મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં પોલીસ સામે શંકાની સોંય છતાં તપાસમાં ઢીલ શા માટે?

Share this story

રત્નકલાકાર મુકેશ સોજીત્રા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ ક્રમશઃ શંકાના દાયરામા ઘેરાઈ રહી છે. કારણ કે, મુકેશ સોજીત્રાના આપઘાત પાછળ ખાખીવર્દીની પણ સંડોવણી હોવાથી પોલીસ તપાસનો દોર ઢીલો પડી રહ્યો છે એવું માની શકાય. આ તરફ મુકેશ સોજીત્રા જ ગુનેગાર હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

મુકેશ સોજીત્રા ખરેખર ગુનેગાર હતો કે નહીં? પણ હજુ સુધી પુરવાર કરવામાં આવ્યું નથી. કારખાના માલિક વિપુલ મોરડિયાના કહેવાથી પોલીસ સોજીત્રાને ઊંચકી લાવી હતી અને અસહ્ય ત્રાસ આપવા છતાં મુકેશ સોજીત્રા પાસેથી કંઈ જ હાથમાં નહીં આવતા સાડા ત્રણ લાખ ચૂકવી આપવાની ધમકી આપીને ઘરે જવા દીધો હતો. પરંતુ માફ કરી દીધો નહોતો. મતલબ કે, મુકેશ સોજીત્રાને ફરી પોલીસ ઊચકી જવાનો ભય હશે અને એટલે એક વખત પોલીસ સિતમનો ભોગ બની ચૂકેલા મુકેશ સોજીત્રાએ ભયના માર્યા આપઘાત કરી લીધો હશે.

પોલીસની ખરેખર સંડોવણી જ નથી તો કોન્સ્ટેબલ પરબત વાઢેરને સસ્પેન્ડ શા માટે કરાયો?

એક વાત ચોક્કસ છે કે, પોલીસ માત્ર એક અરજીના આધારે મુકેશ સોજીત્રાને ઊંચકી લાવી હતી. બની શકે કે, કારખાના માલિક વિપુલ મોરડિયાએ કોઈ રાજકીય આગેવાન મારફતે ભલામણ કરાવી હોય. અલબત્ત આ બધી વાતોના પુરાવા મેળવવા મુશેકલ છે, પરંતુ એક હોનહાર રત્નકલાકાર અને બે સંતાનોના પિતાના આપઘાતની અત્યંત ગંભીર ઘટના ઉપરાંત પોલીસની સંડોવણી છતાં પણ એક પણ રાજકીય આગેવાન કે પદાધિકારીએ મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં ગંભીરતા દાખવી નથી. જાણે કે કોઈ સામાન્ય ઘટના બનવા પામી હોય.

હકીકતમાં સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ અને મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં સમાન ભયાનકતા છે. ગ્રીષ્માને જાહેરમાં ગળુ કાપીને મારી નાંખવામાં આવી હતી, જ્યારે મુકેશ સોજીત્રાને મરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
ગ્રીષ્માની હત્યા પાછળ એકતરફી પ્રેમ પ્રકરણ હતું. જ્યારે મુકેશ સોજીત્રાના આપઘાત પાછળ ખુદ પોલીસની શંકાસ્પદ સંડોવણી હોવાથી ખરેખર તો મુકેશ સોજીત્રા આપઘાત કેસની તપાસ વિશેષ અધિકારીને સોંપવાની જરૂર હતી. પરંતુ સમગ્ર કેસની તપાસ એક પો.ઈ. કક્ષાના અધિકારી કરી રહ્યાં છે. મતલબ કે, પોલીસ પણ મુકેશ સોજીત્રા આપઘાત કેસને ગંભીરતાથી લઈ રહી નથી. કારણ કે, મુકેશ સોજીત્રા એક ગરીબ રત્નકલાકાર હતો અને તેની પડખે ઊભા રહેવાવાળુ કે ભલામણ કરવાવાળુ કોઈ જ નહોતું. આપઘાત પમાડનાર બાબત તો એ હતી કે, તપાસ કરનાર પોલીસ અધિકારીએ કોર્ટમાં રજૂ કરેલા સોંગદનામામાં જણાવ્યું હતું કે, મુકેશ સોજીત્રાને ઊંચકીને મહિધરપુરા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો ત્યારે પોલીસ મથકમાં કેમેરા હતા જ નહીં!!

તપાસ કરનાર અધિકારી ખરેખર તપાસ કરવા માંગતા હતા તો શહેરના માર્ગો ઉપર ઠેર ઠેર મુકવામાં આવેલા કેમેરાની તપાસ કરી શક્યા હોત. શહેરનો કોઈ ખૂંણો એવો નથી કે, શહેર પોલીસના કેમેરા લગાડવામાં આવ્યા ન હોય. પોલીસની ખરેખર દાનત હોય તો મુકેશ સોજીત્રાના ઘરની આસપાસની સોસાયટી, દુકાનોના કેમેરાની તપાસ કરીને પુરાવા મેળવી શકી હોત, પરંતુ પોલીસે હજુ સુધી આવી કોઈ તપાસ કરી હોવાનું જણાતું નથી.

સુરતના પો.કમિ. અજયકુમાર તોમર ખુબ જ ઋજુ અને સંવેદનશીલ અધિકારી છે. બબ્બે સંતાનોએ પિતા, વિધવા માતાનો આધાર અને યુવાન પત્નીએ પતિ ગુમાવ્યાની અત્યંત આઘાતજનક ઘટના છતાં પો.કમિ. તોમર પણ મૌન બેસી રહેશે તો આવનારા દિવસોમાં મુકેશ સોજીત્રા આપઘાત કેસ કાળની રેતમાં ભુલાઈ જશે અને મુકેશના મોત માટે જવાબદાર ગુનેગારો બેખોફ ફરતા હશે.

ઘટનાક્રમ મહિધરપુરા પોલીસ મથકમાં જ બન્યો હોય તો ઈન્સ્પેક્ટર શા માટે જવાબદાર નહીં? પો.કમિ. તોમરનું સુચક મૌન પણ સંવેદનશીલ લોકો માટે અકળાવનારું

બનાવના દિવસે પણ પોલીસે ફરિયાદ લેવાની આનાકાની કરી, પરંતુ લોકોનો વિરોધ અને પોલીસ મથકમાં ધરણા કરવાની ઘટનાને પગલે પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. પરંતુ ત્યાર પછી અસરકારક તપાસના નામે કંઈ જ ઉકાળ્યું નથી અને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને કામગીરી કર્યાનો સંતોષ માની લીધો હતો.
લોકોના કહેવા મુજબ મુકેશ સોજીત્રાને મહિધરપુરા પોલીસ મથકમાં ગોંધીને ત્રાસ આપવામાં આવ્યો હતો. મતલબ કે પોલીસ મથકના ઈન્સ્પેક્ટરને પણ જવાબદાર ગણી શકાય. પરંતુ આમાનું કંઈ જ થયું નથી. માત્ર એક પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરીને પોલીસે સંતોષ માની લીધો હોય એવું લાગી રહ્યું છે.

આપઘાત કરનાર મુકેશ સોજીત્રાના નજીકના લોકોની રજુઆતને પગલે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરને ફોન કરીને તટસ્થ અને અસરકારક તપાસ કરવા કહ્યું હતું. કદાચ ત્યાર બાદ સી. આર. પાટીલ પણ મુકેશ સોજીત્રા આપઘાત પ્રકરણને ભુલી ગયા હશે.

આમ પણ પાછલા કેટલાંક દિવસોથી સુરતમાં આપઘાતના બનાવોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પ્રત્યેક આપઘાત પાછળ એક વેદના ચિત્કાર પાડતી હોય છે. પરંતુ સ્વાર્થની આ દુનિયામાં આપઘાત પાછળના દરદને સમજવાની ક્યાં કોઈને ફુરસદ છે.

ગંભીર ઘટના વખતે દોડી જતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મુકેશ સોજીત્રા આપઘાત કેસમાં વિશેષ રસ દાખવ્યો હોવાનું જાણમાં નથી.

સમગ્ર ઘટનાની તપાસનો દોર જોતાં આવનારા દિવસોમાં મુકેશ સોજીત્રા આપઘાત કેસ ભુલાઈ જશે.
પરંતુ મુકેશ સોજીત્રાના પત્ની સોનલ, બબ્બે સંતાનો અને વિધવા માતાએ ગુમાવેલો આધાર ક્યારેય પાછો નહીં મળે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અડાજણ વિસ્તારમાં રહેતાં એક વયોવૃદ્ધ ખેડૂત આગેવાન દુર્લભ પટેલે કહેવાતા પોલીસના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ ઘટના પણ ક્રમશઃ સમયની રેતમાં ઢંકાઈ રહી છે.

મુકેશના મોતથી કોઈને ફરક નહીં પડે, પરંતુ ગરીબ વિધવા માતાનો આધાર, બબ્બે સંતાનોનો પિતા અને ભરયુવાનીમાં વિધવા બનેલી પત્નીને માથાનું સિંદુર ક્યારેય પણ નહીં મળે

ઇ-પેપર વાંચવા માટે અહિયાં ક્લિક કરો