Home Blog Page 21

વરસાદ વધે તે પહેલાં તંત્ર સતર્ક! તાપીમાં 20 સગર્ભા માતાઓને આરોગ્ય કેન્દ્રોમાં પહોંચાડાઈ

તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વચ્ચે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં તેજ કરવામાં આવ્યા છે. રેડ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પણ આગોતરી તૈયારી હાથ ધરી હતી, જેમાં પ્રસૂતિની સંભવિત તારીખ નજીક હોય તેવી 20 સગર્ભા મહિલાઓને સમયસર ઓળખી સુરક્ષિત આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી. આ નિર્ણયથી વરસાદી પરિસ્થિતિમાં માતા અને બાળકને તાત્કાલિક તબીબી સુવિધા મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આરોગ્ય ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઘર-ઘર જઈને સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. જે મહિલાઓની પ્રસૂતિ નજીક હતી તેમને કોઈપણ કટોકટી સમયે મુશ્કેલી ન સર્જાય તે માટે નજીકના આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરવામાં આવી હતી.

આ કામગીરી અંતર્ગત વાલોડ, વેલધા, ખેરવાડા, ગડત અને બોરદા સહિતના આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 20 મહિલાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) તેમજ સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પરિસ્થિતિ દરમિયાન માતા અને નવજાત શિશુના આરોગ્યની સુરક્ષા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તંત્રએ લોકોને પણ વરસાદ દરમિયાન સતર્ક રહેવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

વરસાદની આગાહી વચ્ચે તાપીમાં હાઈ એલર્ટના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા વહીવટી તંત્રે સમયસર લીધેલા નિર્ણયથી સંભવિત જોખમને ટાળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉકાઈ તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વચ્ચે નાગરિકો અને આશ્રમશાળાના બાળકોનું અગાઉથી કાલે સાંજે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેથી કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના ન બને.

જિલ્લા તંત્ર દ્વારા ઉખલદા ગામના દાદરી ફળિયામાં રહેતા અંદાજે 30 લોકોને સુરક્ષિત રીતે ઉખલદા આદર્શ પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. આશ્રયસ્થળે પાથરણાં, ઓઢવાની વ્યવસ્થા, ફિલ્ટરયુક્ત શુદ્ધ પીવાનું પાણી તેમજ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત માછલી ફળિયાના 17 નાગરિકોને સાવચેતીના ભાગરૂપે તેમના સંબંધીઓના સુરક્ષિત ઘરોમાં મોકલવામાં આવ્યા હતા.

વરસાદી પરિસ્થિતિમાં કાચા અને જૂના મકાનો જોખમી બનતા ભેંસરોટ આશ્રમશાળાના 48 બાળકોને પતરાવાળા મકાનમાંથી નવી સ્લેબવાળી ઇમારતમાં તેમજ બોરીસાવર આશ્રમશાળાના 91 બાળકોને નળિયાવાળા મકાનમાંથી પાકી સ્લેબવાળી બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આમ કુલ 139 બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તમામ તાલુકાઓમાં રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનું જોખમ ટાળી શકાય.

તાપી જિલ્લામાં વરસાદનું જોર યથાવત: માત્ર બે કલાકમાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો

તાપી જિલ્લામાં આજે સવારે માત્ર બે કલાકના ગાળામાં વરસાદે જોરદાર હાજરી નોંધાવતા અનેક તાલુકાઓમાં જનજીવન પર તેની અસર જોવા મળી છે. 10થી 12 વાગ્યા દરમિયાન વ્યારા તાલુકામાં સૌથી વધુ 50 મિમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ડોલવણમાં 48 મિમી અને વાલોડમાં 44 મિમી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ વચ્ચે તાપી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

સત્તાવાર વરસાદના આંકડા મુજબ નિઝર તાલુકામાં 25 મિમી, ઉચ્છલમાં 18 મિમી, ઉકાઈમાં 16 મિમી, સોનગઢમાં 15 મિમી અને કૂકરમુંડામાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નાના નાળા અને ખાળાઓમાં પાણીની આવક વધી છે, જ્યારે કેટલાક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને સાવચેતી રાખવાની ફરજ પડી હતી.

સતત વરસાદને પગલે ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. જો આગામી કલાકોમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે તો જળાશયો અને નદીઓમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રેડ એલર્ટ વચ્ચે સુરતમાં ખાડી પૂરનો ભય, NDRF-SDRF સહિત રેસ્ક્યૂ ટીમો તૈનાત

સતત વધી રહેલા વરસાદ અને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની ખાડીઓના જળસ્તરમાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે તંત્ર એલર્ટ મોડ પર છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજે જણાવ્યું કે શહેરમાં કલાકે કલાકે વરસાદની તીવ્રતા વધી રહી છે. સુરત શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારો, કીમ અને ભરૂચ હાઇવે તરફના વિસ્તારમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે સાંજ સુધીમાં વિવિધ ખાડીઓમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચવાની શક્યતા છે.

ખાડીઓ ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાની અને જળબંબાકાર સર્જાવાની આશંકા છે. આ સંજોગોમાં મનપાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરી છે. બચાવ કામગીરી માટે 1 NDRF અને 2 SDRFની ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે 16 રેસ્ક્યૂ બોટ પણ તૈયાર રાખવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારો માટે રહેવા, ભોજન અને તબીબી સારવાર સહિતની તમામ જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

કમિશનરે ખાસ કરીને વેલંજા, ગોઠણ તેમજ કીમ-ભરૂચ હાઇવે નજીકના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું અને જરૂરી હોય તો તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવું અત્યંત જરૂરી છે. હાલ સમગ્ર વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું છે.

નવસારીના ગણદેવામાં કરૂણ દુર્ઘટના: વીજકરંટથી 3 મજૂરોના મોત, 3 ગંભીર

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક આજે કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. મજૂરોથી ભરેલો ટેમ્પો અકસ્માતે ઉપરથી પસાર થતા વીજ તારના સંપર્કમાં આવી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનામાં ગંભીર રીતે દાઝેલા અને ઘાયલ થયેલા બે મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે વધુ એક ગંભીર ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ ગણદેવી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

રાજ્યસભા બાદ હવે લોકસભામાં પણ ‘વંદે માતરમ’ Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026 પાસ

‘વંદે માતરમ’ને લઈને સંસદમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલું ‘Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026’ આજે લોકસભામાં પણ મંજૂર થઈ ગયું છે. આ સાથે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ સમાન કાનૂની રક્ષણ આપવાનો માર્ગ ખુલ્યો છે.

હવે આ બિલ કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ ‘વંદે માતરમ’ના અપમાન અથવા તેના ગાનમાં વિક્ષેપ જેવા મામલાઓ સામે પણ કાયદાકીય કાર્યવાહીનો માર્ગ ખુલશે.

આ સુધારા દ્વારા Prevention of Insults to National Honour Act, 1971માં ફેરફાર કરવામાં આવશે. હાલમાં આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતના અપમાન સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે. નવા સુધારા બાદ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને પણ આ જ સુરક્ષા હેઠળ લાવવામાં આવશે.

સરકારનું કહેવું છે કે ‘વંદે માતરમ’ ભારતના સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક રહ્યું છે અને તેને રાષ્ટ્રીય સન્માન સાથે જોડાયેલી સમાન કાનૂની સુરક્ષા મળવી જોઈએ.

31 જુલાઈએ ઘરની બહાર નીકળતા પહેલાં સુરતવાસીઓ આ સમાચાર જરૂર વાંચજો! IMDની મોટી ચેતવણી

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર આક્રમક બનવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી નવી આગાહી મુજબ 31 જુલાઈ, શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.


દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદ સૌથી વધુ અસરકારક રહેવાની સંભાવના છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને સ્થાનિક સ્તરે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં.
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા પડવાની સંભાવના હોવાથી નાગરિકોને ખુલ્લા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી શકે છે.

નાસીરનગર ડિમોલિશન કેસમાં HCનો સવાલ: ‘અધિકારીઓ ભૂલ કરે તો પણ કોઈ કાર્યવાહી નહીં થાય?’ SMC કમિશનર મુદ્દે સરકારને ઘેર્યું

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઇકોર્ટની કડક ટિપ્પણીએ ફરી એકવાર સમગ્ર મામલાને ચર્ચામાં લાવી દીધો છે. કોર્ટે SMC કમિશનર હજુ પણ હોદ્દા પર હોવા અંગે રાજ્ય સરકારને સવાલ કર્યો છે અને પૂછ્યું કે અધિકારીઓની જવાબદારી નક્કી નહીં થાય તો રાજ્યની છબી કેવી બનશે?

નાસીરનગર ડિમોલિશન મામલે 26 અરજદારોની અરજી પર થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું કે, અધિકારીઓ કંઈ પણ કરે અને તેમને કોઈ અસર ન થાય તેવી સ્થિતિ યોગ્ય નથી. જોકે કમિશનરને હટાવવા કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકારનો વિષય હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

સુનાવણી દરમિયાન અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિમોલિશન કરાયેલી જમીન ખાનગી માલિકીની છે. જ્યારે જમીન માલિકના વકીલે જણાવ્યું કે જમીન અગાઉથી જ SMCને સોંપવામાં આવી હતી. હાઇકોર્ટે નોંધ્યું કે રોડલાઇન પર દબાણ હોય તો પણ યોગ્ય પ્રક્રિયા અને નોટિસ વિના કાર્યવાહી કરી શકાય નહીં.

સરકાર તરફથી જણાવાયું કે સમગ્ર મામલાની તપાસ માટે બે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે અને તેનો અહેવાલ 60 દિવસમાં રજૂ કરાશે. હાઇકોર્ટે તપાસની નિષ્પક્ષતા પર ભાર મૂકતા પૂછ્યું કે કમિશનર હોદ્દા પર રહેતા તપાસને અસર તો નહીં થાય ને?

આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટે યોજાશે. દરમિયાન રાજ્ય સરકારને સમગ્ર મુદ્દે ગંભીરતાથી વિચારવા હાઇકોર્ટે સૂચના આપી છે.

NEET પેપર લીક તપાસમાં મોટો ખુલાસો! આ કોડનેમથી તૈયાર થયા હતા પ્રશ્નપત્ર સેટ

દેશભરમાં કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા NEET પેપર લીક કેસમાં તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના વિવિધ પ્રશ્નપત્ર સેટને આંતરિક રીતે ‘કૈલાશ‘ અને ‘શિવાલિક‘ જેવા કોડનેમ આપવામાં આવ્યા હતા. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ કોડનેમ ધરાવતા પ્રશ્નપત્રો પરીક્ષા પહેલાં આરોપીઓ સુધી કેવી રીતે પહોંચ્યા અને આખું કાવતરું કેવી રીતે રચાયું હતું.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ કોડનેમનો ઉપયોગ પ્રશ્નપત્રના અલગ-અલગ સેટની ઓળખ અને સુરક્ષા માટે કરવામાં આવતો હતો. CBI દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં ત્રણ વિષય નિષ્ણાતોની ભૂમિકાની પણ નોંધ લેવામાં આવી છે. તેમના પર પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર સુધી પહોંચ મેળવી તેને લીક કરવામાં સહભાગી હોવાનો આરોપ છે. કેસમાં મોટી સંખ્યામાં દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જ્યારે અનેક આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

તપાસ દરમિયાન મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે. અધિકારીઓ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી પેપર લીકમાં સામેલ તમામ લોકોની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે. સાથે જ કોડનેમ આધારિત પ્રશ્નપત્રોની હેરફેર ક્યાંથી શરૂ થઈ અને તે કેવી રીતે બહાર આવ્યા તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આ ખુલાસાએ ફરી એકવાર દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સુરક્ષા અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તપાસ હજુ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વંદે માતરમ’ના અપમાન પર હવે જેલની સજા? રાજ્યસભાએ પાસ કર્યું મહત્વપૂર્ણ બિલ, જાણો શું બદલાશે

0

રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને હવે રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ જેટલું જ કાનૂની રક્ષણ મજબૂત બન્યું છે. રાજ્યસભાએ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર (સંશોધન) બિલ, 2026ને મંજૂરી આપી છે. આ બિલ અમલમાં આવ્યા બાદ વંદે માતરમનું ઇરાદાપૂર્વક અપમાન કરવું, તેના ગાનમાં અવરોધ ઉભો કરવો અથવા તેના ગાન દરમિયાન સભામાં વિક્ષેપ પાડવો કાયદેસર ગુનો ગણાશે અને તેના માટે ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની જોગવાઈ રહેશે.

હાલમાં અમલમાં રહેલો પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971 રાષ્ટ્રીય ધ્વજ, ભારતીય સંવિધાન અને રાષ્ટ્રીય ગાન ‘જન ગણ મન’ને કાનૂની સુરક્ષા આપે છે. આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ગાનમાં ઇરાદાપૂર્વક વિક્ષેપ કરવો અથવા તેનું ગાન અટકાવવું દંડનીય ગુનો છે. નવા સંશોધન દ્વારા આ જ સુરક્ષા હવે ‘વંદે માતરમ’ સુધી વિસ્તૃત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે આ માત્ર કાયદાકીય ફેરફાર નથી, પરંતુ દેશની સાંસ્કૃતિક ધરોહર, સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો અને રાષ્ટ્રીય ચેતના પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

‘વંદે માતરમ’ની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી અને ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં આ ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 24 જાન્યુઆરી, 1950ના રોજ સંવિધાન સભામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘વંદે માતરમ’ને ‘જન ગણ મન’ જેટલું જ સન્માન આપવામાં આવશે. જોકે, તેને અત્યાર સુધી સમાન કાનૂની રક્ષણ મળતું નહોતું. સરકારનું કહેવું છે કે આ સંશોધન દ્વારા તે તફાવત દૂર કરવામાં આવશે.

રાજ્યસભામાં બિલ પસાર થઈ ગયું છે, પરંતુ કાયદો બનવા માટે બાકી રહેલી બંધારણીય પ્રક્રિયા પૂર્ણ થવી અને રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જરૂરી રહેશે.