ભાજપની છાવણીમાં ‘આપ’નું કમોસમી માવઠું; ગુજરાતમાંથી ‘આપ’ને સાફ કરી નાંખવાનું આયોજન

Share this story
  • ભાજપનું નેતૃત્વ ઈચ્છતું નથી કે ગુજરાતમાં ‘આપ’ વધુ પગ પ્રસરાવે અને એટલે જ લાગ જોઈને ‘ઓપરેશન આપ’ હાથ ધરાયું
  • ગુજરાતના ચૂંટાયેલા સભ્યો પણ ‘આપ’ની કટ્ટર વિચારધારાના નથી, ચૂંટણી પહેલાં ભાજપે થોડી કાળજી લીધી હોત તો પાંચ ધારાસભ્યો પણ ચૂંટાયા ન હોત અને હજુ પણ ભાજપનું નેતૃત્વ જાગ્યું ન હોત તો પાંચનાં ૨૫ થઈ શકે
  • કેજરીવાલનો જમણો હાથ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસો‌િદયાને કાયદાનાં ચક્કરમાં ઘેરી લીધા બાદ હવે કેજરીવાલ સામે કેન્દ્ર સરકારે શસ્ત્ર ઉગામીને કેજરીવાલને પણ કાયદાના ચક્કર કાપતા કરી દેતા હવે ગુજરાતની ચિંતા કરવાની કોઈને ફ‍ુરસદ નથી.
  • ગુજરાતમાં ‘આપ’નું નેતૃત્વ સાવ શિથિલ હાલતમાં છે, ટી.વી.ના પડદે મહામંથન કરવામાં સફળ પુરવાર થયેલા ઈસુદાન રાજકીય મહામંથન કરવામાં સાવ નિષ્ફળ રહ્યા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું નામશેષ થવાનું લગભગ નક્કી છે. વિધાનસભાની ચૂંટણીઓ પતી ગઈ ભાજપે ૧૫૬ બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવ્યો પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો ભાજપના શીર્ષ નેતૃત્વ માટે અસહ્ય છે અને એટલે જ કોઇપણ પ્રકારના કારણ વગર ‘આપ’ના લોકોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ભાજપ ઇચ્છે છે કે ગુજરાતમાં ‘આપ’નો વિસ્તાર કોઈપણ કાળે વધવો જોઈએ નહીં.
ખરેખર તો એકમાત્ર સુરત શહેરથી જ ‘આપ’નો ઉદય થયો હતો અને આ ઉદય થવા પાછળ લોકો નહી, પરંતુ ભાજપનું જ નેતૃત્વ જ જવાબદાર હતું અને સુરતમાં ‘આપ’ને ઊગતા જ ડામી દેવાયું હોત તો કદાચ આજે ગુજરાતમાં ‘આપ’ને ઊભા રહેવા માટે પણ સ્થાન મળ્યું ન હોત કારણ કે ‘આપ’ સાથે સંકળાયેલી અને કોર્પોરેટર તરીકે ચૂંટાયેલી એક પણ વ્ય‌િક્ત‌ ‘આપ’ની વિચારધારાથી સંકળાયેલ નહોતી.
એક વાત ચોક્કસ છે કે ગુજરાતના લોકોની બદલાઇ રહેલી માનસિકતાને ભાજપનું નેતૃત્વ સમયસર જાણી શક્યું નહોતું અથવા તો તેમના ગુપ્‍તચરો કાચા પુરવાર થયા હતા અથવા પક્ષની નેતાગીરીએ ગુપ્‍તચરોની વાત માની નહોતી કારણ કે ઘણી વખત સત્તાનો ‘નશો’ ઘણું બધું નુકસાન કરાવતો હોય છે અને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.
ખેર, ગુજરાતમાં બદલાતાં રાજકીય સમીકરણો રોકવા માટે હજુ મોડું થયું નથી. આમ પણ ભાજપ માટે ગુજરાતની ધરતી એક રાજકીય પ્રયોગશાળા તરીકે પુરવાર થતી આવી છે. મતલબ ભાજપ નેતાગીરીએ ગુજરાતમાં ‘આપ’ને નેતૃત્વ વિહીન કરવાનું હાથ ધરેલું ‘મિશન’ રાજકીય દૃષ્ટિએ યથાયોગ્ય કહી શકાય. વળી આ વખતે આ મિશનનો દોર એવી વ્યક્તિને સોંપવામાં આવ્યો છે કે લોકોને અને કેટલાક અંશે ભાજપના લોકોને પણ ખ્યાલ નહીં આવે કે આ આખા ઓપરેશન પાછળ કોનો હાથ છે? ભાજપે ભૂતકાળમાં આવા ઘણા ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. ૨૦૦૭ના વર્ષમાં જ્યારે કેશુબાપાએ બળવો કર્યો ત્યારે કેટલાક લોકોએ પોતાની સરકારની રચના કરી નાંખી હતી. પરંતુ ચૂંટણીના પરિણામોએ ‘મોટાભા’ થઇને ફરતા લોકોની આંખે અંધારા લાવી દીધા હતા.
ઓપરેશન ‘આપ’ ખરેખર તો કમોસમી વરસાદ જેવું છે, પણ કેટલાક કમોસમી વરસાદ પણ આશીર્વાદરૂપ પુરવાર થતા હોય છે. કદાચ રાજકીય પં‌િડતો પણ નહીં કહી શકે કે ગુજરાતમાં ‘ઓપરેશન આપ’ શા માટે ચલાવવામાં આવી રહ્યું છે? ગુજરાતના કોઇ ખૂણામાં ગ્રામપંચાયતની પણ ચૂંટણી નથી છતાં ‘આપ’ને ડામી દેવાનું કારણ શું હોઇ શકે? પરંતુ હકીકત એ છે કે ભાજપનું નેતૃત્વ ગુજરાતમાં ‘આપ’ કોંગ્રેસનો વિકલ્પ બને એવું હરગીજ ઇચ્છતું નથી.
કારણ કે ગુજરાત વિધાનસભામાં એક બે નહીં ‘આપ’ના પાંચ-પાંચ ધારાસભ્યો ચૂંટાઇને આવ્યા છે. બની શકે કે આ પાંચના પચ્ચીસ પણ થઇ શકે. તો ભવિષ્યમાં ભાજપ સામે એક મજબૂત પડકાર ઊભો થઇ શકે અને આ સંભવિત પડકાર ઊભો થાય ત્યાર પહેલાં જ જડમૂળમાંથી જ ‘આપ’ને ઉખેડી નાંખવાનુ રાજકીય દૃષ્ટિકોણથી વધારે ઉચિત ગણી શકાય.
આમ પણ ગુજરાતમાં ‘આપ’નું નેતૃત્વ સાવ શિથિલ છે. ઇસુદાન ગઢવી ટી.વી.ના પડદે પ્રભાવક હતા, પરંતુ રાજકીય પડદે બિનઅસરકારક પુરવાર થઇ રહ્યા છે. એક પત્રકાર તરીકે રાજકારણીને સવાલ કરવાનું સાવ સહેલું હોય છે પરંતુ એક રાજકીય લિબાસ પહેરીને પાર્ટીને ચલાવવાનું કામ આસાન નથી. મતલબ કે ટી.વી.ના પડદા ઉપર ‘મહામંથન’ કરવામાં સફળ પુરવાર થયેલા ઇસુદાન રાજકીય પક્ષનું નેતૃત્વ સ્વીકારીને ‘રાજકીય મહામંથન’માં અટવાઇ ગયા છે.
ખરેખર તો હાલના તબક્કે ગુજરાતની આમ આદમી પાર્ટી પાસે કોઇ મજબૂત ખેલાડી નથી. બીજી બાજુ દિલ્હીમાં કેજરીવાલનો જમણો હાથ ગણાતા મનીષ ‌િસસોદીયાને કાયદાના ચક્કરમાં ફસાવી દીધા બાદ હવે ખુદ અરવિંદ કેજરીવાલ ફરતે પણ કાયદાનો ગ‌ાળિયો કસવામાં આવી રહ્યો છે. આવા સંજોગોમાં ગુજરાતમાં ‘આપ’નું નેતૃત્વ દિશાશૂન્ય છે. વળી થોડા દિવસ પહેલા રાજ્ય સરકારની વિવિધ સમિતિઓમાં આશ્ચર્યજનક રીતે ‘આપ’ના ધારાસભ્યોને સભ્યપદે સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઘટના પણ રાજકીય મોરચે સુચક ગણી શકાય અને એક વખત ગુજરાતમાંથી ‘આપ’નું અસ્તિત્વ નામશેષ થઇ ગયા પછી ફરી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બેઠા થવાનું મુશ્કેલ જ નહીં બિલકુલ અશક્ય બની જશે.
એક એ પણ હકીકત છે કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અ‌િમત શાહે ગત ચૂંટણીઓમાં ચૂંટણીની બાગડોર પોતાના હાથમા લીધી ન હોત અને સી.આર.પાટીલને ભૂગર્ભ ઓપરેશનની જવાબદારી સોંપી ન હોત તો કદાચ ‘આપ’ના પાંચ નહીં, પચ્ચીસ ધારાસભ્યો ચૂંટાયા હોત અને સરકાર સામે મજબૂત વિપક્ષ ઊભો થયો હોત અને જો એવું થયું હોત તો આવનારા વર્ષોમાં ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’ના સરકાર બનાવવાની દિશામાં પ્રયાસો ચાલી રહ્યા હોત. અને એટલે જ ‘ઓપરેશન આપ’ ચાલી રહ્યું છે એવું ચોક્કસ તારણ કાઢી શકાય. સુરતમાંથી ‘આપ’ના બેનર હેઠળ ચૂંટાયેલા થનગનતા ઘોડા જેવા ૨૭ કોર્પોરેટર્સ હકીકતમાં ‘આપ’ની વિચારધારા સાથે સંકળાયેલા નહોતા પરંતુ કોંગ્રેસ સાથે વાંકું પડતા ‘આપ’નું બેનર પકડી લીધું હતું અને નારાજ લોકોએ એક વખત ભાજપને બતાવી દેવા માટે થઇને પણ ‘આપ’ના ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા.
પરંતુ હવે ક્રમશઃ એ થનગનતા ઘોડાઓનો ‘આપ’નો નશો ઓસરી રહ્યો છે અને એટલે જ ભાજપે હાથ લંબાવતાની સાથે ભાજપની છાવણીમાં  કૂદી જવા તૈયાર થઇ રહ્યા  છે. ૨૭ પૈકી ‘આપ’ના એક ડઝન કોર્પોરેટરો વિધિવત્ ભાજપમાં આવી ચૂક્યા છે બાકી બચેલાઓને પણ આવતા વાર નહીં લાગે. ભાજપમાં આવવાથી તત્કાળ કોઇ મોટો લાભ મળી જવાની શક્યતા નથી, પરંતુ શાસક પક્ષમાં હોવાથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ચોક્કસ ફાયદો થશે. વળી રાજકીય ‘નશો’ પણ જળવાયેલો રહેશે.
આ પણ વાંચો :-