછા સહિત અન્ય શાખાઓમાં પણ પોતાના લોકરમાં રાખેલા દાગીના અને રોકડ સલામત છે કે નહીં તેની ખાતરી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચી ગયા હતા. અનેક સ્થળોએ લોકરો તપાસવા માટે લાંબી કતારો જોવા મળી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર, નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા, તેમજ લોકર તોડવામાં નિષ્ણાત ગણાતા મણીલાલ સામે ગંભીર ગુનો નોંધાયો છે. તપાસમાં પ્રાથમિક રીતે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ગ્રાહકોના લોકરો ગેરકાયદેસર રીતે ખોલીને સોનાના દાગીના ચોરી કરવાનો પૂર્વઆયોજિત કાવતરું રચાયું હતું.

સિંગણપોર બ્રાન્ચમાં દાગીના ગાયબ થવાની માહિતી બહાર આવતા વરાછા બ્રાન્ચ પર પણ મોટી સંખ્યામાં લોકરધારકો ઉમટી પડ્યા હતા. કેટલાક ગ્રાહકોને લોકર ખોલવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે સંચાલકો તરફથી સ્પષ્ટ જવાબ ન મળતાં હોબાળો સર્જાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

પોલીસ નોંધ મુજબ અત્યાર સુધી કુલ 206 તોલા સોનું, જેની અંદાજિત કિંમત ₹2.67 કરોડ જેટલી થાય છે, ચોરાયું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (63 તોલા), રાજેશભાઈ પિપળીયા (49 તોલા), રમેશભાઈ સવજીભાઈ વાઘાણી (3 તોલા), જીતેન્દ્રભાઈ બાબુભાઈ બલર (13 તોલા), ચિરાગભાઈ વલ્લભભાઈ ગોટી (62 તોલા) અને ઉત્સવ અમરશીભાઈ સવાણી (16 તોલા) સહિત અનેક ગ્રાહકોને નુકસાન થયાનો ઉલ્લેખ છે.

મુખ્ય ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ તેમણે વર્ષ 2020માં પત્નીના નામે લોકર ભાડે રાખ્યું હતું. 8 મે, 2026ના રોજ લોકરમાં તમામ દાગીના સુરક્ષિત હતા. પરંતુ 14 જુલાઈ, 2026ના રોજ ફરી લોકર ખોલતા અંદાજે 63 તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદી પરિવાર દ્વારા સીસીટીવી ફૂટેજ જોવા માંગવામાં આવતાં, આરોપી હર્ષ દિયોરાએ ધમકીભર્યું વર્તન કર્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં સીસીટીવી ડેટા ઉપલબ્ધ ન હોવાનું કહેવામાં આવ્યું હતું, જેના કારણે ફરિયાદીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 316(5) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મહેશ દિયોરા અને તેના બંને પુત્રોની ધરપકડ કરી છે, જ્યારે લોકર બ્રેકર મણીલાલની શોધખોળ ચાલુ છે.

પોલીસે તપાસના ભાગરૂપે ડીવીઆર, ડિજિટલ રેકોર્ડ અને અન્ય પુરાવા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વરાછા સહિત અન્ય શાખાઓમાં પણ આવી જ કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરતમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી આ પ્રકારની કરોડોની ચોરીનો આ પ્રથમ મોટો કેસ માનવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકરધારકોમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.

PM મોદીના Gen Z વીડિયોને લઈને Facebookમાં મચ્યો હંગામો, METAએ માફી કેમ માંગવી પડી?

0

નીટ પેપર લીક મુદ્દે સરકારના કડક વલણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો Gen Zને સંબોધતો વીડિયો અચાનક ભારતમાં ફેસબુક પર જોવા મળતો બંધ થઈ ગયો હતો. વીડિયોની જગ્યાએ “કાનૂની વિનંતિના કારણે આ કન્ટેન્ટ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ નથી” એવો સંદેશ દેખાતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, થોડા કલાકોમાં વીડિયો ફરી ઉપલબ્ધ થતાં સમગ્ર મામલાનો ખુલાસો થયો.

મળતી માહિતી મુજબ, આ વીડિયો ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ કોઈ સરકારી આદેશ અથવા ઇરાદાપૂર્વક બ્લોક કર્યો નહોતો. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર ટેક્નિકલ ગ્લિચનું પરિણામ હતું. ભૂલ સુધાર્યા બાદ વીડિયો ફરીથી સામાન્ય રીતે ઉપલબ્ધ કરાયો અને મેટાએ આ ઘટનાને લઈને ખેદ પણ વ્યક્ત કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયો ક્યારેય કાયમી રીતે દૂર કરવામાં આવ્યો નહોતો અને સમગ્ર સમય દરમિયાન પ્લેટફોર્મ પર સક્રિય રહ્યો હતો. કેટલીક ક્ષણો માટે થયેલી ટેક્નિકલ ખામીના કારણે કેટલાક વપરાશકર્તાઓને કાનૂની પ્રતિબંધનો સંદેશ દેખાયો હતો, જેના કારણે ગેરસમજ ઊભી થઈ.

સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને મેટા પાસેથી સમગ્ર ઘટનાની સ્પષ્ટતા માંગવામાં આવી શકે છે. શરૂઆતમાં નોટિસમાં કયા કાયદા અથવા કઈ સત્તાધિકારીની વિનંતિના આધારે પ્રતિબંધ મૂકાયો હતો તેની કોઈ માહિતી આપવામાં આવી નહોતી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા હતા.

ઉલ્લેખનીય છે કે જે વીડિયોને લઈને વિવાદ થયો હતો તેમાં વડાપ્રધાન મોદીએ નીટ પેપર લીક સહિત જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા વધુ કડક પગલાં લાવવાનો સંકેત આપ્યો હતો. હવે મેટાના સ્પષ્ટીકરણ બાદ સ્પષ્ટ થયું છે કે સમગ્ર વિવાદ પાછળ કોઈ કાનૂની કાર્યવાહી નહીં પરંતુ ટેક્નિકલ ખામી જવાબદાર હતી.

Video: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ‘પાર્ટી’નો વીડિયો વાયરલ… CJP નેતાઓ પર ઉઠ્યા મોટા સવાલો!

36 દિવસના આંદોલન, પોલીસ સાથેના ઘર્ષણ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ‘Cockroach Janta Party’ (CJP)ના નેતાઓની કથિત ઉજવણી હવે નવી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં CJPના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રંકા સહિત કેટલાક નેતાઓ દિલ્હીની એક હોટેલમાં સંગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. કેટલાક અહેવાલોમાં આ સ્થળને ફાઇવ-સ્ટાર હોટેલ ગણાવવામાં આવ્યું છે.

વીડિયો સામે આવ્યા બાદ ભાજપના રાજ્યસભા સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેટમલાણીએ CJPના નેતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે આંદોલન દરમિયાન કાર્યકરોના પ્રવાસ, ભોજન, રહેવા, સાધનો અને અન્ય વ્યવસ્થાઓ માટે નાણાં કોણે આપ્યાં?

CJPએ NEET-UG પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રની અનિયમિતતાઓને લઈને દિલ્હીના જંતર-મંતર ખાતે લાંબો વિરોધ કર્યો હતો. આંદોલનનું મુખ્ય માગણું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું, જે બાદ તેમણે પદ છોડ્યું. ત્યારબાદ CJPએ સરકાર સાથેની ચર્ચા બાદ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

હવે વાયરલ ‘રિઝાઇનેશન પાર્ટી’ના વીડિયોએ આંદોલનના નેતાઓની ઉજવણી અને તેના ખર્ચને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. જોકે, વીડિયોની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ અને પાર્ટીના ખર્ચ અંગેના સવાલો પર CJP તરફથી સ્પષ્ટ જવાબની રાહ જોવાઈ રહી છે.

₹150ની મજૂરીથી કોમનવેલ્થના સિલ્વર સુધી…ઋષિકાંતા સિંહની કહાની!

0

એક સમય હતો જ્યારે પરિવારનું પેટ ભરવા માટે ઋષિકાંતા સિંહને ઢાબામાં વાસણ ધોવા અને બાંધકામ સ્થળે મજૂરી કરવી પડતી હતી. આજે એ જ યુવાન કોમનવેલ્થ ગેમ્સના પોડિયમ પર ભારતનો તિરંગો ઊંચો કરી રહ્યો છે. મણિપુરના ઋષિકાંતા સિંહ ચાનંબમની આ કહાની માત્ર રમતગમતની સફળતા નથી, પરંતુ સંઘર્ષ, ગરીબી અને અડગ ઇચ્છાશક્તિ સામે જીતની પ્રેરણાદાયક ગાથા છે.

ગ્લાસગોમાં યોજાયેલા 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ઋષિકાંતા સિંહે પુરુષોની 60 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો . તેમણે કુલ 264 કિલોગ્રામ વજન ઉઠાવ્યું, જેમાં 121 કિલોગ્રામ સ્નેચ અને 143 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે. સ્નેચમાં 121 કિલોગ્રામ વજન ઉઠાવી તેમણે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પરંતુ આ સફળતા સુધી પહોંચવાનો રસ્તો સરળ નહોતો. બાળપણમાં પરિવારની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તે ઢાબામાં વાસણ ધોતો, પાણી ભરતો અને બાંધકામ સ્થળે મજૂરી કરતો હતો. પરિવારની મદદ કરવા તે દૈનિક મજૂરી કરતો હતો.

કહેવાય છે કે 12 વર્ષની ઉંમરે એક કોચની નજર તેના પર પડી અને તેને વેઇટલિફ્ટિંગ તરફ વાળવામાં આવ્યો. ત્યારથી શરૂ થયેલી મહેનત આજે આંતરરાષ્ટ્રીય પોડિયમ સુધી પહોંચી છે.
ઋષિકાંતા સિંહની કહાની સાબિત કરે છે કે પરિસ્થિતિઓ માણસને રોકી શકતી નથી—જો સપનાઓને સાકાર કરવાની હિંમત અને સતત મહેનત હોય.

ખાંસીની દવા વર્ષો સુધી લીધી… પણ સાચું કારણ તો ઘરમાં જ હતું!

તેમને ઘણા વર્ષોથી લાંબા સમય સુધી ચાલતી ખાંસી (Chronic Cough) ની તકલીફ હતી. વિવિધ ડોક્ટરો પાસે સારવાર લીધી હતી. દવા ચાલુ હોય ત્યાં સુધી રાહત રહેતી, પરંતુ દવા બંધ કરતાં ફરી ખાંસી શરૂ થઈ જતી.

તેમને એલર્જિક ખાંસી માનીને વારંવાર નીચેની દવાઓ આપવામાં આવતી હતી:

  • એન્ટી-એલર્જી દવાઓ
  • ઇન્હેલર અને નેબ્યુલાઇઝર
  • ⁠ક્યારેક એન્ટીબાયોટિક
  • ક્યારેક સ્ટેરોઇડ
  • ખાંસીની સિરપ વગેરે

આ રીતે થોડો સમય સારું રહેતું, પરંતુ સમસ્યા કાયમી રીતે દૂર થતી નહોતી.

ત્યારબાદ તેમણે ડૉ. તરેશ પટેલ (એલર્જી & ચેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ) નો સંપર્ક કર્યો.

ડૉક્ટરે ખૂબ વિગતવાર હિસ્ટ્રી લીધી અને Skin Prick Test (SPT) કર્યું. ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને Cat Dander (બિલાડીના વાળ/ચામડીના કણ) થી ખૂબ જ તીવ્ર એલર્જી હતી.

પછી પૂછવામાં આવ્યું કે ઘરમાં બિલાડીનો સંપર્ક છે કે નહીં. ત્યારે એક રસપ્રદ માહિતી સામે આવી — તેમના પતિને બિલાડીઓનો ખૂબ શોખ હતો અને ઘરમાં 6–7 બિલાડીઓ રાખેલી હતી.

મહત્વની વાત એ હતી કે મહિલાને લગ્નના 2–3 વર્ષ પછી ખાંસી શરૂ થઈ હતી અને બિલાડીઓના એલર્જનના સતત સંપર્કથી સમસ્યા ધીમે ધીમે વધતી ગઈ હતી.

ડૉક્ટરે સલાહ આપી:

✔️ બિલાડીઓથી શક્ય તેટલું દૂર રહેવું
✔️ બિલાડીઓને ઘરની બહાર રાખવી
✔️ બિલાડીઓને દૂર કર્યા પછી ઘરની ડીપ ક્લીનિંગ કરાવવી
✔️ દવાઓ ધીમે ધીમે ઘટાડવી

દંપતીએ ડૉક્ટરની સલાહનું સંપૂર્ણ પાલન કર્યું.

👉 થોડા મહિનાઓમાં ખાંસી નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ.
👉 દવાઓ ધીમે ધીમે બંધ કરવામાં આવી.
👉 બિલાડીના સંપર્કથી દૂર રહ્યાના 6–8 મહિના પછી તેઓ કોઈ પણ જાતની દવા વગર સંપૂર્ણપણે ખાંસી મુક્ત જીવન જીવવા લાગ્યા.

આ કેસમાંથી શું શીખવા મળે?

જો ખાંસી:

  • 8 અઠવાડિયા કરતાં વધુ સમય રહે,
  • દવા બંધ કરતાં ફરી શરૂ થઈ જાય,
  • વારંવાર ઇન્હેલર કે સ્ટેરોઇડની જરૂર પડે,

તો માત્ર દવા લેતા રહેવાને બદલે ખાંસીનું સાચું કારણ શોધવું ખૂબ જરૂરી છે.

ઘરમાં રહેલા પાળતુ પ્રાણી, ધૂળ, ફૂગ, AC, ગાદલા-તકિયા જેવા એલર્જન ઘણા દર્દીઓમાં લાંબા સમયની ખાંસીનું મુખ્ય કારણ બની શકે છે.

સાચું કારણ શોધો — યોગ્ય સારવાર મેળવો — અને અનાવશ્યક દવાઓથી બચો.

ડૉ. તરેશ પટેલ
એલર્જી અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ
ચેસ્ટ કેર હોસ્પિટલ , પાલ-અડાજણ, સુરત
📞 94288 60138

CJP પછી હવે E20 જનતા પાર્ટી ચર્ચામાં, સોશિયલ મીડિયા પર કેમ મચ્યો હંગામો?

CJP ની માંગ અને આંદોલન બાદ ફરી ઉઠયા સરકાર પર સવાલ, હવે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ (E-20) નીતિ સામે સોશિયલ મીડિયા પર ‘E-20 જનતા પાર્ટી’ નામના કેમ્પેઈન દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીના રાજીનામાની માંગ સાથે સંસદ માર્ચની જાહેરાત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અભિયાન સાથે હજારો લોકો જોડાયા છે. કેમ્પેઈનના એકાઉન્ટ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પણ તેની પહોંચ વધી રહી છે. અભિયાન તરફથી કરવામાં આવેલી પોસ્ટમાં નાગરિકોને ઇથેનોલ બ્લેન્ડિંગ અંગે પારદર્શક માહિતી મેળવવા અને સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

E-20 એટલે કે પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ભેળવવાની નીતિ અંગે દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી આયાતી પેટ્રોલિયમ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે અને ખેડૂતોને પણ લાભ થશે. જોકે, કેટલાક લોકો વાહનોની કામગીરી અને ઇંધણની ગુણવત્તાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ અભિયાન સાથે જોડાયેલા કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટમાં નિતિન ગડકરીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. સાથે જ 4 ઓગસ્ટે સંસદ માર્ચનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ટેક્સી યુનિયન સહિતના લોકો જોડાશે તેવી વાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિસેમ્બર 2021માં બનાવવામાં આવ્યું હતું. જુલાઈ મહિનામાં તેને વેરિફિકેશન મળ્યું છે. હાલમાં E-20 નીતિ અંગેની ચર્ચા સોશિયલ મીડિયા પર વધુ તેજ બની છે અને લોકો સરકારના નિર્ણય પર અલગ-અલગ મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

બિહારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન AK-47થી ફાયરિંગ કરતો પોલીસકર્મી સસ્પેન્ડ

0

બિહારના સિવાનમાં વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસકર્મી દ્વારા AK-47થી હવામાં ગોળીબાર કરવાનો વીડિયો સામે આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે. આ મામલે હવે તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શનિવારે સિવાનમાં NEET પેપર લીકના આરોપો અને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં રાજ્યવ્યાપી બંધ દરમિયાન પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

સિવાનના પોલીસ અધિક્ષક પુરણ કુમાર ઝાએ જણાવ્યું હતું કે વિરોધ દરમિયાન પોલીસ તરફથી લાંબા અંતરની હથિયારોથી ચાર રાઉન્ડ અને પિસ્તોલથી ત્રણ રાઉન્ડ સહિત કુલ આશરે 8થી 10 ગોળીઓ ચલાવવામાં આવી હતી. જોકે, બાકીની ગોળીઓ ક્યાંથી આવી તેની તપાસ ચાલી રહી છે.

આ હિંસક ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગ્યાની માહિતી સામે આવી છે, જ્યારે સિવાન એસપી સહિત અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બુલેટ કુમાર ગોંડ નામના વ્યક્તિને પગમાં ગોળી વાગી હતી.

હવે AK-47થી ફાયરિંગ કરતો પોલીસકર્મી સામે આવ્યા બાદ વિભાગે તેને સસ્પેન્ડ કર્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ ટીમ દ્વારા કાર્યવાહી આગળ કરવામાં આવી રહી છે.