ભારતમાં છેલ્લા કેટલાક સમયથી થતા મોટાભાગના આતંકી હુમલાઓ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં જ થાય છે પરંતુ એક મોટો અને શંકાસ્પદ હુમલો ભારતના દક્ષિણ છેવાડે રામેશ્વરમમાં થયો હતો અને આ હુમલાએ ગુપ્તચર એજન્સીઓની ઉંઘ ઉડાડી દીધી હતી. પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં બોમ્બ બ્લાસ્ટની જવાબદારી પાકિસ્તાન સ્થિત એક આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ સ્વીકારી હતી. હવે ફરી ઘોરીએ ભારતીય રેલવેને ટાર્ગેટ કરવાનો પ્લાન ઘડ્યો છે.
15મી ઓગસ્ટથી દિવાળી સુધી હવે તહેવારોની સીઝનને કારણે ભારતમાં ગુપ્તચર એજન્સીઓ આજકાલ હાઈ એલર્ટ મોડ પર જ હોય છે. તેવામાં આતંકી ફરહતુલ્લા ઘોરીનો વધુ એક વીડિયો એજન્સીઓની ચિંતામાં વધારો કરનારો છે. આ વીડિયોમાં ઘોરી ભારતમાં સ્લીપર સેલ દ્વારા દેશભરની ટ્રેનો પર હુમલા કરવાની વાત કરી રહ્યો છે. ભારતમાં ભાગેડુ જાહેર થયા બાદ ઘોરી પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI)ની મદદથી સ્લીપર સેલ દ્વારા બેંગ્લોરમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટની યોજના ઘડી હતી.
1 માર્ચે રામેશ્વરમમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા. NIA, એ 3 માર્ચે કેસ સંભાળ્યો હતો, અને 12 એપ્રિલે બે મુખ્ય આરોપી અબ્દુલ મતીન અહેમદ તાહા અને મુસાવીર હુસૈન શાજીબની ધરપકડ કરી હતી. જ્યારે તાહા માસ્ટરમાઇન્ડ હતો, શાજીબે ઘટનાને અંજામ આપ્યો હતો. તેની કોલકાતા નજીક એક લોજમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે નકલી ઓળખ સાથે રહેતો હતો. બંને કર્ણાટકના શિવમોગા સ્થિત ઇસ્લામિક સ્ટેટ (IS) મોડ્યુલના સભ્યો હોવાનું કહેવાય છે. આ જ મોડ્યુલના સભ્ય શારિકે નવેમ્બર 2022માં મેંગલુરુમાં વિસ્ફોટ કર્યો હતો.
ફરહતુલ્લા ઘોરીને અબુ સુફયાન, સરદાર સાહેબ અને ફારુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનેક હાઈ-પ્રોફાઈલ હુમલાઓમાં તેની સંડોવણી રહી છે. ગુજરાતમાં 2002માં અક્ષરધામ મંદિર હુમલામાં પણ તેનો હાથ હતો. આ હુમલામાં 33થી વધુ લોકો માર્યા ગયા હતા અને 80 લોકો ઘાયલ થયા હતા. હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સની ઓફિસ પર 2005માં થયેલા આત્મઘાતી હુમલા પાછળ પણ તેનો હાથ હતો.
દિલ્હી પોલીસે ગયા વર્ષે રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ કહ્યું હતું કે ઘોરી ઓનલાઈન જેહાદી ભરતીનું આયોજન કરી રહ્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે ઘોરી આતંકીઓનો હેન્ડલર હતો. થોડા મહિનાઓ પહેલા દિલ્હી પોલીસે પૂણે-આઈએસઆઈએસ મોડ્યુલના દેશભરમાંથી અનેક આતંકવાદીઓની ધરપકડ કરીને ઘોરીનું નામ રેકોર્ડમાં લીધું હતું.
આ પણ વાંચો :-