પોતાના ગઢમાં જીતવા અમિત શાહ એક્શનમાં : મોડી રાતે પહોંચ્યા વેજલપુર, સાણંદમાં કહ્યું પ્રચંડ બહુમત મળશે

Share this story

Amit Shah in action to win in his stronghold

  • ગુજરાતમાં ચૂંટણીનો દમદાર માહોલ જામ્યો છે. તમામ પક્ષના જીતના દાવાઓ વચ્ચે સભા, રેલી, શક્તિ પ્રદર્શન, પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં અમિત શાહ પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભાના ઉમેદવારોની મુલાકાત લઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પાર્ટીઓએ મોટાભાગની બેઠકમાં ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે. તેઓ પોતાના ગાંધીનગર (Gandhinagar) લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભાના ઉમેદવારોની મુલાકાત લઈ રહ્યા છે.

સોમવારે રાત્રે તેઓ વેજલપુર પહોંચ્યા હતા. અહીં તેઓએ ભાજપના ઉમેદવાર અમિત ઠાકરના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે વેજલપુરમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે કાર્યાલયના ઉદ્ધાટન વેળાએ વેજલપુરના ગત ટર્મના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.

નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને આપ્યું હતું માર્ગદર્શન :

સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલ (ભગત)ના નારણપુરા સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ જીતેન્દ્ર પટેલને જીતાડવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી : અમિત શાહ

આ ઉપરાંત આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સાથે રેલી યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ફોર્મ ભર્યા પહેલાં અમિત શાહએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અલિસબ્રિજ ભાજપનો ગઢ છે. એલિસબ્રિજ વિધાનસભામાં ભાજપની થશે જીત.’ સાથે જ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી.

ફરી એકવાર પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે ભાજપ : શાહ 

એલિસબ્રિજથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા. અમિત શાહ સાણંદના ભાજપના ઉમેદવાર કનુ પટેલનું ફોર્મ ભરાવવા પહોંચ્યા હતા. અહીં તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં અત્યાર સુધીના બધા જ વિક્રમો તોડીને સૌથી વધુ સીટો અને સૌથી વધુ મતો સાથે ફરી એકવાર પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે એવો અમારા સૌનો વિશ્વાસ છે.

ચાણસ્માથી દિલીપ ઠાકોરને 1 લાખ મતની લીડથી જીતાડવા પાટીલે કર્યું આહ્વાન :

આજે પાટણના હારીજમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરનાં સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખે દિલીપ ઠાકોરને 1 લાખ મતથી જીતાડવા આહ્વાન કર્યું હતું. સાથે જ સભામાં આવેલા કાર્યકરોને પેજ કમિટીની તાકાત બતાવવા સી.આર.પાટીલે સૂચન કર્યું હતું.

આ પણ વાંચો :-