કુદરતનો આવો તે કેવો ન્યાય ? મૃત્યુ સનાતન છે તો સમય પહેલાં શા માટે ?

Share this story

What is the justice of nature?

  • સંબંધમાં બનેવી પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’ માટે અપાર ચિંતા ધરાવતા રમણીકલાલના અકાળે નિધનની ઘટનાએ વધુ એક વજ્રઘાત પહોંચાડ્યો
  • એક વર્ષના ટુંકા ગાળામાં ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારે બિધાનચંદ્ર પંડ્યા (બી. કે. પંડ્યા), બાબુકાકા, હેમંત ભટ્ટજી, યોગેશ ઢીંમર ગુમાવ્યાનું દર્દ રુઝાય ત્યાર પહેલાં રમણીકલાલનાં નિધને વધુ એક આઘાત પહોંચાડ્યો
  • ઘણી વખત લાગણીભર્યા અને સ્નેહાળ શબ્દો આફતના સમયે જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે પુરતા થઈ પડે છે, રમણીકલાલ હંમેશા કહેતાં ‘‘કામકાજ હોય તો કહેજો’’ આ શબ્દો જ અમારા માટે જડીબુટ્ટી જેવા હતા.

જીવન એક યાત્રા છે જેનો ભૂતકાળ, વર્તમાન અને અંતકાળ (the end times) પણ  છે પરંતુ આ બધુ સત્ય ત્યારે જ સમજાય છે કાં તો એ માણસ જી‍ંદગીને જીવી ગયો. કાં જી‍ંદગીથી દાઝી ગયો હોય. આપણી રોજબરોજની જી‍ંદગીમાં આપણી આસપાસ ઘણા લોકો સ્વજનો રહેતા હોય છે પરંતુ તેમના મનમાં ઉભરાતી લાગણીઓ, આનંદ અને શોકને આપણે એટલા માટે સમજી શકતા નથી કારણ કે આપણે આવા સ્વજનોને કાંતો હળવાશથી લઇએ છીએ અથવા તો આપણા મનમાં આવી કોઇ સંવેદના નથી હોતી અને મોટાભાગના લોકો વર્તમાન સમયમાં સંવેદના વગર જીવતા હોય છે અને ક્યારેક સંવેદના હોવા છતાં સમય અને સંજોગો સંવેદનાને ભુલી જવા માટે મજબૂર કરતા હોય છે પરંતુ પોતીકા સ્વજનને ગુમાવ્યા પછી આપણામાં છુપાવેલી કે દબાવી રાખેલી સંવેદનાઓ દુઃખનો ધોધ બનીને વહેવા માંડે છે અને સાથે અંતરમનમાંથી એક હતાશાની સ્થિતિ આકાર પામે છે.

વ્યક્તિગત અને જાહેરજીવનમાં રોજબરોજ આપણી આસપાસમાં આવી ઘટનાઓ આકાર પામતી જ હોય છે. આપણી અડોશપાડોશમાં કે આપણી સાથે કામ કરતા સહકર્મીઓ અને પરિવારમાં બનતી ઘટનાઓને આપણે માત્ર દુઃખ કે સહાનુભૂ‌િત વ્યક્ત કરીને ભુલી જઇએ છીએ. ઘરેથી નીકળીને નોકરી કે ધંધાના સ્થળે જતી વખતે રસ્તામાં ઘણી વખત શબવાહીની બંધ બોડીમાં સ્મશાન ઘાટ લઇ જવાતા મૃતકના સ્વજનોના મનમાં ચાલતા વલોપાતને આપણે અનુભવી શકતા નથી. કારણ કે મૃત્યુ પામેલી વ્યક્તિ આપણું સ્વજન નથી.

ખેર, દરેકના જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય છે. માત્ર સ્વજન જ નહીં પરંતુ જીવનની સફરમાં સાથી, મિત્ર બનીને આવેલા સ્વજનનું મૃત્યુ પણ અત્યંત દુઃખદાયક હોય છે. પરંતુ તેમના મૃત્યું બાદ તેમની ગેરહાજરીનો ખાલીપો બાકીની જી‍ંદગીને વેરાન કરી નાંખે છે. મારા મિત્ર અને ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારના મોભી બિધાનચંદ્ર પંડ્યા (બી.કે.પંડ્યા)ને ગુમાવ્યાને બરાબર એક વર્ષનો સમય પસાર થઇ ગયો પરંતુ હજુ પણ તેમનો ખાલીપો દિવસ-રાત સતાવ્યા કરે છે. એક વર્ષ પછી પણ તેમની ચેમ્બર અને ખુરશી ખાલી પડ્યા છે! અને હજુ પણ ભાસ થાય છે કે પંડ્યાજી ઓફિસમાં બેઠા છે. આ બધુ થવા પાછળ માત્રને માત્ર આત્મિય સંબંધો જ કારણરૂપ છે અને સ્વાર્થ વગરના આત્મિય સંબંધોને કારણે જ જી‍ંદગી જીવી જવાય છે બાકી દરેકનું મૃત્યુ એ ‘સનાતન’ સત્ય છે.

પંડ્યાજી પછી ગુજરાત ગાર્ડિયન પરિવારે પંડ્યાજી જેવા જ નખશીખ સજજન બાબુકાકા ત્યાર પછી હેમંત ભટ્ટ (ભટ્ટજી) અને ખુબ જ પ્રમાણિક અને પોતાને કેન્સર હોવા છતાં કામગીરી ચાલુ રાખનાર યુવાન યોગેશ ઢીંમરને ગુમાવ્યા હતા. ખૂબ જ ટુંકા ગાળામાં પરિવારના સભ્ય એવા ચાર ચાર સ્વજનોને ગુમાવ્યા પછી જાણે જી‍ંદગી સાવ નિરર્થક લાગતી હતી પરંતુ કેટલીક જવાબદારીઓ જી‍ંદગી જીવવા માટે મજબૂર કરી રહી છે. અલબત્ત આ મજબુરી સમાજના બધા જ લોકો સમજી શકે એ જરૂરી નથી.

આજકાલ જી‍ંદગી એક વેપાર જેવી બની ગઇ છે. કોઇક મજબુરીમાં ફસાયેલો માણસ‘જીવે કે મરે’ તેની કોઇને જ પડી નથી સમગ્ર જગત જાણે સ્વાર્થી બની ગયું છે બલ્કે એવું ચોક્કસ કહી શકાય કે દેશની પડી ભાંગેલી આર્થિક વ્યવસ્થાએ માણસ જાતને સ્વાર્થી બનાવી દીધી છે. માનવીય સંબંધો સાવ ભુલાઇ ગયા છે. આવા કપરાકાળમાં તમારા આત્મિય સ્વજનનું મૃત્યુ પોતાના મોત કરતા પણ વધુ પીડાદાયક હોય છે.

‘‘ગુજરાત ગાર્ડિયન’’ એ ચાર ચાર સભ્યોને ગુમાવ્યા બાદ ખાસ કરીને ‘‘ગુજરાત ગાર્ડિયન’’ માટે સતત મુક સંવેદના પ્રગટ કરનાર સંબંધમાં ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારનાં બનેવી પરંતુ મિત્ર કરતા વિશેષ રમણીકલાલનું નિધન વધુ અકળાવી ગયું પોતે આર્થિક સક્ષમ નહોતા પરંતુ પોતે કંઇક મદદ કરવા માટે તડપતા હતા. સ્વભાવે વિનમ્ર અને અત્યંત લાગણીશીલ રમણીકલાલના મનમાં ગુજરાત ગાર્ડિયનની મુશ્કેલી માટે વહેતી વેદનાની અમે કલ્પના કરી શકતા હતા. તેમના હંમેશ શબ્દો હતા ‘‘સાહેબ, કંઇ કામ હોય તો કહેજો’’ તેમના આટલા શબ્દો અમને જીવન જીવવા અને સંઘર્ષનો સામનો કરવા હિંમત આપતા હતા. પાછલા ચાર પાંચ વર્ષ દરમિયાન અનેક આફતો આવી અને ગઇ, ઘણાં સ્વજનોએ મોઢા ફેરવી લીધા પરંતુ રમણીકલાલના દિલ અને દિમાગમાં ‘‘ગુજરાત ગાર્ડિયન’’ ફરી ક્યારે મૂળસ્થિતિમાં ધમધમતુ થાય તેની સતત ચિંતા વહેતી હતી. કોઇક દિવસ પેપર મળ્યું ન હોય તો અનેક ચિંતાઓ વચ્ચે ફોન કરીને સ્થિતિ જાણી લેવાની ચિંતા કરતા હતા.

રમણીકલાલ સ્વભાવે શાંત, નિર્મળ અને સહનશીલ હતા. કોઇક મુદ્દે આપણે ઊંચા અવાજે વાત કરીએ તો તેઓ વાતને હંમેશા ટાળી દેતા હતા ‘‘તેઓ હંમેશા કહેતા ઠીક છે તમારૂ મગજ શાંત થાય પછી વાત કરીશું’’ તેમના આટલા શબ્દો જ મનને શાંત કરવા માટે પુરતા થઇ પડતા હતા. મુંબઈ દહીંસર ખાતે રહેતાં બે ભાઇઓના પરિવારમાં તેઓ નાના હતા પરંતુ એકપણ ઘટના એવી બનવા પામી નહી હોય કે તેમણે મોટાભાઇ હિંમતભાઇના શબ્દો ઊથાપ્યા હોય. પરિવાર મોટો હોવાથી ઘરમાં મતભેદ થવાના જ પરંતુ તેઓ મોટાભાઇ હિંમતભાઇને પિતા તુલ્ય માનતા હતા અને કોઇપણ પ્રસંગ હોય તો મોટાભાગે બન્ને ભાઇઓ સાથે જ જવાના આગ્રહી રહેતા હતા. ઘણી વખત અમને એવું કહેતા હતા કે ‘‘મને નહીં સાચવો તો કંઇ નહીં પણ મારા ભાઇનું સન્માન જળવાવું જોઇએ જ’’ અલબત્ત મોટાભાઇ પ્રત્યેની લાગણીનો અમને પણ ગર્વ હતો.

હજુ થોડા દિવસ પહેલા બહેન મંજુલાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઇ જવામા આવી હતી. ડોકટરોએ તત્કાળ સારવાર આપીને મંજુલાને સાવ સારી નરવી કરી દીધી, આ ઘટના દુઃખદ હતી, પરંતુ મંજુલા સારી થઈ જવાથી પરિવારના આનંદમાં ફેરવાઇ ગઇ હતી. બન્ને ભાઇઓનો પરિવાર ખુશખુશાલ હતો, કારણ કે મંજુલાના માથેથી ખૂબ મોટી આફત ટળી ગઇ હતી. બલ્કે એવું કહી શકાય કે મોત દરવાજે ટકોરો મારીને ચાલ્યું ગયું હતું.

પરંતુ કોઇને ક્યાં ખબર હતી કે કાળ હજુ દરવાજે ઊભો હતો !

મંજુલાની બીમારીની ખબર પુછવા રોજેરોજ સ્વજન, સંબંધીઓ મિત્રો… આવી રહ્યા હતા. પરિવારમાં પણ ખુશાલીનો માહોલ હતો પરંતુ જાણે કુદરતને આ ખુશાલી મંજુર નહોતી. ૧૯મી ઓગષ્ટને શુક્રવારે જન્માષ્ટમીનો તહેવાર હતો. મધરાત સુધી ઘરમાં ઉત્સવની ખુશાલી હતી, મધરાત્રે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવના દર્શન કર્યા. પ્રસાદી પણ લીધી અને વાતો કરતાં કરતાં બધા પથારીમાં સુઇ ગયા. કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઊંઘી ગયેલા રમણીકલાલ માટે આ જીવનયાત્રાનો અંતિમ સમય હતો॰

કોઇપણ પ્રકારની બીમારી નહોતી કંઇક અજુગતું લાગતું હોવાની ફરિયાદ પણ ન હોતી પરંતુ શનિવારની મધરાત અને રવિવારની વહેલી સવારે દરવાજે ઊભેલો કાળ કામ કરી ગયો હતો.

વહેલી સવારે અચાનક છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા મોટાભાઇનો દિકરો નિલેશ દવાખાને લઇ ગયો અને બસ ગણતરીની મીનીટોમાં રમણીકલાલ અનંતની યાત્રાએ ઉપડી ગયા હતા !

બંધ પડી ગયેલા હૃદયને ફરી ધબકતું કરવા ડોકટર્સના લાખ પ્રયાસો છતાં રમણીકલાલ કાળ પથારીમાંથી ફરી બેઠા થયા નહીં !

આ તરફ પરિવાર તેમના પાછા ફરવાની રાહ જોઇને બેઠો હતો, મોટાભાઇ હિંમતભાઇ હોસ્પિ.માં ફોન કરીને સ્થિતિ જાણવાની કોશીષ કરતા. મંજુલાના મનમાં પણ કોઇ અમંગળની શંકાઓ નહોતી રાબેતા મૂજબ ઘરનું કામ કરતી હતી, પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેનુ સૌભાગ્ય નંદવાઇ ગયું હતું.! ઘર પરિવારના કોઇપણ સભ્ય મંજુલાને અમંગળ વાત કરવાની સ્થિતિમાં નહોતા અને વાત કરવી તો કઇ રીતે કરવી? આવી મુંઝવણ વચ્ચે આખરે રમણીકલાલના‘નિધન’ની વાત કરવામાં આવી ત્યારે મંજુલા દુઃખનો આઘાત વ્યક્ત કરવાની સ્થિતિમાં નહોતી, કોઇ શબ્દ નહોતા. તેની આંખના આંસુ પણ થીજી ગયા હતા !

આ દ્રષ્ય અત્યંત ભયાનક હતું મંજુલાને તૂટતી રોકવી જરૂરી હતી. અંતે એક વિકટ સમય પસાર થઇ ગયો. સ્વજનો, સંબંધીઓ, પડોશીઓથી ઘર ભરાઇ ગયું અને બીજા દિવસે રવિવારની સવારે રમણીકલાલના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે તેમની ચિતામાંથી નીકળતી આગ ક્ષણ ભંગુર જીવન માટે ખૂબ મોટો સંદેશો આપતી હતી. જાણે રમણીકલાલ કહી રહ્યા હતા, મારું નિર્લેપ જીવન જ મારો સંદેશ છે.

અને એ પણ હકીકત છે કે લગભગ ૬૪ વર્ષની લાંબી જી‍ંદગીમાં રમણીકલાલને કોઇ સાથે વિવાદ થયો હોવાની એકપણ ઘટના બનવા પામી નહોતી. તેઓ અજાત શત્રુ હતા. રમણીકલાલ સાથે  કોઈ સંજોગોમાં કારણ વગર વિવાદમાં ઉતરેલા લોકોને પણ એક નખશીખ સજ્જન ગુમાવ્યાની વેદના જરૂર કોરી ખાતી હશે.

દહીંસરનો આનંદનગર વિસ્તાર સાવ સુનો ભાસતો હતો. રમણીકલાલ અને પરિવારે આ વિસ્તારમાં દાયકાઓ પસાર કર્યા હતા. દરેક સોસાયટી અને ફૂટપાથ ઉપર વસતાં લોકો પણ રમણીકલાલના નિધન માટે આઘાત વ્યક્ત કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો :-