મોરબીમાં સામૂહિક મોતની ખોફનાક ઘટના માટે જવાબદાર કોણ ? કમાણીની લાલચમાં અનેકને મોતના હવાલે કરી દીધા

Share this story

Who is responsible for the horrific incident of mass death in Morb

  • આઝાદી પૂર્વેના જર્જરિત ‘ઝુલતા પુલ’નું રિપેરિંગ કરાયું પરંતુ ક્ષમતા, મજબુતાઈ અંગે નિષ્ણાતોની મંજૂરી વગર જ ખુલ્લો મુકી દેવાયો હતો.
  • એક અંદાજ પ્રમાણે લગભગ ૨૫ બાળકો સહિત ૧૦૦ લોકો કાળનો કોળિયો બની ગયા અને હજુ પણ  મોતનો આંકડો વધવાનો ભય છે, કોન્ટ્રાક્ટરે વધુ કમાણી કરી લેવાની લાલચમાં બ્રિજની ક્ષમતા કરતા વધુ લોકોને દાખલ કર્યા હતા.
  • બ્રિજના કોન્ટ્રાક્ટરે કાળજી રાખી નહોતી પરંતુ મોરબીના શાસકોએ પણ ગુનાઈત બેદરકારી દાખવી હતી અને મોતનું તાંડવ ખેલાયું.
  • દિવાળી, નવા વર્ષના તહેવારોના દિવસોમાં માત્ર મોરબી જ નહીં રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને સુરતના લોકો પણ મોરબી ફરવા આવ્યા હતા અને મોરબીની અજાયબી ગણાતા ઝુલતા બ્રિજ ઉપર ફરવા ગયા હતા.

લગભગ ૪૩ વર્ષ બાદ ગુજરાતનું ઐતિહાસિક નગર મોરબી (Morbi is a historical town of Gujarat) ફરી વખત માનવસર્જિત આફતનો ભોગ બન્યું હતું. ૧૯૭૯ના વર્ષની ૧૧મી ઓગસ્ટની વહેલી સવારે મચ્છુ નદી (Machhu river) ઉપર બાંધવામાં આવેલો ડેમ (મચ્છુ-૨) તૂટી પડવાથી લગભગ દોઢ હજાર લોકો મધરાતના ભરઉંઘમાં જ કાળનો કોળિયો બની ગયા હતા અને લગભગ ૧૩ હજાર જેટલા મૂંગા પશુઓ ખીલે બાંધેલી હાલતમાં મોતને શરણ થયા હતા. આ ઘટના એટલી હૃદયદ્રાવક હતી કે માનવ લાશો દિવસો સુધી કાદવમાં સડતી રહી હતી તો કેટલાક મૃતદેહો ઝાડ ઉપર લટકતા જોવા મળ્યા હતા. આ ગોઝારી ઘટનાના આગલા દિવસે મોરબીમાં લગભગ ૨૫ ઈંચ જેટલો અનરાધાર વરસાદ (Heavy rain) ખાબક્યો હતો અને મચ્છુ-૨ ડેમ (Machchu-2 Dam) છલકાઈ ગયો હતો. ડેમના દરવાજા ખોલવા માટે વીજ પુરવઠો (power supply) નહોતો અને હાથથી દરવાજા ખોલવામાં સફળતા મળી નહોતી. કચ્છના ભૂકંપ જેવી જ મોરબીની ઘટનાને નજરે જોનારા લોકો આજે પણ મોતના ખોફથી ફફડતા હશે.

આવી જ વધુ એક માનવસર્જિત દુર્ઘટના નવા વર્ષના પ્રારંભે મોરબીમાં બનવા પામી હતી. અંગ્રેજોના જમાનામાં મચ્છુ નદી ઉપર એક ઝુલતો પુલ બાંધવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પુલ મોરબીની વિશેષ ઓળખ હતી અને મોરબીવાસીઓ માટે નજરાણું હતું. બ્રિજના રિપેરિંગ કામ માટે થોડા મહિનાઓ પહેલા બંધ કરવામાં આવ્યો હતો અને નવા વર્ષના દિવસે જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દિવાળી અને નૂતનવર્ષના તહેવારો અને રજાના દિવસોમાં લોકો ‘ઝુલતા પુલ’ ઉપર ફરીને આનંદ માણી રહ્યા હતા.

આજે રવિવારે પણ સાંજના સમયે લોકો પરિવાર અને બાળકો સાથે પુલ ઉપર ફરવા નીકળ્યા હતા અને સાંજના સમયે શિયાળાના ખુશનુમા વાતાવરણમાં કુદરતને માણી રહ્યા હતા ત્યારે અચાનક લગભગ સવા છ વાગ્યાની આસપાસ એક જબરજસ્ત આંચકા સાથે ‘ઝુલતો પુલ’ મચ્છુ નદીના પાણીમાં તૂટી પડ્યો હતો !

લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી મુકી હતી પરંતુ આખો બ્રિજ તૂટીને પાણીમાં ગરક થઈ ગયો હતો. કેટલાક લોકોએ બાકી બચેલા બ્રિજના કાટમાળને પકડીને બચવાના પ્રયાસો કર્યા હતા તો અનેક બાળકો અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. બ્રિજ ઉપર ફરવા નીકળેલા મોટાભાગના લોકો પરિવાર અને સગાસંબંધીઓ સાથે સમૂહમાં હતા. કેટલાક લોકો બહારગામથી મોરબી ફરવા આવ્યા હતા.

કોઈ રાજકોટથી આવ્યું હતું તો કોઈ અમદાવાદથી આવ્યા હતા તો ઘણા સુરતના પણ હતા. લગભગ બધા જ લોકો કાળના જડબામાં જકડાઈ ગયા હતા. નાના નાના બાળકો બચવા માટે દર્દનાક ચીસો પાડી રહ્યા હતા પરંતુ વડીલો બચાવી શકવાની સ્થિતિમાં નહોતા. કેટલાક બાળકો માતાની ગોદમાંથી કે હાથની આંગળીએથી છુટા પડી ગયા હતા. પોતાની નજર સામે બાળકો અને સ્વજનો મોતને ભેટી રહ્યા હતા પરંતુ કોઈ કોઈને મદદ કરી શકે એવી સ્થિતિમાં નહોતું. એક તરફ રવિવારનો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો બીજી તરફ અનેક જિંદગીઓ મચ્છુના પાણીમાં ડૂબીને અંતિમ શ્વાસ લઈ રહી હતી. પ્રાથમિક જાણકારી મુજબ લગભગ ૧૦૦ લોકોને ગોઝારી મચ્છુના પાણી ભરખી ગયા હતા. જેમ જેમ રાત્રિનો અંધકાર છવાતો જતો હતો તેમ તેમ દર્દનાક મોતની ઘટનાઓ નજર સામે આવતી હતી.

રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ બ્રિજેશ મેરજા, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ રાજકીય, સામાજિક આગેવાનો સેવાભાવી સંસ્થાઓ બચાવ, રાહત કામગીરીમાં જોતરાઈ ગયા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલો ખુલ્લી મુકી દેવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટના ઉપર નજર રાખી રહ્યા હતા. પરંતુ કુદરતના કોપ સામે બધા જ લાચાર હતા.

તાકીદની સહાયને કારણે અનેક લોકોને બચાવી લેવાયા હતા. પૂર્વ મંત્રી કાંતિ અમૃતિયા જાતે પળનો પણ વિલંબ કર્યા વગર મચ્છુમાં કુદી પડ્યા હતા. કાંઠે ઉભેલી એક પણ વ્યક્તિ એવી નહોતી કે મદદ કરવા માટે દોડી ન હોય પરંતુ બધા જ લાચાર હતા.

આ તરફ લાપતા થયેલા બાળકો અને મહેમાનોને શોધવા લોકો ચારે તરફ દોડાદોડી કરી રહ્યા હતા. હોસ્પિટલો ખુંદી વળ્યા હતા. કેટલાકને સ્વજનો હેમખેમ મળી ગયા પરંતુ ઘણા લોકો લાચાર હતા. ગોઝારી મચ્છુના પાણીમાંથી જેમ જેમ મૃતકોના શબ બહાર આવતા હતા તેમ તેમ કાંઠે ઉભેલા સ્વજનોના દર્દભર્યા નિસાસા કાળજુ કંપાવનારા હતા. લગભગ દરેક વ્યક્તિને એવી આશા હતી કે તેમનું સંતાન તેમનું સ્વજન હેમખેમ મળી આવશે પરંતુ એક-એક મૃતદેહ સાથે આશાઓ ઠગારી નીવડતી હતી! ઘટના એટલી કંપાવનારી હતી કે બચાવ, રાહતમાં જોડાયેલા લોકોની આંખોમાંથી પણ આંસુઓનો ધોધ વહેતો હતો. ગણતરીની મિનિટો પહેલાં હસતા કુદતા નિર્દોષ લોકોની લાશો બહાર આવી રહી હતી. તાકીદની સારવાર માટે કિનારે ઉભેલી એમ્બ્યુલન્સે શબવાહિનીની ફરજ બજાવવી પડી હતી.

આખી ઘટના પાછળ પ્રાથમિક દૃષ્ટિએ બ્રિજની જાળવણી અને નિભાવની જવાબદારી સંભાળતી કંપની અને મોરબી નગરપાલિકાના અધિકારીઓની બેજવાબદારી પુરવાર થતી હતી. વિગતો મુજબ બ્રિજ રિપેરિંગ માટે બંધ કરાયો હતો. રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ બ્રિજની ક્ષમતા અને સલામતી અંગેના નિષ્ણાંતોના કોઈપણ પ્રકારના પ્રમાણપત્રો, મંજુરી મેળવ્યા વગર જ બ્રિજને નવા વર્ષના દિવસે જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકી દેવાયો હતો. બ્રિજની જાળવણીની જવાબદારી સંભાળતી સંસ્થાએ બ્રિજની ક્ષમતા અંગે નિષ્ણાતો પાસે ચકાસણી નહીં કરાવવાની ભૂલ કરી હતી. આ ઉપરાંત મોરબી નગરપાલિકાના શાસકોએ પણ બ્રિજની સલામતી અને ક્ષમતા જાણવાની દરકાર રાખી નહોતી અને ઉતાવળે બ્રિજને સહેલાણીઓ માટે ખુલ્લો મુકીને વધુ ગંભીર અને ગુનાઈત ભુલ કરી હતી.

આ ઉપરાંત બ્રિજ ઉપર ક્ષમતા કરતા વધારે લોકો હોવાની કેટલાક લોકોએ ફરિયાદ પણ કરી હતી અને બ્રિજ તૂટી પડશે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી છતાં ધરાર અવગણના કરવામાં આવી હતી અને આખરે સામૂહિક
મોતની ભયાનક દુર્ઘટના બનવા પામી હતી.

દાયકાઓ પહેલા મચ્છુ ડેમ તૂટી પડવાની ઘટનાને કુદરતી હોનારત કહી શકાય પરંતુ ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના ચોક્કસ માનવસર્જિત દુર્ઘટના કહી શકાય. અલબત્ત હવે દુર્ઘટના માટે જવાબદાર લોકોને ફાંસીએ લટકાવવામાં આવશે તો પણ લોકો, પરિવારોએ ગુમાવેલા સ્વજનો પાછા મળવાના નથી. મોરબીની ભયાનક દુર્ઘટના બાદ રાજ્યમાં અને દેશમાં અનેક સ્થળોએ આવેલા રોપ-વે સહિતના સાધનોની ક્ષમતા, મજબુતાઈ ફરી વખત તપાસી લેવાની ચોક્કસ જરૂરિયાત ઊભી થવા પામી છે.

આ પણ વાંચો :-