IPL બાદ હવે WPLનું ટાઈટલ સ્પોન્સર બન્યું આ ગ્રુપ, ખરીદ્યા 5 વર્ષ માટેના રાઈટ્સ

Share this story

Title sponsor of WPL

  • બીસીસીઆઇ અને ટાટા ગ્રૂપ વચ્ચે ગઈ કાલે ડીલ સાઈન થઈ છે. બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે કે ટાટાએ પાંચ વર્ષ માટે WPLના રાઈટ્સ ખરીદ્યા છે.

ટાટા ગ્રૂપે WPL (Tata Group WPL) એટલે કે વિમેન પ્રીમિયર લીગના (Women’s Premier League) ટાઈટલ રાઈટ્સ ખરીદી લીધા છે. બીસીસીઆઇ અને ટાટા ગ્રૂપ વચ્ચે ગઈ કાલે ડીલ સાઈન થઈ. બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. ટાટાએ પાંચ વર્ષ માટે WPLના રાઈટ્સ ખરીદ્યા છે. જોકે હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે ટાટાએ કેટલી રકમમાં આ રાઈટ્સ ખરીદ્યા છે. ટાટા ગ્રૂપ પાસે આઈપીએલના પણ રાઈટ્સ છે.

ટાટા ગ્રૂપ પ્રથમ WPLનું ટાઈટલ સ્પોન્સર  :

જય શાહે ટ્વીટ કર્યું કે, ”મને એ જાહેરાત કરતાં બહુ જ ખુશી થઈ રહી છે કે ટાટા ગ્રૂપે પ્રથમ WPLનું ટાઈટલ સ્પોન્સર હશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એમના સહયોગથી અમે મહિલા ક્રિકેટને વધુ ઊંચા સ્તરે લઈ જઈ શકીશું.” બોર્ડે સ્પોન્સર રાઈટ્સ ખરીદવા ઇચ્છુક કંપનીઓ માટે ટેન્ડર જારી કર્યું હતું.

જોકે બોર્ડે એ સ્પષ્ટ કરી દીધું હતું કે ટેન્ડર ડોક્યુમેન્ટ ખરીદવાનો એ અર્થ નથી કે માત્ર એના આધારે જ બોલીમાં ભાગ લેવાની મંજૂરી મળી જશે. બોર્ડ પહેલાં બધી કંપનીઓની યોગ્યતા ચકાસશે અને ત્યાર બાદ બોલીમાં ભાગ લેવાની મંજૂરી મળશે. તા. 4 માર્ચથી WPL શરૂ થઈ રહી છે.

WPLની એક મેચના રાઈટ્સની કિંમત રૂ. 7.09 કરોડ થશે

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ગ્રૂપની બ્રોડકાસ્ટ કંપની વાયકોમ 18એ વિમેન્સ આઈપીએલના પાંચ વર્ષ (2023થી 2027)ના મીડિયા રાઈટ્સ ખરીદ્યા છે. આમાં ટીવી અને ડિજિટલ બંને રાઈટ્સ સામેલ છે. કંપની આના માટે બીસીસીઆઈને 951 કરોડ રૂપિયા ચૂકવશે. એટલે કે WPLની એક મેચના રાઈટ્સની કિંમત રૂ. 7.09 કરોડ થશે. આઠ કંપનીએ હરાજીમાં ભાગ લેવા માટે ટેન્ડર ડોક્યુમેન્ટ્સ ખરીદ્યા હતા. પરંતુ બોલી ફક્ત બે કંપનીએ લગાવી હતી. વાયકોમ 18 ઉપરાંત ડિઝની સ્ટાર રેસમાં સામેલ હતી. જેમાં વાયકોમે બાજી મારી લીધી હતી.

23 દિવસ ચાલનારી આ લીગની શરૂઆત તા. 4 માર્ચથી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત-મુંબઈ મેચની સાથે થશે. જ્યારે ફાઇનલ મુકાબલો 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ જ બે મેદાન પર આખી ટૂર્નામેન્ટ રમાશે. પાંચ ટીમ 23 દિવસમાં 22 મેચ રમશે. જેમાં 20 લીગ, એક એલિમિનેટર અને એક ફાઈનલ હશે. WPLની પ્રથમ સિઝનમાં ચાર ડબલ હેડર મુકાબલા રમાશે.

આ પણ વાંચો :-