વ્યાજખોરીના દુષણને નાથવાનું સરકારનું અભિયાન સરાહનીય, પરંતુ મજબૂર લોકોની સ્થિતિ જાણવી પણ જરૂરી

Share this story

The government’s campaign to combat the scourge

  • ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી જમીનનાં માણસ છે, તેમને ખબર છે કે, રોજેરોજનું કમાનારા ગરીબો શા માટે વ્યાજખોરો પાસે જાય છે ?
  • વ્યાજખોરોનાં ત્રાસથી ઘણાં આખાને આખા પરિવારોએ આપઘાત કરી લીધા હતા પરંતુ કેટલાંને સજા થઈ? ઘણાં તો સ્યુસાઈટનોટ પણ લખી ગયા હતા પરંતુ કેટલાંને ફાંસીએ લટકાવાયા?
  • વ્યાજખોરીને ચોક્કસ નાથી શકાય પરંતુ સરકારે સમસ્યાનાં મૂળમાં ઉતરવાની જરૂર છે, મોટાભાગનાં ચેક રિર્ટનનાં ચાલતા કેસની પણ તપાસ કરવી જરૂરી.
  • ગરીબોને બેંકો લોન આપતી નથી, કારણ તેમની પાસે મિલક્તો નથી અને એટલે પોતાનાં બાવડાની તાકાત ઉપર ધિરાણ આપતા વ્યાજખોરોનાં શરણે ગયા વગર છુટકો નથી.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi) રાજ્યમાં મજબૂર લોકોનું શોષણ કરતાં વ્યાજખોરો સામે ઝૂંબેશ શરૂ કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા સેંકડો મજબૂર લોકોને છુટકારો મળવાની આશા ઊભી કરી છે. પરંતુ વ્યાજખોર (Usury) સામેની ઝૂંબેશ કેટલી હદે અસરકારક નીવડશે તેની સામે શંકા છે. સરકારની ઝૂંબેશને પગલે છુટક વ્યાજનો ધંધો કરતાં લોકો ઉપર આંશિક લગામ આવશે. પરંતુ જ્યાં સુધી ગરીબોને, મજબૂર લોકોને સરકારી, સહકારી બેંકોમાંથી સરળતાથી ધિરાણ નહીં મળે ત્યાં સુધી વ્યાજખોરીના ‘દાનવ’ને નાથવો મુશ્કેલ છે. શાકભાજીનાં ફેરિયા કે કટલરીવાળા પાસેથી રોજેરોજનાં ૧૦ ટકા જેટલું વ્યાજ વસૂલ કરતાં એક નહીં સેંકડો શોષણખોરો જ્યાં હાથ નાંખો ત્યાંથી પકડાઈ જશે. પરંતુ પોતાની રોજની કમાણીમાંથી ૧૦ ટકા સુધીનો હિસ્સો વ્યાજખોરોને ચૂકવી આપતા આવા વ્યાજખોરો મજબૂર લોકોનો મૂળ આધાર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જમીનનાં માણસ છે. આ એવા રાજકારણીઓ છે કે, જેઓ ફૂટપાથ ઉપર કે રેંકડી (લારી)માં ધંધો કરતાં અને રોજનું રોજ કમાણી કરીને પરિવારનો ગુજારો કરતાં લોકોની સ્થિતિથી વાકેફ છે. તેમ છતાં એક એ પણ હકીકત છે કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતે ઈચ્છે તો પણ ગરીબ, મજબૂર શ્રમજીવીઓની આર્થિક જરૂરિયાત સંતોષી શકે તેમ નથી.

bhupendra patel (1)

કારણ કે, આપણા બેકીંગ કાયદા એવા છે કે, એક રૂપિયાનું ધિરાણ આપતાં પહેલા સો રૂપિયાની મિલકતો લખાવી લેવામાં આવે છે. હવે આ ગરીબો પાસે મિલકત જ નથી તો બેંકો ક્યાંથી ધિરાણ આપવાની? અને એટલે જ ગરીબો અને મજબૂર લોકો માટે ભલે શોષણખોર હોય તો પણ ખાનગી વ્યાજખોરો જ હાથવગુ સાધાન ગણાય છે. વળી, આ વ્યાજખોરો કાયદાનાં જોરે નહીં પરંતુ પોતાની વ્યક્તિગત બાવડાની તાકાત ઉપર જરૂરિયાતમંદને ધિરાણ આપતા હોય છે. એટલે જ પોલીસ ગમે તેટલા અભિયાન ચલાવે તો પણ વ્યાજખોરીનાં દુષણને નાથવાનું મુશ્કેલ જ નહીં પરંતુ અતિમુશ્કેલ છે. વળી હવે ચેક રિર્ટનનાં કેસમાં પણ આકરા કાયદા હોવાથી સરકાર ઈચ્છે તો પણ કોર્ટનાં કઠેરામાં વ્યાજખોરીનાં ચક્કરમાં ફસાયેલા મજબૂર વ્યક્તિને બચાવી શકે તેમ નથી. આ ઉપરાંત સરકાર કે પોલીસ એક વખત વ્યાજખોર સામે ગુનો દાખલ કરીને પેલી મજબૂર વ્યક્તિને ચૂંગાલમાંથી છોડાવી શકશે, પરંતુ આખી જિંદગી રક્ષણ આપવાનું કે શ્રમજીવીને રોજગારીનું સાધન આપવાની સરકારની ત્રેવડ નથી અને શક્ય પણ નથી.

એકલા ગુજરાતમાં વ્યાજખોરોનાં ત્રાસથી અનેક પરિવારોએ સામૂહિક આપઘાત કરી લીધાની ઘટનાઓ બનવા પામી છે. ઘણાં પરિવારો આપઘાત કરતાં પહેલાં સ્યુસાઈડનોટ પણ લખતા ગયા હતા, પરંતુ વિતેલા વર્ષો દરમિયાન એકપણ વ્યાજખોરને દાખલારૂપ સજા થઈ હોવાનું ધ્યાને નથી. કારણ કે, વ્યાજખોરોનાં ત્રાસ અને ભય સરકારનાં કાયદા કરતાં વધુ ભયાનક હોય છે. વ્યાજખોરનાં ચક્કરમાં ફસાયેલા લોકોને પોલીસ એકાદ બે દિવસ રક્ષણ આપશે. વ્યાજખોરો કેટલી હદે ત્રાસ આપે છે એ કહેવાની જરૂર નથી. મજબૂર લોકોનાં ઘરમાં વસૂલાત માટે અડીંગા જમાવીને બેસતા વ્યાજખોરોનાં સાગિરતો ગરીબ પરિવારની માં, બેનની પણ સતામણી કરવાનું છોડતા નથી. આ બધુ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓ જાણે જ છે. પરંતુ કાયદાથી રોકી શકાતા નથી.

ગુજરાતમાં અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સરકાર સત્તામાં છે. પરંતુ સમાજમાં પથરાયેલા વ્યાજખોરી કરતાં તત્ત્વોને કોઈ જ ફરક પડતો નથી. કારણ કે, આવા તત્ત્વો કાયદાની છટકબારીને સારી રીતે જાણતા હોય છે. સરકાર ખરેખર લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા ઈચ્છતી હોય તો ખાનગીરાહે તપાસ કરાવશે તો ખ્યાલ આવશે કે રાજ્યનાં ગરીબોનાં ખૂબ મોટા વર્ગનાં લોકોની મિલકતો વ્યાજખોરોનાં પંજામાં સપડાયેલી હશે. સરકાર ગમે તે કહે, ગમે તેટલો વિશ્વાસ અપાવે તો પણ ગણ્યા ગાંઠ્યા લોકોને બાદ કરતાં એક પણ શ્રમજીવી પરિવાર વ્યાજખોરોની સામે લડવા મેદાનમાં નહીં આવે. કારણ કે, પાણીમાં રહીને ‘મગરમચ્છ’ની સામે વેર કોણ બાંધે? લોકોને એ પણ ખબર છે કે, સરકાર કે પોલીસ થોડા દિવસ રક્ષણ આપશે. પછીનાં દિવસો તો આ ‘મગરમચ્છ’ સામે જ જીવવાનાં છે.

હર્ષ-૧

સરકારનો અભિગમ સરાહનીય છે. સરકાર ખરેખર વ્યાજખોરોની જાળને નાશ કરવા માંગતી હોય તો સૌપ્રથમ માથાફરેલા અને વ્યાજખોરોની ચુંગાલમાં કઈ અને કેવી રીતે ફસાયેલા લોકોને સાંભળીને, અભ્યાસ કરીને વ્યાજખોરીની પ્રવૃત્તિ સામે કાયદાનો કોરડો વિંઝશે તો વ્યાજખોરી નેસ્તનાબૂદ નહીં થાય પરંતુ અંકુશ ચોક્કસ મુકી શકાશે. આ ઉપરાંત કોર્ટમાં ચાલતા ચેક રિર્ટનનાં કેસમાં પ્રત્યેક કેસનો અભ્યાસ કરવામાં આવશે તો અનેક મજબૂરીનાં કિસ્સા બહાર આવશે.

આ પણ વાંચો :-