એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી ક્રેશ થઈ ગઈ. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉડાન ભરેલા બોઇંગ 787-8 વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમે વધુ માહિતી પૂરી પાડવા માટે 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે.

આ વિમાનમાં સુરતના રહેવાસી અકિલ તથા ડૉ. હિતેશ શાહ તેમના પરિવાર સાથે લંડન જવા નીકળ્યા હતા, પરંતુ દુર્ઘટનાએ આખા શહેરને આઘાતમાં મૂક્યું છે. 34 વર્ષીય અકિલ પઠાણ, પત્ની હાનાબેન (32) અને પુત્રી સારા (6) સાથે લંડનમાં રહેતા હતા. તેઓ ગયા શુક્રવારે બકરી ઈદની ઉજવણી માટે સુરત આવ્યા હતા. રામપુરાની મનારેસિડન્સી ખાતે રહેતા તેમના પિતા અબ્દુલા નાનબાવા સાથે ઈદ ઉજવી હતી.

દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સુરતના તબીબ ડૉ. હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન પણ સવાર હતા. અડાજણ પાટિયા પાસેની સુગમ સોસાયટીના રહેવાસી ડૉ. શાહ સ્મિત હોસ્પિટલ ચલાવતા હતા. તેઓ તંદુરસ્તી સંબંધિત સારવાર માટે લંડન જઈ રહ્યા હતા, જ્યાં તેમની બહેન પણ વસે છે.
શહેરના બંને પરિવારના મોતની ખબર મળતાં સમગ્ર સુરતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક નાગરિકો, તબીબી જગત અને સમાજના અગ્રણીઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. સરકાર તરફથી દુર્ઘટનાની તપાસ અને મદદની કામગીરી ચાલુ છે.

વાપીના બદરૂદીન હાલાણી અને તેના પત્ની આ વિમાનમાં યુકે અને યુ. એસ.ના પ્રવાસે જઈ રહ્યા હતા.