ભાજપે સ્થિર શાસન કરવું હોય તો પહેલા પોતીકા અસંતુષ્ટોને નાથવા જરૂરી

Share this story
  • અન્યથા પત્રિકા અને વીડિયોકાંડ જેવા કાંડની હારમાળા સર્જાતી રહેશે, બે-ચારને તગેડી મુકવાથી કામ નહીં ચાલે, જડમૂળથી નાશ કરવો જરૂરી.
  • આનંદી પટેલ, વિજય રૂપાણીને પક્ષનાં અસંતુષ્ટોએ જ ઉથલાવ્યા હતા, નખશિખ પ્રમાણિક અને નેક ઈન્સાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ આવું થઈ શકે.
  • જે દિવસે સરકારની માહિતીઓની પત્રિકાઓ, વીડિયો ફરતાં થઈ જશે એ દિવસે સરકાર માટે ટકવું મુશ્કેલ થઈ પડશે.
  • ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે પણ પત્રિકા અને વીડિયો ફરતા કરાયા પરંતુ સી.આર. પાટીલ બરાબર માથાનાં નીકળ્યા હતા, કૌભાંડીઓ તો જેલમાં ગયા પરંતુ પડદા પાછળનાં ખેલાડીઓ જેલમાં ગયા વગર બેનકાબ થઈ ગયા.
  • પોતીકા વિરોધીઓને કાબૂમાં રાખવા ડંખ મારવા કરતાં ફૂંફાડા મારવાની જરૂર છે, ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ ફૂંફાડા મારીને અનેકને કરંડીયામાં પુરી દીધા હતા.

ગુજરાતમાં ભૂતકાળમાં ક્યારેય પણ જોવા મળ્યું ન હોય એવું હવે જોવા અને સાંભળવા મળી રહ્યું છે. કોઈના માટે પત્રિકા ફરતી કરવી કે બીભત્સ સીડી બનાવવી ભાજપ માટે હવે નવાઈ રહી નથી. ગુજરાતના લોકો નજીકનાં ભૂતકાળમાં આવું બધું અનુભવી ચૂક્યા છે, પરંતુ ભાજપનાં ભૂતકાળ અને વર્તમાનમાં મોટો તફાવત છે. ભૂતકાળની ઘટનાઓ ઈચ્છાઓથી આકાર લેતી હતી અને ઈચ્છાઓથી સમેટાઈ જતી હતી, પરંતુ નરેન્દ્ર મોદીનાં દિલ્હી ખાતેના પ્રયાણ બાદ આ બધો કાબૂ ગુમાવી દેવાયો છે. નરેન્દ્ર મોદી પછીની ગુજરાતની ભાજપની સરકારોમાં એકપણ સરકાર સ્થિર અને સક્ષમ વહીવટ કરી શકી નથી. વળી ભાજપની સરકારોને ઉથલાવવામાં કોઈ બહારનો કે વિપક્ષનો હાથ ક્યારેય રહ્યો નથી.

આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આ બંને મુખ્યમંત્રીમાં એક પણ નબળા નહોતા. બંને રાજકીય રીતે પીઢ અને વહીવટકુશળ હતાં જ અને તેમ છતાં બંનેએ અધૂરી સત્તાએ ગાદી છોડવી પડી હતી અને હવે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ બીજી વખતની ટર્મ ચાલી રહી છે. પરંતુ ગુજરાત ભાજપનો વર્તમાન માહોલ જોતા ભૂપેન્દ્ર પટેલને પૂરાં પાંચ વર્ષ ગાદીએ ટકવા દેશે કે કેમ? એ અત્યંત મહત્ત્વનો સવાલ છે. ભૂપેન્દ્ર પટેલ સાવ સરળ, પ્રામાણિક અને ‘નેક’ ઈન્સાન છે. પરંતુ આ તેમની પ્રામાણિકતા જ તેમને બિનકાર્યક્ષમ પુરવાર કરી શકે. અલબત્ત ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે ગાદી છોડવા તૈયાર છે. પરંતુ મુખ્યમંત્રીપદ છોડી દેવું એ બહાદુરી નથી. બલ્કે હિંમતભેર સામનો કરી મેલી મુરાદ ધરાવતા લોકોને ઉઘાડા પાડવાની જરૂર છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ પણ આવું જ કર્યું હતું. તેમણે પોતીકા પક્ષના એક-બે નહીં અનેક લોકોને ઉઘાડા પાડીને રાજકીય રીતે શૂન્ય કરી દીધા હતા. જોકે એક નખ શીખ સજ્જન ભૂપેન્દ્ર પટેલ પાસે આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે અને તેમ છતાં એટલું ચોક્કસ કહી શકાય કે જો જાહેર જીવન અને સક્રિય રાજકારણમાં રહેવું હોય તો ડંખ મારતા નહીં, પરંતુ ફૂંફાડા મારતા તો આવડવું જ જોઈએ.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આના માટે ઉદાહરણ ગણી શકાય. તેમની સામે પત્રિકાકાંડ શરૂ થયાના ગણતરીના દિવસોમાં એક એકને શોધીને ‘બેનકાબ’ કરવા સાથે રાજકીય વેલ્યુ ખતમ કરી નાંખી હતી. પત્રિકાકાંડ અને વીડિયોકાંડમાં કેટલાક જેલમાં સળિયા ગણી રહ્યા છે. કેટલાક જામીન ઉપર જેલની બહાર છે તો કેટલાક લોકોનો હજુ પરસેવો સુકાતો નહીં હોય. આ એવા નેતાઓ છે કે, જેના પોલીસ દફતરે નામ આવ્યા નથી, પરંતુ પોલીસના ચોપડે નામ નોંધાવ્યા વગર તેમની ઓળખ જાહેર થઈ ચૂકી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલનો સૌથી પહેલો ભોગ લેવાયો હતો. ધ્રુ‌િમલની ભૂમિકા અંગે મહિનાઓ પછી પણ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ધ્રુ‌િમલને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવાની ઘટના ભૂપેન્દ્ર પટેલ માટે ચોક્કસ એક ધબ્બા સમાન ગણી શકાય. ત્યાર બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ છેક નરેન્દ્ર મોદીનાં સમયથી કાર્યરત હિતેશ પંડયાની બાદબાકી પણ કોઈ ગૌરવ લેવા જેવી ઘટના નહોતી. ખરેખર તો મુખ્યમંત્રી કાર્યાલયમાં તણખલું ફરકે તોપણ મુખ્યમંત્રીને પોતાને અને તેમના અંગત માનવામાં આવતા લોકોને જાણ હોવી જ જોઈએ. પરંતુ કમનસીબે આવું થયું નથી અને એટલે મુખ્યમંત્રી કાર્યાલયની કાર્યપ્રણાલી સામે શંકાના વાદળો ઘેરાઈ રહ્યાં છે અને લાંબે ગાળે નિષ્ફળતાનો દોષનો ટોપલો મુખ્યમંત્રીના માથે પણ ઢોળવામાં આવી શકે.

ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયનાં સંયુક્ત સચિવ પરિમલ શાહને અચાનક પાણીચું આપી દેવાયું હતું. પરિમલ શાહની પત્રિકાકાંડમાં સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જોકે ધુમાડો નીકળે છે કે, આગ ચોક્કસ જ હશે એવું કહી શકાય. મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠેલા માણસની પક્ષનાં હોદ્દેદારો અને સરકાર વિરુદ્ધ પત્રિકાકાંડમાં સંડોવણી હોવાની દિવસો પછી જાણ થાય એ કેવી રીતે શક્ય બને? મતલબ કે મુખ્યમંત્રી કાર્યાલયનું આઈ.બી. તંત્ર ઘોરતું રહ્યું હતું. પરિમલ શાહ પૂર્વે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પાસેથી પણ રાજીનામું લઈ લેવાયું હતું એ પૂર્વે વડોદરામાં, રાજકોટમાં અને સુરતમાં પણ પત્રિકાકાંડ સર્જાયા હતા અને ખુદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને નિશાન બનાવાયા હતા. પરંતુ પત્રિકાકાંડ ઊભુ કરનાર ખેલાડીઓ માટે સી.આર. પાટીલ માથાના નીકળ્યા હતા.

પરંતુ એક વાત ચોક્કસ છે કે, ભાજપની છાવણીમાં દેખાય છે એટલી શાંતિ નથી અને શિસ્ત પણ નથી. ભાજપના જ ઘણા લોકોને વર્તમાન વ્યવસ્થા સામે વાંધો છે અને એટલે ટોચના નેતૃત્વ સુધી પોતાનો વિરોધ પહોંચાડવાનું સીધી રીતે શક્ય નહીં બનવાથી પત્રિકાકાંડ અને વીડિયોકાંડ જેવા હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. આવા અસંતુષ્ટોને પકડીને કોઈક ચોક્કસ ટોપલામાં પુરવામાં નહીં આવે તો ગુજરાતમાં ભાજપની એકપણ સરકારને પોતીકા લોકો જ સ્થિર ચાલવા દેશે નહીં. ભાજપ નેતાગીરીએ વિપક્ષ કરતાં પોતીકા પક્ષનાં વિપક્ષ (વિરોધી) ઉપર નજર રાખવાની જરૂર છે. બધાં જ નરેન્દ્ર મોદી બની શકે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિમાંથી બોધપાઠ ચોક્કસ લઈ શકે અને બોધપાઠ લેવાની પણ ક્ષમતા નહીં હોય તો ગમે તેવા સક્ષમ નેતાને ગાદીએ બેસાડવામાં આવશે તોપણ પોતીકા પક્ષના વિરોધીઓ શાંતિથી સરકાર ચાલવા દેશે નહીં.

અને હવે તો દેશભરના વિપક્ષો પણ એક થયા છે, એવા કપરા સમયમાં ભાજપની નેતાગીરી સક્ષમ નેતૃત્વ નહીં કરી શકે તો ભાજપના અસ્તિત્વને ભુંસાતા વાર નહીં લાગે અને એવું થશે તો એક દિવસ ભાજપની છાવણી છોડીને ભાજપના જ લોકો વિપક્ષની છાવણી તરફ દોડી રહ્યાં હશે.

ગુજરાત ભાજપની નેતાગીરી પત્રિકાકાંડ, વીડિયોકાંડનાં બે-ચાર લોકોને પકડીને બેસી રહેશે તો ઉકેલ નહીં આવે, પરંતુ આવા કાંડોના સર્જકોને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા સાથે સંપૂર્ણ સફાયો કરવો પડશે.

આ પણ વાંચો :-