સુરતના સરથાણામાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રાજહંસ હાઈરાઈઝ ઈમારત પર વીજળી પડવાના દ્રશ્યો સ્થાનિકોના મોબાઈલમાં કેદ થયા હતા.વીજળી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.મોબાઇલમાં કેદ થયેલા વીડિયોમાં રાજહંસ હાઈરાઈઝ ઈમારત પર કઇ રીતે વીજળી ત્રાટકે છે તે જોઇ શકાય છે.
વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ. સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય. ધાતુના પાઈપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઉભા રહો. બાઈક, વિજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઉભા રહો.
વરસાદની મજા સજામાં ત્યારે ફેરવાઈ જાય છે જ્યારે વીજળી પડવાથી જાન માલને નુકસાન પહોંચે છે. જ્યારે વાવાઝોડા સાથે વરસાદ આવતો હોય અને વીજળી ચમકતી હોય ત્યારે તેનાથી બચવા માટે ક્યારેય ઝાડ, ખેતર, તણાવ વગેરેની પાસે ન ઉભા રહેવું જોઈએ. કારણ કે તેમની આસપાસ વીજળીની ઝપેટમાં આવવાની શક્યતાઓ વધુ હોય છે. જ્યારે બહાર વીજળી ચમકતી હોય તો ઘરની અંદરના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી દેવા જોઈએ. સાથે જ તાર વાળા ટેલિફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. ઘરના દરવાજા અને બારી બંધ રાખવા જોઈએ.
રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેઓએ જણાવ્યું છે કે અરબ સાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે આગામી પાંચ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ, સુરત, નવસારી અને વાપી જેવા શહેરોમાં વરસાદની શકયતા છે, જ્યારે ડાંગ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે તંત્રએ સાવચેતી રાખવા સૂચના આપી છે.