રાજસ્થાનના ભરતપુરમાં મોટી દુર્ઘટના : અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત, ૧૨ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Share this story
  • ગુજરાતથી મથુરા તરફ જઈ રહેલી બસને રાજસ્થાનમાં નડયો અકસ્માત, બસમાં સવાર ૧૧ લોકોના કરૂણ મૃત્યુ, ૧૨ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં સવાર ૧૧ મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ૧૨ જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા તરફ જઈ રહી હતી. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગ્રા હાઈવે પર આવેલા હંતારા પુલ પર બસ ખરાબ થઈ ગઈ હતી. જેથી બસના ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બસનું રિપેરિંગ કામ શરૂ કર્યુ હતું. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બસને ધડાકાભેર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસમાં સવાર ૧૧ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની અંગેની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસનું કહેવું છે કે આ અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગરથી મથુરા જઈ રહી હતી બસ :

પોલીસે જણાવ્યું કે, આ બસ ગુજરાતના ભાવનગરથી મથુરા તરફ જઈ રહી હતી. આ અકસ્માત સવારે ૫ વાગ્યાની આસપાસ સર્જાયો હતો. મૃતકોમાં ૬ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ૧૨ જેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :-