Asia Cup 2023 : IND vs PAK મેચ પહેલા વિરાટ કોહલીની પાકિસ્તાની ખેલાડી સાથે શું વાત થઈ ?

Share this story
  • એશિયા કપની સૌથી રોમાંચક મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચમાં ભારતના બેટસમેન અને પાકિસ્તાનના પેસ બોલર્સ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ વચ્ચે સીધો મુકાબલો થશે.

એશિયા કપની સૌથી રોમાંચક મેચમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચમાં ભારતના બેટસમેન અને પાકિસ્તાનના પેસ બોલર્સ શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ વચ્ચે સીધો મુકાબલો થશે. આ વર્ષની સૌથી હાઈપ્રોફાઈલ મેચ માનવામાં આવે છે. આ મેચ પલ્લેકેલેમાં બપોરે ૩ વાગ્યે શરૂ થશે.

આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની મુલાકાતનો વીડિયો ચર્ચામાં છે. જેમાં હરિસ રાઉફ અને વિરાટ કોહલી એકબીજાને ગળે લાગતા જોવા મળી રહ્યા છે. એકબીજાના હાલચાલ જાણી રહ્યા છે. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે પચાસ ઓવરના ફોર્મેટ વિશે વાત કરી હતી.

વિરાટ અને રાઉફ એકબીજાને મળીને ખૂબ જ ખુશ દેખાતા હતા. રઉફે આ દરમિયાન મોહમ્મદ સિરાજ સાથે પણ વાત કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચે પણ મુલાકાત થઈ હતી. આ સિવાય કિંગ કોહલી અન્ય પાકિસ્તાની ખેલાડીઓ શાહીન શાહ આફ્રિદી અને શાદાબ ખાનને પણ મળ્યો હતો.

રાઉફે વિરાટને ગળે લગાવ્યો :

આ વીડિયો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પ્રેક્ટિસ સેશનનો છે. વીડિયોમાં રાઉફ વિરાટને કહી રહ્યો છે કે, હું જ્યાંથી નીકળું છું ત્યાં લોકો ‘કોહલી-કોહલી’ની બૂમો પાડે છે. આ સાંભળીને વિરાટ કોહલી હસવા લાગે છે. પછી બંને લોકો આગળ વધે છે અને એકબીજાને ગળે લગાવે છે.

બંને વચ્ચે શું વાતો થઈ ?

આ વીડિયોમાં વિરાટ રાઉફને પૂછી રહ્યો છે કે, શું તેની બોડી ઠીક છે? પછી રાઉફ કહે, બસ લાગેલા છીએ. તેના પર વિરાટ રાઉફને કહે છે કે મોટી ટૂર્નામેન્ટ આવી રહી છે. વિરાટ વર્લ્ડ કપ તરફ ઈશારો કરી રહ્યો હતો. આ સાંભળીને હરિસ રાઉફે કહ્યું કે બસ પાગલ થઈ રહ્યો છું. બેક ટુ બેક મેચો છે.

વીડિયોમાં હરિસ રાઉફ વિરાટ કોહલીને કહી રહ્યો છે કે તેણે અફઘાનિસ્તાન સાથે સીરિઝ રમી છે. પરંતુ જ્યારે તે તમારી સાથે રમે છે ત્યારે મજા આવે છે. આ દરમિયાન રાઉફે ગયા વર્ષે વિરાટને નેટમાં બોલિંગ કરવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. રાઉફે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નેટસમાં વિરાટ કોહલીને બોલ્ડ કર્યો હતો.

કોહલી અને રાઉફ વચ્ચે શાનદાર બોન્ડિંગ છે :

આમ તો વિરાટ અને રાઉફ વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. વિરાટે એશિયા કપ ૨૦૨૨માં હરિસ રાઉફને પોતાની સાઈન કરેલી જર્સી આપી હતી. આ એ જ હરિસ રાઉફ છે. જેની વિરાટ કોહલીએ ૨૦૨૨ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોરદાર ધોલાઈ કરી હતી. વિરાટે હરિસ પર ફટકારેલી સિક્સને આજે પણ ઘણા ક્રિકેટ ચાહકો ભૂલી શક્યા નથી. તે મેચમાં વિરાટની ૫૩ બોલમાં ૮૨ રનની ઈનિંગના કારણે ભારતે છેલ્લા બોલ પર પાકિસ્તાનને હરાવ્યું હતું.

આ પણ વાંચો :-