લેણદારો, વ્યાજખોરોના ત્રાસથી આપઘાતની અનેક ઘટનાઓ, પરંતુ કેટલાં ગુનેગારોને સજા થઈ?

Share this story
  • એક તરફ સંપત્તિનો નશો અને તેમાં ‘સત્તા’નો સાથ મળવાથી કાયદાનાં હથિયારો બુઠ્ઠા થઈ જાય છે, ખાખી વર્દીધારી ભલભલા અધિકારીઓને પણ સત્તા આગળ ઝૂકવું પડ્યું હોવાના દાખલા શોધવા પડે તેમ નથી.
  • એક તરફ સંપત્તિનો નશો અને તેમાં ‘સત્તા’નો સાથ મળવાથી કાયદાનાં હથિયારો બુઠ્ઠા થઈ જાય છે, ખાખી વર્દીધારી ભલભલા અધિકારીઓને પણ સત્તા આગળ ઝૂકવું પડ્યું હોવાના દાખલા શોધવા પડે તેમ નથી.
  • સુરતની બિલ્ડર નાગજી ધામેલિયા, રતિલાલ પાનસુરિયાની આપઘાતની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી, પણ શું થયું, કેટલાં લોકોને ફાંસીએ લટકાવાયા?
  • બિલ્ડર વિપુલ રંગાણીને આપઘાત માટે મજબૂર કરનાર લોકોને કેટલી સજા થઈ? હવે અશ્વિન ચોવટિયાને ઝેર ઘોળવા માટે મજબૂર કરનાર લોકોને કેટલી સજા થશે એ પણ સમય બતાવશે.

કતારગામનાં બે સંતાનોનો પિતા તેમજ વિધવા માતા અને પત્નીના આધારરૂપ રત્નકલાકારનાં આપઘાતનાં કેસમાં કંઈક અંશે અત્યાચાર ગુજારવામાં પોલીસ પણ સંડોવાયેલી હતી, પરંતુ પરિણામ શું આવ્યું?

સત્તા અને સંપત્તિનાં નશામાં આચરવામાં આવેલી ગુનાખોરી (criminality) હંમેશા ખતરનાક પુરવાર થતી આવી છે. આવી અનેક લોહીયાળ ઘટનાઓનો ઈતિહાસ સાક્ષી રહ્યો છે. સત્તાનાં સર્વોચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ કે સત્તાધારી સાથે અંગત સંબંધો ધરાવનાર એ ભુલી જાય છે કે, કાયદો નામની કોઈક વ્યવસ્થા છે. પરંતુ મોટાભાગનાં બનાવોમાં સત્તાપક્ષ (authority) સાથે હોવાથી કાયદાના હથિયારો બુઠ્ઠા થતાં આવ્યા છે.

અનેક ઘટનાઓમાં સત્તાધારી પક્ષનાં ઈશારે કાયદાની ખુરસીમાં બેઠેલા ભલભલા અધિકારીઓએ આંખ આડા કાન કરવા પડ્યાં છે અને ઘણી વખત કાયદાનો ‘અમલદાર’ સત્તા અને સંપત્તિનાં નશાખોરો સાથે ભળી જાય છે, ત્યારે ન્યાયનું અસ્તિત્વ જ ભુંસાઈ જાય છે.

આપણા દેશમાં સત્તાધારી અને સત્તાધારી વ્યક્તિની બગલમાં બેસેલી વ્યક્તિ માટે જાણે કાયદાની કોઈ જ પરવા નથી. કાયદાની વરદી પહેરીને બેસેલી વ્યક્તિ જ્યારે સાવ જુઠ્ઠા વ્યક્તિને પગ પછાડીને સલામ મારતો જોવા મળે ત્યારે એવું લાગે કે ભારતમાં કાયદો, વ્યવસ્થા જેવું કંઈ અસ્તિત્વ જ નથી. વળી વર્તમાન સમયમાં આવી ઘટનાઓમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે.

દેશભરમાં જંગલરાજની ઘટનાઓ બનતી રહે છે. અનેક ઘટનાઓ તો સપાટી ઉપર પણ નહીં આવતી હોય, પહેલા એવી માન્યતા હતી કે કોંગ્રેસની સરકારો વખતે ગુંડાઓ, બુટલેગરો, ભ્રષ્ટ જમીનમાફિયાઓનું રાજ હતું. આ એવા લોકો હતા કે જેના ઈશારે કહેવાતા રાજકીય શાસકો નાચતા હતા અને ગરીબ અને સામાન્ય વર્ગનાં લોકો શાસકોને ખિસ્સામાં લઈને ફરતા આવા માથાભારે લોકોથી ડરતા હતા.

મતલબ કચડાયેલો માણસ ફરિયાદ કરવાની હિંમત સુદ્ધા કરી શકતો નહોતો. વળી, સમાજમાં ઉજળા થઈને ફરતા કહેવાતા સમાજસેવકોનાં ઘરે સત્તાધારીઓ, અધિકારીઓની રોજબરોજની આવન-જાવનને કારણે પણ સામાન્ય લોકોમાં એક છુપો ભય છવાયેલો રહેતો હતો.

બદલાયેલી રાજસત્તાને કારણે ખાસ કરીને કચડાયેલા અને છેવાડાના વર્ગને પોતાને ન્યાય મળવાની કે રક્ષણ મળવાની આશા હતી, પરંતુ અનુભવે આ આશા પણ ધૂંધળી દેખાઈ રહી છે. નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારીને પગલે ફરી વળેલી મંદીએ અનેકનાં ઘર ઉઝાડી નાંખ્યા હશે. અનેક લોકો બેમોત મરી ગયા હશે તો અનેક પરિવારો શોષણખોરોનો ભોગ બનીને બરબાદ થઈ ગયા હશે.

ઘણા તો આખા ને આખા પરિવારો આર્થિક સંકટ અને વ્યાજખોરોથી ત્રાસીને સામૂહિક મોતને ભેટ્યા હશે, પરંતુ આમાનાં એકપણ મૃતકને ન્યાય મળ્યો હોવાનું યાદ નથી. બલ્કે વ્યાજખોરો બેખોફ ફરી રહ્યાં છે. દસ દસ ટકા સુધીનું વ્યાજ મિલકતો અને એડવાન્સમાં ચેક લખાવી લેતા માફિયા વ્યાજખોરોનો વાળ પણ વાંકો થયો નથી.

સરકારની ઘોંચને પગલે થોડા દિવસની શાંતિ બાદ ફરી એની એ જ હાલતનું નિર્માણ થઈ રહ્યું છે. મિલક્તોમાં ઘુસી જવું, દસ્તાવેજો લખાવી લેવા જેવી અનેક બાબતોની હારમાળા, છતાં આપણી સરકાર કે પોલીસ તંત્ર આવા લોકોને પાંજરામાં પુરી શકી નથી.

અનેક લોકો એ શોષણખોરોના અત્યાચાર અને ત્રાસને કારણે આપઘાત કરી રહ્યાં હોવાની ‘સ્યુસાઈડ નોટ’ લખીને આપઘાત કરી ચૂક્યા હોવા છતાં અને ‘સ્યુસાઈડ નોટ’નો પુરાવો અમલદારનાં હાથમાં હોવા છતાં એક પણ શોષણખોરને દાખલારૂપ સજા થઈ નથી.

આપઘાતની ઘટનાનાં થોડા દિવસનાં ઉહાપોહ બાદ ફરી હાલત ઠેરની ઠેર થઈ જાય છે. ઘણાં કિસ્સામાં તો આપઘાત કરનાર વ્યક્તિ આપઘાત કરી રહ્યો હોવાનો જીવંત વીડિયો છોડતો ગયો હોવા છતાં જવાબદારને આપણા કાયદાનાં રખેવાળો ફાંસીનાં માચડે લટકાવી શક્યા નથી.

કાયદામાં એવું માનવામાં આવે છે કે, કોઈ વ્યક્તિને આપઘાત કરવા માટે મજબૂર કરવી એ પણ હત્યા કરવા બરાબર ગુનો ગણી શકાય. જો ખરેખર કાયદામાં આવી સાફ-સાફ સ્પષ્ટતા હોય તો શોષણખોરો કાયદાની ચૂંગાલમાંથી કેમ છટકી જાય છે?

બહુ દૂર જવાની જરૂર નથી. નજીકનાં ભૂતકાળમાં જ અને સુરતમાં શોષણખોરો અને અત્યાચારનાં ત્રાસથી એક નહીં અનેક ઘટનાઓ બનવા પામી હતી. કતારગામ વિસ્તારના જ એક જાણીતા બિલ્ડરે પોતાની ઓફિસમાં જ આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતા પહેલા લેણદારો અને વ્યાજખોરોનાં ત્રાસ અને તેમના નામ, સરનામાં સહિતની આખી ‘સ્યુસાઈડ નોટ’ લખી હતી, પરંતુ આમા કેટલાંને સજા થઈ? આત્મહત્યાની આ ઘટનામાં પોલીસને પુરાવા શોધવાની પણ જરૂર નહોતી અને છતાં પોલીસે કેવી તપાસ કરી?

સમયની રેત સાથે બધું ભુલાતું જાય છે અને મૃતકની માત્ર ને માત્ર તેના પરિવારને ખોટ વર્તાતી રહે છે. ત્યાર પછીનાં થોડા દિવસોમાં એક કારખાના માલિકનાં ત્રાસથી બે સંતાનોનો પિતા અને વિધવા માતા સહિત આખા પરિવારનાં આધાર સમાન રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો. વળી આ ઘટનામાં રત્નકલાકાર ઉપર અત્યાચાર ગુજારવામાં પોલીસની પણ સંડોવણી બહાર આવી હતી અને છતાં શું થયું? મૃતકનાં પરિવારને કેટલો ન્યાય મળ્યો?

ઘણાં લોકોને તો રત્નકલાકારનાં આપઘાતની ઘટના પણ યાદ નહીં હોય. માસૂમ ભૂલકાઓ, લાચાર માતા અને પત્નીની કેવી હાલત હશે? કોઈને પણ પડી નહીં હોય.

આપણી સરકાર રોજબરોજ બુટલેગરો, વ્યાજખોરો સામેની ઝુંબેશ ચલાવી રહી છે. અલબત્ત આ ઝુંબેશ પણ આવકાર્ય છે. મજબૂર લોકોને રક્ષણ આપતી કોઈપણ પહેલની ચોક્કસ સરાહના કરવી જ જોઈએ. પણ અનુભવે એવું જણાયું છે કે, આવી ઝુંબેશ સરકાર સાથે સંકળાયેલા કોઈકને અવરોધરૂપ થાય છે ત્યારે ઝૂંબેશ માત્ર નામ પુરતી જ બનીને રહી જાય છે.

વ્યાજખોરો સામેની ઝુંબેશને કારણે રોજબરોજનું લાવીને ધંધો કરતા નાના નાના લોકોને થોડા સમય માટે રાહત થઈ હશે, પરંતુ ઉધાર નાણાં લેવા માટે કોઈ આધાર પુરાવા જ નથી. એવા મધ્યમ વર્ગનાં લોકોને આવી ઝુંબેશને કારણે કોઈ જ રાહત મળી નહીં હોય. કારણ કે, આ એવા લોકો છે કે જેને બેંક ધિરાણ આપી શકતી નથી અને ધિરાણ લેવા માટે ગીરવે મુકવા જેવા કોઈ સાધનો નથી.

પરિણામે પોતાની વસૂલાત કરવાની તાકાત ઉપર જ ધિરાણ આપનારા લોકો પાસે ગયા વગર છુટકો નથી. ખેર, માનસિક ત્રાસ આપવાથી આપઘાતની અનેક ઘટનાઓ વચ્ચે કતારગામનાં બિલ્ડર નાગજી ધામેલિયા, કામરેજ પોલીસ મથક વિસ્તારની ઘટનામાં રતિલાલ પાનસુરિયા ઉપરાંત ભાગીદારોનાં કહેવાતા ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર વિપુલ રંગાણી ઉદાહરણ ગણાવી શકાય. પરંતુ આત્મહત્યા અને આત્મહત્યાનાં પ્રયાસની ઘટનાઓ માટે જવાબદાર લોકોને કાયદાની કોર્ટમાં હજુ સુધી દાખલારૂપ સજા ફટકારવામાં આવી હોવાનું યાદ નથી.

મોટા વરાછાનાં બિલ્ડર અશ્વિન ચોવટિયાએ આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં લાંબી માનસિક યાતના ભોગવી હશે. અશ્વિન ચોવટિયાએ ઝેરી દવા પીતા પહેલા મોબાઈલ ફોન ઉપર વીડિયો પણ રેકોર્ડ કરવા ઉપરાંત ‘સ્યુસાઈડ નોટ’ પણ લખી હતી. વળી અશ્વિન ચોવટિયા સ્પષ્ટ કહે છે કે, તેને સુરત પોલીસની તપાસ ઉપર ભરોસો નથી. કારણ કે, તેને ત્રાસ આપનાર લોકોનાં હાથ કેટલા લાંબા છે તેનો તેને પહેલેથી જ અંદાજ હતો અને એટલે જ તેણે અમદાવાદ જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અશ્વિન ચોવટિયાએ જે લોકોને પોતાના આપઘાતનાં પ્રયાસ માટે દોષિત ઠેરવ્યા છે એ પૈકી મોટાભાગનાં લોકોની શાસકો સુધીની પહોંચ હશે જ.

વળી જાહેર જીવનમાં ઉજળા થઈને ફરતા લોકોનાં રાજકીય આગેવાનો અને વરિષ્‍ઠ અધિકારીઓ સાથે સંબંધો રહેવાના જ અને આ સંબંધોનો નશો જ બેજવાબદાર વ્યક્તિને ગુનાખોરી આચરતા રોકતો નથી. સત્તાકીય સંબંધો અને સંપત્તિનાં નશામાં અનેક લોકો એ ભૂલી જાય છે કે, કાયદો નામનું કોઈક પરિબળ પણ આ દેશમાં છે.

સંવેદનશીલ ગુના ઉકેલવામાં માહિર :

  • ડીસીપી રૂપલ સોલંકીનુ તપાસનું નેતૃત્ત્વ ગુનેગારોને કાયદાના કઠેરામાં લઇ જશે
  • સુરત-ઓલપાડના ચકચારી બિલ્ડર અને ક્વોરી માલિક દુર્લભ પટેલના આપઘાત કેસની તપાસ પણ રૂપલ સોલંકીએ કરી હતી

સંવેદનશીલ અને ચકચારી ગુનાઓ ઉકેલવા અને ઊંડાણપૂર્વકની આગવી કુનેહ ધરાવતા ક્રાઇમ બ્રાંચના ડેપ્યુટી પો. કમિ. રૂપલ સોલંકીને અશ્વિન ચોવટિયા આપઘાતના પ્રયાસ કેસની તપાસનું નેતૃત્ત્વ સોંપીને પો. કમિ. તોમરે ગુનેગારોને આકરો સંદેશો આપી દીધો છે. તાજેતરમાં ઓલપાડ તાલુકામાં ક્વોરી માલિક અને બિલ્ડર દુર્લભ પટેલ આપઘાત કેસની તપાસમાં ડીસીપી રૂપલ સોલંકીઅે ભારે વગ ધરાવતા લોકોને પણ કાયદાના સકંજામાં લઇ લીધા હતા.

ડીસીપી રુપલ સોલંકી

સુરતના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ અન્ય બિલ્ડર્સ, દલાલો અને વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનીને છેક અમદાવાદ જઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે મોબાઇલ ફોન ઉપર ઓડિયો  અનેવીડિયો રેકોર્ડીંગ કરીને તેમને ઝેરી દવા પીવા માટે મજબૂર કરનાર લોકોના નામ આપવા સાથે ‘સ્યુસાઇડ નોટ’ પણ લખી હતી.

સુરત સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર આ કેસની તપાસ સુરત શહેર પોલીસની ક્રાઇમબ્રાંચના ડીસીપી રૂપલ સોલંકીને સોંપવામાં આવી છે. કોઇ મોટા રાજકીય પરિબળો અવરોધરૂપ નહીં બને તો રૂપલ સોલંકી ભલભલા ગુનેગારોને પાંજરે પુરવાની ગજબની કુનેહ ધરાવે છે. ફોજદારી કાયદાના જાણકાર રૂપલ સોલંકીને તપાસના દોરમાં મોકળુ મેદાન મળી રહેશે તો અશ્વિન ચોવટિયાના કેસમાં જ નહીં પરંતુ અન્ય લોકોને ત્રાસ આપી રહેલા લોકો પણ ફફડી ઉઠશે અને એક દાખલારૂપ સજા ફટકારી શકાશે.