સ્મશાનમાં ભુવાઓ ધૂણી રહ્યા હતા, અચાનક પોલીસ સાથે વિજ્ઞાન જાથા ત્રાટકી

Share this story
  • જામનગરના કાલાવડના નિકાવા ગામ પાસે આણંદપર ગામમાં મચ્છુ કઠિયા દરજી ટંકારીયા એક પરિવારના માતાજીના મઢમાં ભુવા સ્થાપવા અને આણંદપર ગામમાં સ્મશાનના ખાટલે પાંચ ભુવાઓએ વિધિ-વિધાન કરતા વિજ્ઞાન જાથાએ પર્દાફાશની કામગીરી કરી હતી. જેમાં કાલાવડ ગ્રામ્ય પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

આજના ૨૧મી સદીના યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. એવામાં વિજ્ઞાન જાથા દ્વારા તાંત્રિક વિધિ કરતા ભુવાઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વિજ્ઞાન જાથાએ પોલીસને સાથે રાખી તાંત્રિક વિધિ કરતા ભુવાઓના સ્થાનો પર ત્રાટકી હતી. ટંકારીયા પરિવારનો 200 વર્ષ જુનો માતાજીનો મઢ આણંદપરમાં છે. જ્યાં અમુક પરિવાર દ્વારા ભુવા સ્થાપવાની કામગીરીમાં ધાર્મિક કાર્યો રાખવામાં આવ્યા હતા. જેને લઈને સમાજના જાગૃતોએ વિરોધ કર્યો હતો.

સ્મશાનમાં ખાટલે બેસી ભુવા ધૂણી રહ્યા હતા :

ત્યારે ભુવા સ્થાપવાની સાથે વિચિત્ર રીતે ભુવાઓ ધુણતા અને ડાકલાની રમઝટ બોલાવતા હોવાનું નજરે પડ્યું હતું. સ્મશાનના ખાટલે ભુવાઓએ માથે ઓઢી વિધિ-વિધાન કરી ભય, દહેશતનો માહોલ સર્જયો હતો. નબળા મનના લોકો માટે માનસિક ઈજાનું કામ કરતા હોવાનું વિજ્ઞાન જાથાને ધ્યાને આવ્યું હતું.

પોલીસ સાથે વિજ્ઞાન જાથાની રેડ :

વિજ્ઞાન જાથાના જણાવ્યા અનુસાર ટંકારીયા પરિવારના અમુક સદસ્યોએ વિજ્ઞાન જાથાના કાર્યાલયે શુભેચ્છા મુલાકાત લઈ ફોટા પાડી સોશ્યલ મિડીયામાં અને જ્ઞાતિ સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનો નિમ્ન પ્રયાસ કર્યો હતો. જેને લઈને વિજ્ઞાન જાથા દ્વારા ભુવાઓ સામે સુલેહ શાંતિ ભંગ સહિત કાનુની પગલા ભરવા કાર્યવાહી કરી હતી.

તેમજ ભુવાઓને સ્મશાનમાં લઈ જઈ રીકન્સ્ટ્રકશન વિજ્ઞાન જાથા-પોલીસને સાથે રાખી કર્યું હતું. આમ જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાંથી પાંચ ભુવાઓને ત્યાં વિજ્ઞાન જાથા ત્રાટક્યું હતું અને નિયમોનુસાર કાર્યવાહી કરી સમાજને ગેરમાર્ગે દોરતા ભુવાઓને બોધપાઠ ભણાવ્યો હતો. તેમજ આગામી સમયમા હવે સમાજને ગેરમાર્ગે ન દોરવાનું અને ખોટી તાંત્રિક વિધિમાં લોકોને ન ફસાવવા માફી મંગાવી હતી.

આ પણ વાંચો :-