અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલે લોકોને આખીરાત ઉજાગરો કરાવ્યો

Share this story
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં બંગલે લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી લાંબી બેઠકને પગલે ભાજપની છાવણીમાં મોટા ધડાકા થવાની ઉત્કંઠા હતી પરંતુ કંઈ જ થયું નહીં
  • દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ ગાંધીનગરમાં મળેલી બેઠકે ગુજરાત ભાજપનાં ટોચનાં નેતૃત્વમાં ધુંધવાતી નારાજગીને ખાલી કરવાનું કામ કર્યું
  • હર્ષ સંઘવી પાસેથી ગૃહ વિભાગ છીનવી લેવાની વાતો કદાચ નિરર્થક પુરવાર થશે; સંગઠનમાં નવી નિમણૂંક થવાની શક્યતા

WhatsApp Image 2023-10-17 at 1.03.01 PM

દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં બેઠક યોજાયા બાદ ગાંધીનગરમાં ભાજપનાં નેતાઓની વધુ એક બેઠક મળી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં બંગલે મળેલી બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં અને મોડીરાતથી શરૂ થયેલી બેઠક વહેલી સવાર સુધી એટલે કે લગભગ પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી!
અલબત્ત આ બેઠક અનૌપચારિક હતી. કોઈ જ રાજકીય એજન્ડા નહોતો. ચોક્કસ ચર્ચાઓ રાજકીય અને સામાજિક ઉપરાંત પારીવારિક પણ થઈ હતી, પરંતુ સરકાર કે સંગઠનમાં કોઈ ફેરફાર, નિમણૂંક કરવા અંગે કોઈ જ ચર્ચાનો હેતુ નહોતો કે કોઈનાં ખાતા છીનવી લેવાનો પ્રશ્ન પણ નહોતો, પરંતુ ગુજરાત ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠકને કારણે અનેક લોકોએ ઉજાગરા કર્યા હતાં. પરંતુ આ ‌ઉજાગરા કરનારાઓનાં હાથમાં કંઈ આવ્યું નહોતું. આખી રાત કાનાફૂસી ચાલતી રહી હતી. પરંતુ આનંદ કે આઘાત પમાડે એવી કોઈ વાત સાંભળવા મળી નહોતી.
પાછલાં કેટલાંક સમયથી ગુજરાત ભાજપનાં ડહોળાયેલા વાતાવરણ વચ્ચે આ બેઠક નિખાલસતા વ્યક્ત કરવા માટે નિર્ણાયક પુરવાર થઈ હતી.
ગુજરાત ભાજપમાં એક વાત ધડમાથા વગર ચાલી રહી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે મનમેળ નથી. સાથે એવી પણ વાત વહી રહી છે કે, અમિત શાહ અને સી.આર. પાટીલ વચ્ચે તાલમેલ નથી. આનાથી આગળ વધીને વધુ એક એવી પણ વાત ચાલી રહી છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસેથી ગૃહ મંત્રાલયનો હવાલો છીનવી લેવાશે. વડાપ્રધાન કે કેન્દ્રિય ગૃહમંત્રી જ્યારે જ્યારે ગુજરાતનાં પ્રવાસે આવે છે ત્યારે ત્યારે આવી અફવાનો દોર ચાલતો રહે છે, પરંતુ લોકોની અપેક્ષા કે આશંકા જેવા કોઈ ફેરફારો કરાયા નથી.

WhatsApp Image 2023-10-17 at 1.03.01 PM (1)
હર્ષ સંઘવી માટે તો એટલી હવે વાત ચાલી હતી કે, તેનાથી ખુદ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નારાજ છે, પરંતુ ગઈકાલે રવિવારની મોડી રાત્રે ખુદ હર્ષ સંઘવીનાં બંગલે મળેલી બેઠકથી આવી અફવાઓ, આશંકાઓનો પરપોટો ફૂટી ગયો હતો. અલબત્ત અફવાઓને પગલે હર્ષ સંઘવીને આત્મ મનોમંથન કરવા સાથે પોતાનો વહેવાર સુધારવાની સમજણ મળી હશે.
ખેર, આ બધાની વચ્ચે એક વાત ચોક્કસ છે કે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં મનમાં ક્યાંક નારાજગી ચાલી રહી છે, તેઓ મન મુકીને વાત કરતા નથી. તેમની ઓફિસમાં આખો દિવસ લોકોનો પ્રવાહ વહેતો રહે છે અને લોકોનાં કામ પણ થાય છે. જરૂર જણાય ત્યાં ખુદ સી.આર. પાટીલ અધિકારીઓ સાથે વાત કરીને પણ લોકોનાં પ્રશ્નો તત્કાળ હલ કરવાના ચોક્કસ પ્રયાસો કરે છે.
પરંતુ હરીફને માફ નહીં કરવાનાં મક્કમ મીજાજના સી.આર. પાટીલનાં સ્વભાવમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. બીજી તરફ નેતાગીરી પ્રત્યેની વફાદારી એ પણ સી.આર. પાટીલને સ્વભાવ રહ્યો છે. પક્ષનાં નેતૃત્વ સામે નારાજગી ચોક્કસ વ્યક્ત કરી હશે. પરંતુ ગદ્દારી ક્યારેય કરી નથી. તેઓ આજે પણ વડાપ્રધાન મોદીનાં એટલા જ વિશ્વાસુ છે, જેટલા પહેલા હતા. તેમનું આ મજબૂત જમા પાસુ હોવાથી વડાપ્રધાન મોદી પણ સી.આર. પાટીલ ઉપર અખૂટ વિશ્વાસ ધરાવે છે.

WhatsApp Image 2023-10-17 at 1.03.02 PM
ખેર, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ ભાજપની છાવણીમાં ઘણાં વમળો સર્જાયા હતા. પક્ષનાં વડા હોવાના નાતે પણ તેમનું સરકારમાં વર્ચસ્વ હોવું જ જોઈએ, પરંતુ કોઈક કારણોસર સી.આર. પાટીલ સરકારમાં દખલ કરવાથી ઘણાં સમયથી દૂર ભાગી રહ્યાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ખરેખર તો પ્રદેશ પ્રમુખ હોવાનાં નાતે તેમનો પડાવ ગાંધીનગરમાં હોવો જોઈએ, પરંતુ તેઓ પાછલાં ઘણાં સમયથી અનિવાર્ય કામકાજ સિવાય ગાંધીનગર જવાનું ટાળતા આવ્યા હોવાથી લોકોની નજરમાં એવું ચિત્ર ઉપસી રહ્યું હતું કે, ભાજપનાં ટોચનાં નેતાઓમાં ચોક્કસ કોઈક ગડમથલ છે.

આ બધાની વચ્ચે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર. પાટીલ ઉપરાંત કે.કૈલાસનાથન સહિત કેટલાંક અધિકારીઓને દિલ્હી બોલાવ્યા હતા અને વડાપ્રધાનનાં નિવાસે જ લાંબી બેઠક ચાલી હતી. આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી અને કેવા નિર્ણયો કરવામાં આવ્યા એ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી, પરંતુ દિલ્હીની બેઠક બાદ ગુજરાત ભાજપનાં નેતાઓમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું હતું. સી.આર. પાટીલ દિલ્હીથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. ભારત-પાક મેચમાં પણ જોડાયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમિત શાહ સાથે લાંબો સમય ગાળ્યો હતો અને બીજા દિવસે પણ ગાંધીનગરમાં રોકાઈ ગયા હતા. આ બધા સંકેત જોતા આગામી દિવસોમાં ગુજરાત ભાજપ અને સંગઠનમાં તથા સરકારમાં સકારાત્મક માહોલ જોવા મળશે એવી આશા રાખી શકાય.

WhatsApp Image 2023-10-17 at 1.03.02 PM (1)
આ ઉપરાંત પાંચ રાજ્યો બાદ લોકસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી કેન્દ્રિય નેતાગીરી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપનાં નેતૃત્વને કોઈ વિવાદમાં પડ્યા વગર શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો હશે એવું ચોક્કસ તારણ કાઢી શકાય.
વળી એક વાત એ પણ ચોક્કસ છે કે, ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ પદેથી સી.આર. પાટીલને આગામી લોકસભાની ચૂંટણી સુધી બદલવાની કોઈ જ શક્યતા નથી.
ગઈકાલની બેઠક બાદ ગુજરાત ભાજપનાં ટોચનાં નેતૃત્વમાં હળવાશનાં અહેસાસનો અનુભવ થતો હતો. અમિત શાહ દેશનાં અન્ય રાજ્યોનાં પ્રવાસે ઉપડી ગયા હતા. જ્યારે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કામે લાગી ગયા હતા. આગામી દિવસોમાં ગુજરાત ભાજપનાં પ્રદેશ માળખામાં નવી નિમણૂંક કરવામાં આવે એવી શક્યતાઓ આકાર લઈ રહી છે. ઉપરાંત લોકસભાની ચૂંટણીઓ પહેલાં મંત્રી મંડળમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ જણાતી નથી.

આ પણ વાંચો :-