ભૂપેન્દ્ર પટેલની સરકારના બે વર્ષ પૂર્ણ પરંતુ દાદાએ હવે ખરેખર ‘દાદા’ બનવું પડશે

Share this story
  • ગુજરાતના લોકોએ ભૂતકાળમાં વાઘ જેવા નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયા છે એટલે સ્વભાવિક ‘દાદા’ પાસે પણ એવીજ અપેક્ષા હોય શકે.
  • સિંહાસન ઉપર બેઠા પછી ફૂંફાડો મારતા તો આવડવું જ જોઈએ અન્યથા ચોકીદારને પણ ગાદીએ બેસવાનું મન થઈ આવે !
  • વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, ખેતીવાડી સહિત ચારે તરફ વિકાસના નવા આયામ ઉપરાંત ઓબીસી વર્ગને ૨૭ ટકા અનામત આપીને ભૂપેન્દ્ર પટેલે બે વર્ષમાં અનેક મહત્ત્વના નિર્ણયો કર્યા.
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું પીઠબળ પણ ભૂપેન્દ્ર પટેલની સરકારના મક્કમ નિર્ણયો માટે ચરિતાર્થ પુરવાર થયું.

ગુજરાતના શાંત, સૌમ્ય, મૃદુભાષી અને ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બે વર્ષ પૂર્ણ કરી રહી છે. વિપરીત સ્થિતિમાં પણ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં માહિર પુરવાર થયેલા ભૂપેન્દ્ર પટેલે તેમની વહીવટી કુશળતા સામેની તમામની શંકાઓ ખોટી પાડવા સાથે ગુજરાત સરકારના મક્કમ સુકાની તરીકે પોતાની જાતને પુરવાર કરી છે અને ગુજરાતને વિકાસના પંથે આગળ લઈ જવામાં મજબૂત નેતૃત્વ પૂરુંં પાડયું છે.

ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની પ્રથમ ટર્મ એટલે કે વિજય રૂપાણીને દૂર કરીને તેમની નિયુક્તિ કરવામાં આવી ત્યારે સાવ અજાણી વ્યક્તિની નેતાગીરી પસંદગી કરતા ખુદ ભાજપના લોકોએ આશ્ચર્ય સાથે આંચકો અનુભવ્યો હતો. ભાજપની છાવણીમાં ભૂપેન્દ્ર પટેલનું નામ સાવ અજાણ્યું નહોતું. પરંતુ ચર્ચામાં પણ નહોતુ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાવ અચાનક અને કોઈની પણ ધારણા વગર ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરીને ભાજપના આગલી હરોળના નેતાઓને પણ આશ્ચર્યચ‌િકત કરી દીધા હતા, પરંતુ ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની કસોટી હતી.

ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે વરણી કરાયા બાદ તેમની ઉપર અનેક પ્રકારના અંકુશ મૂકવામાં આવ્યા હતા અને પરિણામે તેઓ તેમની કાર્યક્ષમતા ખૂલીને દર્શાવી શકતા નહોતા, બલ્કે એવું કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ એક રબ્બર સ્ટેમ્પ બનીને  કામ કરી રહ્યા હતા. કદાચ ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ બીજો કોઈ નેતા હોત તો મુખ્યમંત્રીની ખુરસી ખાલી કરીને ચાલતી પકડી હોત. પરંતુ દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલે પક્ષના નેતૃત્વએ તેમને સોંપેલી જવાબદારી વિના મીનમેખ નિભાવી હતી. અલબત્ત આ દિવસો દરમિયાન પણ ભૂપેન્દ્ર પટેલ ‘સત્તામોહ’થી દૂર રહ્યા હતા. તેમણે સત્તાને ક્યારેય પણ સર્વોપરી સમજી નહોતી અને ઈશ્વરને આગળ રાખીને તેઓ સામે આવેલા સંકટો, બંધનોને પાર કરી ગયા હતા.

૨૦૨૧ના વર્ષમાં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પક્ષના ટોચના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભૂપેન્દ્ર પટેલની પડખે આવીને ઊભા રહી ગયા હતા અને સમગ્ર ઇલેકશન ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી બનશે એવી જાહેરાત કરવા સાથે લડાયું હતું અને ગુજરાતની પ્રજાએ જાહેરસભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂપેન્દ્ર… નરેન્દ્ર… ના નામથી બૂમો પાડતા સાંભળ્યા હતા. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકોની જંગી વિરાટ બહુમતી સાથે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રીની ગાદીએ બેસાડવા સાથે તેઓ ભૂપેન્દ્ર પટેલ સાથે હોવાનો અખૂટ વિશ્વાસ સાથે ભરોસો આપી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્યનો વિકાસ અને લોક કલ્યાણના કામમા જોતરાઈ જવાના અનુરોધ કરવા સાથે છુટો દોર આપી દીધો હતો.

અને વિતેલા બે વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે પણ વહીવટી કુશળતા પુરવાર કરી બતાવી. બે વર્ષના શાસનના અંતે ગુજરાતના લોકોને ગુજરાતના મુખ્યમંત્રીની ગાદીમાં પોતીકું વ્યક્તિત્વ બેઠું હોય એવો અહેસાસ થઇ રહ્યો છે.

રાજ્યના છેવાડાના ગામડાથી શરૂ કરીને મહાનગરો સુધી માળખાગત સુવિધાઓમાં પ્રગતિ થવા સાથે છેવાડાના મજૂરથી શરૂ કરીને નોકરિયાત વર્ગ અને ઉદ્યોગગૃહોને પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોઈ જ ફરિયાદ નથી. વૈશ્વિક મંદી છતાં લગભગ દરેક ક્ષેત્રના લોકો, પરિવારો બે પાંદડે થવા સાથે અવરોધ વગર કામધંધો કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે પછાત વર્ગના પરિવારો એટલે કે ઓબીસી વર્ગના લોકોને જાહેર વહીવટ એટલે કે ગ્રામ પંચાયતથી શરૂ કરીને વિધાનસભા સુધીની બેઠકોમાં ૨૭ ટકા અનામત આપીને ઓબીસી વર્ગના પરિવારને સરકાર અને સ્થાનિક પંચાયતો, પાલિકાઓના વહીવટમાં મહત્ત્વના ભાગીદાર બનાવવાનો ખૂબ મોટો નિર્ણય કર્યો હતો. માતૃભાષાને પ્રોત્સાહન આપવા ધોરણ ૧ થી ૮ સુધી ફરજિયાત ગુજરાતી ભાષામાં શિક્ષણનો નિર્ણય જાહેર કરીને ગુજરાતી ભાષા અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોને તાલીમથી શરૂ કરીને સાત લાખ એકર જમીનના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં સફળ રહ્યા હતા. પ્રાકૃતિક ખેતી ભવિષ્યમાં લોકોના આરોગ્ય માટે ખૂબ મોટી ફાયદાકારક પુરવાર થશે. જો વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો બની શકે કે લોકોની ખોરાકને કારણે થતી મોટાભાગની બીમારીઓ દૂર થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય હાલના તબક્કે કદાચ લોકો નજરઅંદાજ કરી રહ્યા હશે. પરંતુ ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી ગુજરાત માટે ગૌરવ લઇ શકાય એવી સિદ્ધિ પુરવાર થશે. આ ઉપરાંત વેપાર-ઉદ્યોગને મોકળુ મેદાન, કારખાના સતત ધમધમતા રાખવા વિક્ષેપર‌િહત વીજળી પુરવઠો પૂરો પાડવા માળખાગત સુવિધા, વધુ વીજ-ઉત્પાદન, સોલાર અને વિન્ડમિલ પાવર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં વીજળી પુરવઠાની હાલત અન્ય રાજ્યો કરતાં વધુ બહેતર બની છે. વળી તાજેતરમાં સુરત જિલ્લાના કાકરાપાર ખાતે અણુ આધારિત વીજમથકમાં ૭૦૦ મેગાવોટ વીજળી પેદા કરતું ત્રીજું યુનિટ કાર્યરત કરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વેપાર-ઉદ્યોગના રોકાણ લાવવા શરૂ કરેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પરંપરાને આગળ ધપાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવો ચીલો ચાતરીને વાયબ્રન્ટ સમિટ પહેલાં જ રોકાણકારો સાથે એમઓયુ કરીને આવનારા રોકાણને ચોક્કસ કરી લીધું હતું. અત્યાર સુધીમાં લગભગ ૧૨૦૦૦ કરોડના રોકાણના એમઓયુ થઈ ચૂક્યા છે અને હજુ આવનારા દિવસોમાં વધુ કરારો કરવામાં આવશે. આજે મંગળવાર તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ વધુ રૂપિયા ૪૦૦૦ કરોડના રોકાણના સાત એમઓયુ કરવામાં આવ્યા.

આવી તો અનેક સિદ્ધિઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષ દરમિયાન હાંસલ કરીને ઉચ્ચ નેતૃત્વએ મૂકેલા વિશ્વાસને ચરિતાર્થ કરી બતાવ્યો છે.

પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતની પ્રજાએ ભૂતકાળમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે કામ કરતા જોયા હોવાથી હવે સ્વભાવનો શાંત ‘માણસ’ ગુજરાતની પ્રજાને ક્યાંક ને ક્યાંક અલગ લાગે છે. ભૂપેન્દ્ર પટેલ સોમ્ય છે, શાંત છે, મૃદુ છે અને સરળ પણ છે પરંતુ ગુજરાતના લોકો આ બધુ પચાવી શકતા નથી. ગુજરાતના લોકોને પથ્થરમાં લાત મારીને પાણી કાઢતો મુખ્યમંત્રી જોવો ગમે છે. કારણ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીના હજુ ચારે તરફ પડઘા પડી રહ્યા છે.

bhupendra-patel-govt

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવવાના હોય તેના દિવસો પહેલા તૈયારીઓ થઈ જતી હતી. કેટલાક અધિકારીઓની ઊંઘ પણ હરામ થઇ જતી હતી. ગુજરાતના લોકો આવી ઘટનાઓથી ટેવાઈ ગયા હોવાથી ભૂપેન્દ્ર પટેલ પાસે પણ આવી જ અપેક્ષા રાખી રહ્યા છે.

સજ્જન, નિખાલસ અને વિનમ્ર હોવું એ કોઇ નબળી વાત નથી બલ્કે આવા લક્ષણો સુસંસ્કારી વ્યક્તિમાં જ હોઇ શકે, પરંતુ રાજાની ખુરશીમાં બેઠા પછી ફુંફાડો મારતા પણ ન આવડે તો એક દિવસ ચોકીદારને પણ ગાદીએ બેસવાનું મન થઇ જાય એ સ્વભાવિક છે.

કદાચ ભૂપેન્દ્ર પટેલના સમર્થકો નહીં માને, પરંતુ ગુજરાતના અધિકારીઓના માનસપટમાંથી નરેન્દ્ર મોદીનો ભય હજુ ઓસર્યો નથી. આ ભયના કારણે પણ મેલી મથરાવટી અને મેલી મુરાદ ધરાવતા  અધિકારીઓ ‘‘લક્ષ્મણરેખા’’ ઓળંગવાની હિંમત કરી શકતા નથી. માત્ર અધિકારીઓ જ નહીં, પક્ષના અને સરકારમાં બેઠેલા લોકોને પણ નરેન્દ્ર મોદીના નામનો ભય સતાવી રહ્યો છે. અન્યથા ભૂપેન્દ્ર પટેલને ઉથલાવવાના ક્યારના પ્રયાસ ચાલુ થઈ ગયા હોત.

ખેર, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મના પ્રથમ બે વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. વીતેલા બે વર્ષના વહીવટમાં કોઇપણ ક્ષેત્રે એક ટકો પણ ઓછો આપી શકાય તેમ નથી. બલ્કે દિવસે-દિવસે ભૂપેન્દ્ર પટેલનું કલેવર બદલાઈ રહ્યું છે. થોડી હિંમત કરતા પણ થઈ ગયા છે કોઈ નારાજ થઈ જશે એવો ભય ક્રમશઃ તેમનામાંથી દૂર થઈ ગયો છે પરંતુ કોઇ નારાજ થઇ જશે એવો ભય નામશેષ થઇ જશે તે દિવસે ભૂપેન્દ્ર પટેલ ખરા અર્થમાં ‘દાદા’ પુરવાર થશે. અને ખરેખર કસોટી તો આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે આવી રહી છે.

ગુજરાતમાં ભાજપનો સિક્કો અણનમ છે પરંતુ દેશભરમાં વિપક્ષો એક થઈને નરેન્દ્ર મોદી સામે મોરચો માંડી ચૂકયા છે ત્યારે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને અણનમ રાખવા ભૂપેન્દ્ર પટેલે પણ કમર કસવી પડશે. પરંતુ ત્યાર પહેલા ઘરઆંગણે સરકારમાં અને પક્ષના નેતૃત્વમાં મજબૂત થવું પડશે.

ભૂપેન્દ્ર પટેલે એ પણ યાદ રાખવું જોઈએ કે નરેન્દ્ર મોદી પણ ઘણી વખત કહે છે, ‘મે ઝોલા લે કે નીકલ પડુગા’ પરંતુ વહીવટમાં ક્યારેય ઝોલા લઈને નીકળ્યા નથી. રાજસિંહાસન પર બેઠા પછી એક રાજાને છાજે એ રીતે પુરી મક્કમતા સાથે કઠોર અને જરૂર પડે ત્યાં મૃદુ નિર્ણય કરવા જોઈએ.

આ પણ વાંચો :-