ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Share this story

મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરતાં ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે. મહત્વનું છે કે, ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના ૧૬ કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

ભારત સરકારે મ્યાનમાર સરહદ પર વાડ બાંધવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે. દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યાનમારની સરહદે આવેલા ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવી રાખવા માટે આ વ્યવસ્થાને નાબૂદ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર કહ્યું કે, PM મોદીનો સંકલ્પ છે કે,આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે. આ નિર્ણય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે,ભારત મ્યાનમાર સાથેની સમગ્ર ૧૬૪૩ કિલોમીટર લાંબી સરહદ પર વાડ કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવશે.

મહત્વનું છે કે, મણિપુરમાં કુકીઓ અને બહુમતી મેતૈઈ વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે. સરહદ પર વાડ લગાવવી એ ઇમ્ફાલ ખીણના મેતૈઈ જૂથોની વારંવાર માંગ છે, જેઓ આરોપ લગાવતા રહ્યા છે કે,આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે. મેતૈઈ જૂથો એવો પણ આક્ષેપ કરે છે કે, વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-