દિલ્હીમાં મેટ્રો સ્ટેશનનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, ચાર ઘાયલ

Share this story

આજે સવારે દિલ્હીના ગોકુલપુરી મેટ્રો સ્ટેશનનો એક ભાગ ધરાશાયી થઇ જતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો સ્ટેશન પરથી સિમેન્ટ અને સ્ટીલનો કાટમાળ પડવાને કારણે એક બાઈક સવાર વ્યક્તિનું મોત થયું છે જયારે ચાર ઈજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે કેટલીક બાઇક પણ દટાઇ ગઇ છે, જેને બહાર કાઢવામાં આવી રહી છે. રેસ્ક્યુ ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકની ઓળખ કરાવલ નગરના રહેવાસી ૫૩ વર્ષીય વિનોદ કુમાર તરીકે થઈ છે.

ફાયર વિભગના કર્મચારીઓએ કાટમાળ નીચે દટાયેલા બે લોકોને બચાવ્યા અને તેમને જીટીબી હોસ્પિટલ લઈ ગયા. અન્ય બે વ્યક્તિઓને બચાવ ટીમના આગમન પહેલા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલ તમામની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં કેટલીક બાઇકને પણ નુકસાન થયું હતું. ગોકુલપુરી બચાવ દળના એક યુનિટને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યું છે કારણ કે સ્લેબનો એક ભાગ હજુ પણ ત્યાં લટકી રહ્યો છે.

આ દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ કાટમાળ નીચે દટાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ એક વ્યક્તિ તેના સ્કૂટર પર સવાર થઈને બીજે જઈ રહ્યો હતો ત્યારે ઉપરથી તેના પર કાટમાળ પડ્યો હતો. ૩ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સારવાર દરમિયાન એકે જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ તાત્કાલિક ધોરણે JCB અને ક્રેનની મદદથી કાટમાળના ઢગલાને હટાવવામાં આવ્યો હતો.

નોર્થ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે આ મામલે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાશે અને વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ દુર્ઘટના બાદ નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે કારણ કે પિંક રૂટ મેટ્રોના નવા રૂટ પૈકીનો એક છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે રોડ પર કાટમાળ પડ્યો છે અને જેસીબી કાટમાળ હટાવી રહી છે. દુર્ઘટના બાદ DMRCએ શિવ વિહાર અને ગોકુલપુરી વચ્ચેના આ માર્ગ પર મેટ્રોનું સંચાલન અટકાવી દીધું હતું.

આ પણ વાંચો :-