કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રામલલાના સામે માથું નમાવ્યું

Share this story

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે અયોધ્યામાં રામમંદિર પહોંચ્યા અને માથું ટેકવ્યું હતું. આરિફ મોહમ્મદ ખાને મંદિરને ‘શાંતિનું સ્થળ’ ગણાવ્યું હતું. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં કેરળ રાજભવને કહ્યું કે, ‘રાજ્યપાલે રામ મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા.’ રાજભવન દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ભગવાન રામલલ્લાની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવતા જોવા મળે છે અને પૃષ્ઠભૂમિમાં ‘જય શ્રી રામ’ના નારા સંભળાય છે.

અયોધ્યા પહોંચીને રાજ્યપાલ આરિફ ખાને વધુમાં કહ્યું કે હું ઘણી વખત અયોધ્યા ગયો છું અને હું અયોધ્યાનો પાડોશી છું. હું પહેલાં પણ ઘણી વખત આવતો-જતો રહ્યો છું, તે અમારા માટે ખુશીની નહીં, પણ ગર્વની વાત છે. હું ૨૨મી જાન્યુઆરી પહેલાં અહીં આવ્યો હતો અને હવે ૨૨મી જાન્યુઆરી પછી આવ્યો છું, આજે માત્ર ભગવાન રામલલ્લાનાં દર્શન કરવા આવ્યો. અયોધ્યાનો પડોશી જિલ્લો બહરાઈચ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો મતવિસ્તાર રહ્યો છે.

આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે તેમને શ્રી રામચરિત માનસનું પુસ્તક ભેટ આપ્યું હતું. ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે, હું જાન્યુઆરીથી ૨ વખત અયોધ્યા આવ્યો છું, જે લાગણી તે સમયે હતી તે આજે પણ છે.

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે બીજી વખત અયોધ્યા પહોંચ્યા હતા. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પહેલાં અયોધ્યા એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા ત્યારબાદ રામલલ્લાનાં દર્શન કરવા રામમંદિર પહોંચ્યા હતા. ગર્ભગૃહની સામે પહોંચીને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રામલલ્લાને જોઈને ભાવુક થઈ ગયા અને તે જ જગ્યાએ બેસીને તેમના ચરણોમાં માથું ટેકવ્યું હતું અને હાથ જોડીને આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો :-