Monday, Jul 27, 2026

₹150ની મજૂરીથી કોમનવેલ્થના સિલ્વર સુધી…ઋષિકાંતા સિંહની કહાની!

1 Min Read

એક સમય હતો જ્યારે પરિવારનું પેટ ભરવા માટે ઋષિકાંતા સિંહને ઢાબામાં વાસણ ધોવા અને બાંધકામ સ્થળે મજૂરી કરવી પડતી હતી. આજે એ જ યુવાન કોમનવેલ્થ ગેમ્સના પોડિયમ પર ભારતનો તિરંગો ઊંચો કરી રહ્યો છે. મણિપુરના ઋષિકાંતા સિંહ ચાનંબમની આ કહાની માત્ર રમતગમતની સફળતા નથી, પરંતુ સંઘર્ષ, ગરીબી અને અડગ ઇચ્છાશક્તિ સામે જીતની પ્રેરણાદાયક ગાથા છે.

ગ્લાસગોમાં યોજાયેલા 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ઋષિકાંતા સિંહે પુરુષોની 60 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો . તેમણે કુલ 264 કિલોગ્રામ વજન ઉઠાવ્યું, જેમાં 121 કિલોગ્રામ સ્નેચ અને 143 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે. સ્નેચમાં 121 કિલોગ્રામ વજન ઉઠાવી તેમણે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પરંતુ આ સફળતા સુધી પહોંચવાનો રસ્તો સરળ નહોતો. બાળપણમાં પરિવારની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તે ઢાબામાં વાસણ ધોતો, પાણી ભરતો અને બાંધકામ સ્થળે મજૂરી કરતો હતો. પરિવારની મદદ કરવા તે દૈનિક મજૂરી કરતો હતો.

કહેવાય છે કે 12 વર્ષની ઉંમરે એક કોચની નજર તેના પર પડી અને તેને વેઇટલિફ્ટિંગ તરફ વાળવામાં આવ્યો. ત્યારથી શરૂ થયેલી મહેનત આજે આંતરરાષ્ટ્રીય પોડિયમ સુધી પહોંચી છે.
ઋષિકાંતા સિંહની કહાની સાબિત કરે છે કે પરિસ્થિતિઓ માણસને રોકી શકતી નથી—જો સપનાઓને સાકાર કરવાની હિંમત અને સતત મહેનત હોય.

Share This Article