લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૨ વાગ્યા સુધી ત્રિપુરા-છત્તીસગઢમાં સૌથી વધુ

Share this story

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૩રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૮૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે મોદી સરકારના ૫ કેન્દ્રીય મંત્રીઓ અને બે પૂર્વ મુખ્યમંત્રીઓની ઉમેદવારી દાવ પર છે. બીજા તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પણ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પર બસપાના ઉમેદવારનું મોત થઇ જતાં આ બેઠકની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજવામાં આવશે.

આજે અગ્રણી ઉમેદવારોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ, કેરળ), ભાજપના તેજસ્વી સૂર્યા (બેંગ્લોર દક્ષિણ, કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (બંને ઉત્તર પ્રદેશ), ઓમ બિરલા (કોટા, રાજસ્થાન), કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. શિવકુમારના ભાઈ ડીકે સુરેશ (બેંગ્લોર ગ્રામીણ, કર્ણાટક), કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી (મંડ્યા, કર્ણાટક). ઉપરોક્ત ઉમેદવારો સિવાય તિરુવનંતપુરમમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને કોંગ્રેસના નેતા શશિ થરૂર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળે તેવી શક્યતા છે.

બીજા તબક્કાની ચૂંટણી માટે કુલ ૧૫.૮૮ કરોડ મતદારો છે જેમાં ૮.૦૮ કરોડ પુરુષ અને ૭.૮કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આવતીકાલની ચૂંટણીમાં ૩૪.૮ લાખ મતદારો નવા છે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ૨૦થી ૨૯ વર્ષના યુવા મતદારોની સંખ્યા ૩.૨૮ કરોડ છે. હિટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બિહારની ચાર બેઠકોના અનેક મતદાન મથકોમાં મતદાનના સમયમાં વધારો કર્યો છે.

ઉત્તર પ્રદેશના હાપુડમાં પોલિંગ બૂથની બહારથી નકલી સીબીઆઈ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના ડ્રેસમાં એક કારમાં આવેલા નકલી ઈન્સ્પેક્ટર પોતાને ચૂંટણી ફરજ પર તૈનાત હોવાનો દાવો કરી રહ્યો હતો. પરંતુ જ્યારે સ્થળ પર હાજર અધિકારીઓને તેના પર શંકા ગઈ અને તેની પૂછપરછ કરી તો સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ અંકિત જાણવા મળ્યું છે. તેની કારના આગળના ભાગમાં ઉત્તર પ્રદેશ સરકાર લખેલું છે. અને તેની પાસેથી નકલી આઈડી કાર્ડ મળી આવ્યું છે, જેને બતાવીને તે મતદાન મથકની તપાસ કરવા જઈ રહ્યો હતો.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, ‘આજે હું તમામ મતદાતાઓને, ખાસ કરીને યુવાઓને અપીલ કરું છું કે તેઓ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરે. મતદાન આપણી લોકશાહીને વધુ પરિપક્વ બનાવે છે. સેવા, સુશાસન અને વિકાસની સરકારને ચૂંટીને રાષ્ટ્રને ઝડપી પ્રગતિ અને પ્રતિષ્ઠા તરફ લઈ જાઓ. ‘વિકસિત ભારતના નિર્માણ’માં દરેકની ભાગીદારી જરૂરી છે. ચાલો આપણે તેના તમામ ૪ આધારસ્તંભો – યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોને સશક્ત બનાવવાનો સંકલ્પ લઈએ અને બધાના સુરક્ષિત ભવિષ્ય અને સમૃદ્ધિ માટે મતદાન કરીએ.

આ પણ વાંચો :-