ચૂંટણી કમિશનરના પદ માટે આ બે નામોની દેશ ભરમાં ચર્ચા

Share this story

કોંગ્રેસના નેતા અધીર રંજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતાનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે બે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને દેશભરમાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે.

જ્ઞાનેશ કુમાર નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ થોડા દિવસ પહેલા સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા હતા. આ મંત્રાલયની રચના થઈ ત્યારથી જ જ્ઞાનેશે અહીં કામ કર્યું હતું. અગાઉ તેઓ ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા. તે દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી હતી. જ્ઞાનેશ ૧૯૮૮ બેચના કેરળ કેડરના અધિકારી છે.

પૂર્વ IAS અધિકારી સુખબીર સંધુને જુલાઈ ૨૦૨૧ માં ઓમ પ્રકાશની જગ્યાએ ઉત્તરાખંડના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૮૮ બેચના IAS અધિકારી સુખબીર સંધુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હતા. કેન્દ્ર સરકારે તેમની એક વર્ષ માટે લોકાયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી હતી. તે સમયે કેન્દ્રીય કેબિનેટ સમિતિ દ્વારા જાહેર કરાયેલ નિમણૂક પત્ર અનુસાર, ઉત્તરાખંડ કેડરના નિવૃત્ત IAS અધિકારી અને ૧૯૮૮ બેચના ડૉ. સુખબીર સંધુને એક વર્ષના સમયગાળા માટે કરારના આધારે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તેઓ ગયા વર્ષે ૩૦ સપ્ટેમ્બરે ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને સામેલ કરવાના કાયદાને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ. ગયા વર્ષે રજૂ કરાયેલા કાયદાએ મીટિંગને માત્ર “ઔપચારિકતા” સુધી મર્યાદિત કરી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ બેઠકમાં ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈન્દિવીર પાંડે, સુખબીર સિંહ, ગંગાધર રાહતના નામ પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો :-