બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન ઉપર તેના ઘરમાં ઘૂસીને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયો છે અને તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે મુંબઈ પોલીસે આ મામલે એક શખસની ધરપકડ કરી છે. પોલીસ આરોપીને હિરાસતમાં લઈને વધુ પૂછપરછ માટે બાંદરા પોલીસ સ્ટેશનમાં લઈ આવી છે.
હુમલાખોરે સૈફ પર તીક્ષ્ણ હથિયારથી છ વાર હુમલો કર્યો હતો, ત્યારબાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે પોલીસની 20 ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમને અલગ-અલગ કાર્ય સોંપવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને છેલ્લી વાર બાંદરા રેલવે સ્ટેશનની પાસે જોયો હતો. પોલીસને સંદેહ છે કે સંદિગ્ધ ઘટના પછી વસઈ-વિરાર તરફ જતી પહેલી લોકલ ટ્રેન પકડી હતી.
સૈફ અલી ખાન પર ગઈ કાલે ચાકુથી હુમલો થયો હતો, જેમાં તેને ગંભીર ઇજા થઈ હતી. સૈફના શરીર પર છ ઊંડા ઘા હતા, એમાંથી એક ઘા તેની ડોક પર જ 10 સેન્ટિમીટર હતો. એની સાથે તેની પીઠ પર આશરે 2.5 ઇંચ ચાકુનો ટુકડો મળ્યો હતો. પોલીસે એ ટુકડાને કબજામાં લીધો હતો અને બાકી હિસ્સાની તપાસ જારી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સૈફના ઘરે 56 વર્ષની સ્ટાફ નર્સ પણ હાજર હતી. તેનું નામ એલિયામા ફિલિપ છે. તે ફરિયાદી પણ છે. આ ઘટનામાં તેને બ્લેડથી ઈજા થઈ હતી. પોલીસે નર્સ ફિલિપ, ઘરમાં કામ કરતા સ્ટાફ, બિલ્ડિંગના ગાર્ડ અને અન્ય લોકોના નિવેદન નોંધ્યા છે.
આ પણ વાંચો :-