શિમલામાં ગેરકાયદે મસ્જિદ નિર્માણ પર હોબાળો, વિધાનસભામાં પણ મામલો ઉછળ્યો

Share this story

શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ મુદ્દે સ્થાનિક લોકોએ તો વિરોધ પ્રદર્શન કર્યું જ પરંતુ આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે તીખા નિવેદનો શરૂ થઈ ગયા છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જેના કારણે રાજકારણ ગરમાયું છે.

બે દિવસમાં મસ્જિદ તોડી પાડો...' શિમલામાં ગેરકાયદે બાંધકામ અંગે હોબાળો, વિધાનસભામાં પણ મામલો ઉછળ્યો 1 - image

હિમાચલ પ્રદેશના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં મસ્જિદના નિર્માણના મુદ્દે કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, સંજૌલી બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. ચોરીઓ થઈ રહી છે, લવ જેહાદ જેવી ઘટનાઓ ઘટી રહી છે, જે રાજ્ય અને દેશ માટે ખતરનાક છે. મસ્જિદનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. પહેલા એક માળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પછી મંજૂરી વિના બાકીની માળનું બાંધકામ કરવામાં આવ્યું. હવે 5 માળની મસ્જિદ બનાવી દેવામાં આવી. તંત્રને એ સવાલ છે કે, મસ્જિદના ગેરકાયદે બાંધકામનું વીજળી-પાણીમાં કાપ કેમ મૂકવામાં ન આવ્યો?

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. સુખુએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે. મસ્જિદ સામે વિરોધ કરવા નીકળેલી ભીડ અંગે તેમણે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. સીએમએ કહ્યું કે આ મામલે બંધારણ મુજબ કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી જોવાની જરૂર નથી. મસ્જિદ ગેરકાયદે રીતે બનાવવામાં આવી હોવાના પ્રશ્ન પર મુખ્યમંત્રીએ કહ્યું કે જો તે ગેરકાયદે હોવાનું જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.