ખનીજ માફિયા બેફામ : થાનમાં એક કિલોમીટર સુધી સુરંગો ખોદી કાઢી રહ્યા છે કાળું સોનું

Share this story
  • સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની ખનન પ્રવૃતિનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. આરોપીઓએ તમામ હદ વટાવી થાન મુળી વિસ્તારમાં સુરંગો બનાવીને ખનન કરતા હોવાનું ઉઘાડું પડતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે.

ખનીજ ચોરી મામલે સુરેન્દ્રનગર પંથક સૌથી વધુ બદનામીનો માર ભોગવી રહ્યો છે. તંત્રના ડર વગર ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરી રહ્યા છે. જને અટકાવવા તંત્રનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર પંથકમાં ખનીજ માફિયાઓની ખનન પ્રવૃતિનો સૌથી મોટો પર્દાફાશ થયો છે.

આરોપીઓએ તમામ હદ વટાવી થાન મુળી વિસ્તારમાં સુરંગો બનાવીને ખનન કરતા હોવાનું ઉઘાડું પડતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. બીજી બાજુ ખનીજ ચોરીના આ દુષણને ભૂસ્તર વિભાગ જ પોષણ આપતું હોવાના પણ ચોંકાવનારા આરોપી વિસ્તારવાસીઓ લગાવી રહ્યા છે.

ખનીજ ચોરી કરવા માટે કૂવામાં વાહનો ઉતારીને શ્રમિકો દ્વારા બનાવાય છે સુરંગ  :

સુરેન્દ્રનગર પંથક ખનીજ ચોરીનો પર્યાય બની ગયો હોય તેમ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છતાં એને અટકવામાં સબંધિત તંત્રને આંખ આડા કાન કરી ભૂંડી ભૂમિકા ભજવી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે તપાસમાં સામે આવ્યું કે એક કિલોમીટર સુધીની સુરંગોનું ખોદકામ થઈ રહ્યું છે.

થાનના વગડીયા વિસ્તારમાં ખનીજ ચોરી ચાલી રહી હતી. હાદ તો ત્યારે થઈ જાય કે ખનીજ ચોરી કરવા માટે કૂવામાં વાહનો ઉતારીને શ્રમિકો દ્વારા સુરંગ બનાવાય રહી હતી. વધુમાં રેલવે ટ્રેક નીચે પણ અનેક સુરંગ બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેને લઈને ભૂસ્તર વિભાગ અને પોલીસ તંત્ર પર મિલીભગતનો આક્ષેપ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયો મામલે ભૂસ્તર વિભાગના અધિકારી નીરવ બારોટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે નીરવ બારોટે નવી વહુની માફક ઘુંઘટો તાણી લીધો હતો. અને ‘ન બોલવામાં નવ ગુણ’ની માફક જવાબ દેવાનું બદલે ફોન કટ કર્યો હતો. પોલીસ અને તંત્ર ધારે તો પાતાળમાંથી પણ આરોપીઓને શોધી કાઢે છે. પરંતુ હાલ આ પ્રકરણમાં પોલીસ અને ખનીજ ખાતાની ઈચ્છાશક્તિ અને નૈતિકતાનો અભાવ હોય તેવું ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો :-