ગુજરાતમાં અપક્ષના આ ધારાસભ્યે ભગવો ધારણ કર્યો

Share this story

લોકસભા ચૂંટણી ૨૦૨૪ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

ચૂંટણીની મોસમ એ પક્ષપલટાની મોસમ ગણાય છે અને હવે ગણતરીના મહિનાઓમાં જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓને પગલે ઘણા ધારાસભ્યોના રાજીનામાના સમાચારો આવી રહ્યા છે. જો કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ પહેલા ભાજપમાં જ હતા, તેમને ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભામાં ચૂંટણી માટે ભાજપે ટિકીટ ન આપતા તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા. અમુક અહેવાલો મુજબ, તેમની ચૂંટણી એફિડેવિટ મુજબ તેઓ વડોદરાના સૌથી ધનિક ઉમેદવાર હતા. મુખ્યત્વે રાજપૂત વોટબેંક પર તેઓ વર્ચસ્વ ધરાવે છે. ગત ચૂંટણીમાં તેઓ ૧૪ હજાર મતોથી ચૂંટાઇ આવ્યા હતા.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ધર્મેન્દ્રસિંહે બળવો કર્યો હતો. તેમણે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે રાજીનામું આપતા હવે આ બેઠક પરથી ફરી પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જ હતા ત્યારે હવે ફરીથી ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું  છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી છે.

આ પણ વાંચો :-