રાજસ્થાનનાં કોટામાં ચાર-ચાર વિદ્યાર્થીઓનાં આપઘાત ! સંતાનોને ડોક્ટર, ઈજનેર બનાવવાની ઘેલછા કારણભૂત

Share this story
  • માત્ર સામાજિક પ્રતિષ્‍ઠા માટે થઈને સંતાનની કુદરતી રૂચિની વિરુદ્ધ જઈને કૃત્રિમ માર્ગે લઈ જવાથી આવા માઠા પરિણામ જ આવી શકે.
  • કોટા શિક્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. પરંતુ આધુનિક કોચિંગ સેન્ટરોની ક્ષમતા ભાગ્યે જ કોઈ તપાસ કરતું હતું.
  • આપઘાત કરીને મોતને ભેટેલા માત્ર ૧૭, ૧૮ વર્ષનાં બાળકો પરિવારથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં હતાં અને એકનાં એક સંતાન હતાં !
  • ૯૦ ટકા ઉપરાંત માર્ક લાવતી એક વિદ્યાર્થિનીએ પણ આપઘાત કરી લીધો, કારણ તેમણે પોતાની નહીં પરિવારની ઈચ્છાથી સાયન્સમાં પ્રવેશ લીધો હતો. પરંતુ તેની ઈચ્છા જુદી જ હતી.

પરિવારની સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવવાની ઘેલછા અને સારા નંબર્સ લાવવાનો આગ્રહ કાચી વયના સંતાનો માટે કેટલો જોખમી પુરવાર થાય છે એ ગત દિવસોમાં રાજસ્થાનનું (Rajasthan) શિક્ષણનું સેન્ટર ગણાતા કોટામાં એક વિદ્યાર્થિની સહિત ચાર વિદ્યાર્થીઓએ કરેલી આત્મહત્યાની ઘટનાએ પુરવાર કરી બતાવ્યું છે બાળકના કુદરતી વિકાસને જ્યારે બળજબરીથી કૃત્રિમ વિકાસનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે બાળકો કોઇને કોઇ વિકૃતિનો શિકાર બને છે.

આજકાલ દરેક પરિવાર એવું ઇચ્છે છે કે તેમનું સંતાન મેડિકલ (Medical) અથવા તો ઈજનેરી ક્ષેત્રમાં (Engineering field) જવો જોઇએ પરંતુ બાળકને ઉચ્ચ શિક્ષણ અપાવવાની ઘેલછામાં પરિવાર એ વાત ભુલી જાય છે કે કુદરતે તેમના સંતાન માટે શું નિર્માણ કર્યું છે. પરંતુ પ્રતિષ્‍ઠાની હોડમાં સંતાનના કુદરતી વિકાસને નજર અંદાજ કરવામાં આવે છે. અભ્યાસના વધારે પડતા ભારણને કારણે વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ છાશવારે બનતી રહે છે પરંતુ થોડા દિવસની ચિંતા અને ચર્ચા બાદ બધુ જ ભુલી જવાય છે અને શિક્ષણનો વેપલો ફરી ધમધમતો થઇ જાય છે.

અહિંયા સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે શાળા, કોલેજોમાં ભણાવવામાં આવતા જ વિષયો ખાનગી ટ્યુશન કલાસીસમાં ભણાવવામાં આવે છે એજ ટેક્સ બુક અને એજ વિષય જો ભણાવવાના હોય તો, શાળા, કોલેજોમાં ખરેખર શું ભણાવવામાં આવે છે? આ સમસ્યા આજની નથી ભૂતકાળમાં પણ આ વિષયો ઉપર અનેક વિવાદ ઉભા થયા હતા અને ત્યાર પછી પણ વિદ્યાર્થીઓના આપઘાતનો સિલસિલો અટક્યો નથી. ખરેખર તો પ્રાઇવેટ ટ્યુશન કલાસીસને તાળા મારી દેવા જોઇએ. પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ એ કોઇ સરકાર માન્ય શિક્ષણ સંસ્થાઓ નથી વળી ઘણાં કિસ્સામાં આવા ટ્યુશન કલાસીસના શિક્ષકોનું બાળકોને ભણાવવાનું લેવલ સાવ તળિયાનું હોય છે. પરંતુ ટ્યુશન કલાસીસમાં ઉભી કરવામાં આવતી ભૌતિકતા અને કુદરતી રીતે જ હોશિયાર વિદ્યાર્થીઓના પરિણામ પોતાના નામે ચઢાવીને વેપલો વર્ષોથી ચાલી રહ્યો છે.

વહેલી સવારે અને મોડી રાત સુધી ચાલતા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા બાળકો સાથે ભૂતકાળમાં અનેક વખત અત્યંત આઘાતજનક ઘટનાઓ બનવા પામી છે પરંતુ ત્યાર પછી પણ આવી આઘાતજનક ઘટનાઓ રોકવામાં કે ટ્યુશન કલાસીસના લાખો કરોડોના વેપારને બંધ કરાવવાની એક પણ સરકારે હામ ભીડી નથી બલ્કે વધુને વધુ ટ્યુશન કલાસીસના નામે વેપારની હાટડીઓ ખુલ્લી રહી છે.

સુરતમાં ભૂતકાળમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટના બાદ વહેલી સવારના અને મોડી રાત સુધી ચાલતા ટ્યુશન કલાસીસના સમય ઉપર પાબંધી મુકવામાં આવી હતી પરંતુ ફરી પાછી બધુ જ રાબેતા મુજબ ધમધમતુ થઇ ગયું છે.

ખેર, રાજસ્થાનનું કોટા ઉચ્ચ શિક્ષણ માટેનું ‘હબ’ ગણવામાં આવે છે. અહિંયા, મેડિકલ, ઇજનેરી, આઇટી અને સનદી સેવામાં જોડાવાની ઘેલછા સાથે લાખો વિદ્યાર્થીઓનો પ્રવાહ પ્રતિવર્ષ કોટા તરફ વહેતો રહે છે અને પરિવારો પણ બાળકને કોટામાં એડમિશન અપાવ્યું હોવાનું ગૌરવ અનુભવતા રહે છે ઘણા પરિવારો તો એવા પણ છે કે સંતાનો ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે કોટામાં મકાન ખરીદીને બાળકનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધી પડાવ નાંખે છે!

અલબત્ત બાળકમાં કુદરતી રૂચિ હોય અને મેડિકલ કે ઇજનેરીમા જાય તેની સામે વાંધો હોઇ શકે જ નહી પરંતુ બાળક ઉપર ડોકટર કે ઇજનેર બનવા માટે બળજબરી કરવામાં આવે ત્યારે આપઘાત જેવી કરૂણ ઘટનાઓ બનતી જ રહેવાની. કોટામાં ૧૭ થી ૧૮ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવતર ટુંકાવી લીધા હતા, વળી આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ પરિવારોનું એકનું એક પુરુષ સંતાન હતા. જ્યારે એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પૂર્વે લખેલો પત્ર (સ્યુસાઇડનોટ) ધ્રુજી જવાય એટલો વેદના સભર અને બાળકને રૂચિથી વિરૂધ્ધ જઇને ડોકટર કે ઇજનેર બનાવવાની ઘેલછા કેટલી ખતરનાક પુરવાર થાય તેની હૃદયદ્વાવક વાતો લખી હતી.

બે દિવસ પહેલા હોસ્ટેલમા પોતાના રૂમમા આપઘાત કરી લેનાર અંકુશ આનંદ (ઉ.વ.૧૭) ઉજ્જવલ (ઉ.વ.૧૮) આ બન્ને બિહારના વતની હતા જ્યારે પ્રણવ વર્મા (ઉ.વ.૧૭) મધ્યપ્રદેશનો વતની હતો આ ત્રણે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કોટામાં અભ્યાસ કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પરિવારોએ આકરી ફી પણ ચૂકવી હતી પરંતુ સામાજિક પ્રતિષ્‍ઠાના મોહમાં પરિવારો એ વાત ભુલી ગયા હતા કે તેમના સંતાનોમા કુદરતે કઇ ક્ષમતાનુ નિરૂપણ કર્યું છે. કુદરતના ક્રમની અવગણના કરીને સંતાનોને ડોકટર, ઇજનેર બનાવવાની ઘેલછાએ સંતાનોને જ છીનવી લીધા હતા.

kota story photo

આ તરફ માત્રને માત્ર ધંધાદારી હેતુ સાથે શિક્ષણનો વેપાર કરતી સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિનો અભ્યાસ કર્યો નહીં જ હોય અન્યથા બાળકોએ આપઘાતનો માર્ગ પસંદ કર્યો જ ન હોત.

આ ઉપરાંત એક કૃતિ નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પૂર્વે તેમણે પરિવારને સંબોધીને લખેલી સ્યુસાઇડ નોટ ખરેખર હૃદયદ્રાવક હતી. કૃતિનો એક એક શબ્દ આંખ ખોલનારો હતો પરંતુ ચાર ચાર વિદ્યાર્થીઓના આપઘાતની ઘટના પછી પણ કોટામાં શિક્ષણનો વેપાર બંધ થઇ જશે એવું માનવાને કોઇ જ કારણ નથી. કારણ કે શિક્ષણના વેપારમાં એક નહી અનેક રાજકારણીઓની પણ હિસ્સાદારી હોવાનું માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ભારોભાર અનુકંપા ધરાવે છે. દિકરીઓને શિક્ષિત કરવા માટે તેઓ સતત આગ્રહી રહ્યાં છે. પરંતુ ચાર ચાર વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓની વાત તેમના કાન સુધી પહોંચી હશે કે કેમ? તેની સામે પણ શંકા છે.

દર વખતે બનતુ આવ્યું છે તેમ માનવ અધિકાર આયોગના લોકોએ રાજ્ય સરકારને પત્ર પાઠવીને ઘટના અંગે જવાબ માંગ્યો છે. અને કોટા શહેરની મુલાકાતે જનાર હોવાનુ પણ જણાવ્યું છે પરંતુ માનવ અધિકાર આયોગ આનાથી કંઇ વધુ કરી શકે કે વ્યવસ્થામા પરિવર્તન લાવી શકે કે શિક્ષણના વેપાર ઉપર નિયંત્રણ લાવી શકે એવું કંઇજ બનવાનું નથી.

ભૂતકાળમાં પણ વિદ્યા‌િર્થનીઓ ઉપર બળાત્કાર, છેડતી, હત્યા, અપહરણ જેવી ઘટનાઓમા માનવ અધિકાર પંચે નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાનુ યાદ નથી. આમ પણ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવાથી કેન્દ્ર સરકાર પણ દાખલારૂપ હસ્તક્ષેપ કરે તેવી આશા રાખવાનું શક્ય નથી.

તમારી પ્રતિષ્‍ઠા માટે બાળકનાં ભોળપણાનો ફાયદો ઉઠાવો નહીં :

  • સરકાર ઈચ્છતી હોય કે કોઈ બાળક આપઘાત કરે નહીં, તો કોચિંગ ક્લાસ તત્કાળ બંધ કરાવે.
  • કોટામાં આપઘાત કરનાર વિદ્યાર્થિની કૃતિ ત્રિપાઠીની હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ.
  • કોચિંગ વિદ્યાર્થીઓને નબળા બનાવે છે, બાળકો બોજ હેઠળ દબાઈને આપઘાત કરવા તરફ વળે છે, ૯૦+ માર્ક હોવા છતાં હું આપઘાત કરી રહી છું તો બીજા બાળકોની હાલત કેવી હશે?

કોટામાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થિની કૃતિએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “હું ભારત સરકાર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કહેવા માંગુ છું કે જો તેઓ ઈચ્છે છે કે કોઈ બાળકનું મૃત્યુ ન થાય તો, શક્ય તેટલું જલ્દી તેઓએ આ કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ. આ કોચિંગ વિદ્યાર્થીઓને નબળા બનાવે છે. એમના પર ભણતરનું એટલું દબાણ હોય છે કે બાળકો એના બોજ હેઠળ દટાઈ જાય છે.

કૃતિએ લખ્યું છે કે તે કોટામાં ઘણા વિદ્યાર્થીઓને ડિપ્રેશન અને સ્ટ્રેસથી આત્મહત્યા કરતા રોકી શકી હતી પરંતુ તે પોતાની જાતને રોકી શકી નથી. ઘણા લોકો માનશે નહીં કે મારા જેવી 90+ માર્ક્સ ધરાવતી છોકરી પણ આત્મહત્યા કરી શકે છે, પરંતુ મારા મન અને હૃદયમાં કેટલી નફરત છે તે હું તમને સમજાવી શકું એમ નથી.

તેની માતાને ઉદ્દેશીને તેણે લખ્યું છે, “તમે મારા બાળપણનો અને બાળક હોવાનો ફાયદો ઉઠાવ્યો અને મને વિજ્ઞાન પસંદ કરવા દબાણ કરતાં રહ્યાં. હું પણ તમને ખુશ કરવા માટે વિજ્ઞાનનો અભ્યાસ કરતી રહી. મને ક્વોન્ટમ ફિઝિક્સ અને એસ્ટ્રોફિઝિક્સ જેવા વિષયો ગમવા લાગ્યા અને હું ફક્ત તેમાં જ બીએસસી કરવા માંગતી હતી. હું તમને કહી દઉં કે આજે પણ મને અંગ્રેજી સાહિત્ય અને ઈતિહાસ ગમે છે કારણ કે એ મને મારા અંધકારભર્યા સમયમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થાય છે.”

કૃતિએ તેની માતાને ચેતવણી આપતાં લખ્યું છે કે, ‘11મા ધોરણમાં ભણતી નાની બહેન સાથે આ પ્રકારની ચાલાકી અને બળજબરીભર્યું કૃત્ય ન કરજો. તે જે બનવા માંગે છે અને જે ભણવા માંગે છે એ તેને કરવા દેજો કારણ કે તે તેમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે, જેને તે પસંદ કરે છે.

સ્પર્ધામાં આપણે આપણાં બાળકોનાં સપનાં છીનવી રહ્યાં છીએ. આજે આપણે આપણા પરિવારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છીએ કે ફલાણાના દીકરા-દીકરી ડોક્ટર બની ગયા તો આપણે પણ આપણાં સંતાનોને ડોક્ટર બનવવાં છે. જો ફલાણાના દીકરી-દીકરો સીકર/કોટા હોસ્ટેલમાં હોય, તો આપણે પણ ત્યાં જ ભણાવીશું, પછી બાળકના સપના ગમે તે હોય… અમે અમારા સપના તેમના પર લાદીને જ રહીશું.

PHOTO-2022-12-16-18-00-48 (1)

આજે આપણી શાળાઓ (કોચિંગ સંસ્થાઓ) બાળકોને પારિવારિક સંબંધોનું મહત્વ શીખવી શકતી નથી, શાળાઓ બાળકોને નિષ્ફળતાઓ કે સમસ્યાઓ સામે લડતા શીખવવા માટે પણ સક્ષમ નથી. તેમના મનમાં એકબીજા માટે માત્ર સ્પર્ધાની લાગણીઓ ભરવામાં આવે છે, જે તેમનાં જીવનમાં ઝેર ફેલાવી રહી છે. જે નબળો છે તે આત્મહત્યા કરી રહ્યો છે અને જે થોડો મજબૂત છે તે નશા તરફ આગળ વધી રહ્યો છે.

જ્યારે આપણા બાળકો નિષ્ફળતાઓથી ભાંગી પડે છે, ત્યારે તેઓ જાણતા નથી કે તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ. આ નિષ્ફળતાથી તેમનું કોમળ હૃદય તૂટી જાય છે, જેના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. વાલીઓને વિનંતી છે કે તમારા બાળકોની નિષ્ફળતાને તેમની નબળાઈ ન બનવા દો. જીવન ખૂબ જ કિંમતી છે, જેમાં શિક્ષણ આજીવિકા કમાવામાં માત્ર એક ટકો ભૂમિકા જ ભજવે છે.