Wednesday, Jun 10, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યાં અભિનંદન

3 Min Read

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થયાનું મુખ્યમંત્રીએ કહ્યું,તો દેશની જનતાએ કહ્યું ‘મોદી હૈ તો મુમકીન હૈ’

ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના જનકલ્યાણને સમર્પિત કાર્યકાળના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકો વતી તેમને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને પત્ર લખીને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે, તેમજ દેશના સર્વાંગી વિકાસ, સુશાસન અને લોકકલ્યાણ માટે તેમના સતત યોગદાનની પ્રશંસા કરી છે.

વિકાસની સ્પીડ અને સ્કેલ જોઇને જન-જન બોલ્યા ‘મોદી હૈ તો મુમકીન હૈ’

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રીનો 12 વર્ષનો કાર્યકાળ વિશ્વભરમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનાર રહ્યો છે. તેમના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર જેવાં કડક પગલાંઓ થકી ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપેલો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ નો કાર્યમંત્ર આજે રાષ્ટ્રીય સંકલ્પ બન્યો છે. વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જોઇને આદે દેશમાં જન-જન બોલી રહ્યાં છે કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે જન-જન સુધી પહોંચાડવામાં આવી છે. દેશમાં પહેલી વખત ‘ઇઝ ઑફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ છે.

ગુજરાતને મળ્યું ડબલ એન્જિન સરકારનું બળ

મુખ્યમંત્રીશ્રીએ પત્રમાં ગુજરાતને વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વને જે લાભ મળ્યો છે, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી તરીકેનું દાયિત્વ સંભાળતાની સાથે જ ગુજરાતને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને આ 12 વર્ષો દરમિયાન અનેક ઐતિહાસિક ભેટ આપી છે. વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં નર્મદા યોજના આડેના અવરોધો દૂર કરી ગેટ મૂકવાની પરવાનગી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી, કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, મોઢેરા સોલાર વિલેજ, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વગેરે જેવી ભેટ થકી ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.

લોથલ મેરિટાઇમ હેરિટેડ કોમ્પ્લેક્સ, સોમનાથ સ્વાભિમાન પર્વ, દ્વારકા, સોમના, અંબાજી કોરિડોર, પાવાગઢ મહાકાળી ધામનો પુનઃવિકાસ અને વડનગર આર્કિયોલોજીકલ મ્યુઝિયમ થકી ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ પત્રમાં જણાવ્યું છે કે, દેશ આજે જ્યારે ‘વિકસિત ભારત @2047’ના મહાસંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાત પણ “વિકસિત ગુજરાત”ના લક્ષ્યને સાકાર કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવાનો સંકલ્પ સિદ્ધ કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીએ સહુ ગુજરાતીઓ વતી 12 વર્ષના સફળ સુશાસન માટે વડાપ્રધાનશ્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

Share This Article