ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જવાનોને રાતોરાત રઝળતા કરી દેવાનો નિર્ણય અમાનવીય

Share this story
  • એક તરફ સરકારની કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કરોડોની લહાણી, બીજી તરફ ટીઆરબીના જવાનોના પેટ ઉપર લાત મારવાનું કૃત્ય શા માટે?
  • રોજના ૩૦૦ રૂપિયાના હિસાબે મહેનતાણું મેળવતા ટીઆરબીના જવાનો ભારેખમ પગારદાર પો.કો.ની ગરજ સારતા હતા અને છતા સરકારની આંખમા શા માટે ખટક્યા?
  • સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદના ક્યાં ગઈ? પોલીસદળને પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધી જાણતા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઇચ્છે તો જવાનોની રોજગારી બચી શકે

દિવાળીના તહેવારોના દિવસોમાં રાજ્ય સરકારે કર્મચારીઓ માટે લ્હાણી કરી હતી. પગાર અને વિવિધ ભથ્થામાં ઉમેરો કરીને કર્મચારીઓને ખુશહાલ કરી દીધા હતા. કોન્ટ્રાકટના કર્મચારીઓના પગારમાં સીધો ૩૦ ટકા વધારો કરીને સરકાર વરસી પડી હતી એમ કહી શકાય. પરંતુ આ બધાની વચ્ચે ટીઆરબી એટલે કે ટ્રાફિક બ્રિગેડના ૬૩૦૦ જેટલા જવાનોને રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવાનો નિર્ણય આઘાતજનક હતો. બલ્કે એવું કહી શકાય કે સરકારી કર્મચારીઓને પગાર અને ભથ્થામાં કરાયેલા વધારા ઉપર પાણી ફેરવી દીધું હતું. અને ટીઆરબી જવાનોના ૬૩૦૦ પરિવારોમાં તહેવારોના દિવસોમાં નિસાસા નાંખવા જેવી હાલત કરી હતી.

01ખાસ કરીને ટ્રાફિકના સંચાલન માટે સેવાભાવી સંસ્થાના બેનર હેઠળ ફિક્સ મહેનતાણું આપીને નોકરી ઉપર લેવાનો નિર્ણય કરાયો હતો. સંભવત આ ટ્રાફિક બ્રિગેડની શરૂઆત લગભગ ૨૦૦૫ના વર્ષમા સુરતથી થઈ હતી અને પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિંહાએ આ શરૂઆત કરી હતી. સુરતના સામાજિક અને ઉદ્યોગઅગ્રણી અશોક કાનુગો, જે.પી.અગ્રવાલ સહિત અન્ય અગ્રણીઓની આગેવાની હેઠળ એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી તથા ચોક્કસ ભંડોળ ઊભુ કરીને આ ભંડોળમાંથી ટીઆરબીના જવાનોને પગાર નહી પરંતુ ચોક્કસ રકમનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. આ તરફ ટ્રાફિક બ્રિગેડના જવાનો મળવાથી પોલીસ જવાનોને મોટી રાહત થઇ હતી. પોલીસ સ્ટાફની ખોટ આ જવાનોની હાજરીને પગલે પુરાઇ જતી હતી ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ હતી કે બેરોજગાર યુવાનોને રોજગારી આપવાનુ કામ થઇ રહ્યું હતું.ટ્રાફિક બ્રિગેડની યોજના વર્ષ ૨૦૦૯માં ક્રમશઃ રાજ્યભરમાં લાગુ કરવામાં આવતા પોલીસ, સરકાર અને સમાજ બધા માટે રાહતજનક હતું. વળી આ જવાનો બળબળતા તાપમાં પણ ફરજ બજાવવા ઉપરાંત અનેક કિસ્સાઓમા પોલીસદળ માટે પણ ઉપયોગી થતા આવ્યા છે. પરંતુ વધતી જતી મોઘવારી વચ્ચે આ જવાનોના પગાર કે જરૂરિયાતમાં વધારો કરવાનું કોઈએ પણ વિચાર્યું નહોતું. મહેનતાણું ચૂકવતા ટ્રસ્ટની એક મર્યાદા હતી.

પરંતુ સરકારે પણ ટ્રાફિક ‌િબ્રગેડના જવાનોના મહેનતાણામાં વધારો કરવાની દિશામાં વિચાર્યું નહોતું, બલ્કે ટીઆરબીના જવાનો પોલીસની કામગીરીનો જ એક ભાગ હતા.આજે ચારે તરફ મોંઘવારી, બેરોજગારી ભરડો લઇ ચૂકી છે. એવા સમયે ૬૩૦૦ જેટલા જવાનોને રાતોરાત જાણે રઝળતા મૂકી દેવાનો નિર્ણય ખરેખર નિંદનીય છે. ખરેખર તો ટીઆરબીમાં ફરજ બજાવી રહેલા જવાનોને લાયકાત પ્રમાણે પોલીસદળમા સામેલ કરવાની જરૂર હતી. વળી, એક તરફ સરકારી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે. એવા સમયે ટીઆરબીના જવાનોના મહેનતાણામાં વધારો કરવાને બદલે નોકરી છીનવી લેવાનો સરકારનો નિર્ણય ધરાર વ્યાજબી નથી.આ જવાનો સરકારના નિર્ણય સામે કાનૂની લડત આપી શકે તેમ નથી. કારણ કે તેઓ સરકારના કાયમી કર્મચારીઓ નથી અને એટલે જ સરકાર રાતોરાત આ જવાનોને નોકરી વગરના કરી દેવાની હિંમત કરી શકી.
પરંતુ વખત જતા સરકારનો નિર્ણય કમનસીબ પુરવાર થશે. રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા ઊધઈના રાફડાની માફક રોજેરોજ વકરી રહી છે.

ટીઆરબીના જવાનોને છૂટા કરી દેવાથી તેમની જગ્યાએ પોલીસ જવાનોને ગોઠવવા પડશે. મતલબ, પોલીસદળમાં એટલા જવાનોનો ગુનાખોરી રોકવા સહિતની કામગીરીમા ઉપયોગ લઈ શકાશે નહીં. આમ પણ રાજ્યના પોલીસદળમાં સુપરવાઇઝરી અધિકારીઓનો રાફડો છે. પરંતુ ફિલ્ડમાં કામ કરનાર પોલીસ જવાનોની ખૂબ મોટી ખોટ છે. વળી સરકાર નવા પોલીસ કૉન્સ્ટેબલોની ભરતી કરીને આર્થિક ભારણ વધારવાની તરફેણમાં નથી. આવા સમયે ટીઆરબીના જવાનોને રાતોરાત છૂટા કરવાનો નિર્ણય સરકાર અને પ્રજા માટે અઘાતજનક પુરવાર થશે. બીજી તરફ ગુનાખોરીને નિયંત્રણમાં રાખવા પોલીસ જવાનોની મોટી ખોટ વર્તાશે.
સરકારને ખબર જ હશે કે પ્રત્યેક સુપરવાઇઝરી ઑફિસર પોતાની સુખ, સાહ્યબી, સેવા માટે કેટલા જવાનોને રોકી રાખે છે. કહેવાની જરૂર નથી કે ઉપરી અમલદારોના ઘરના અને ખાનગી કામો પણ કોન્સ્ટેબલો દ્વારા જ કરાવવામાં આવે છે. ધરખમ પગાર અને સરકારી સુવિધાઓની ભરમાર છતાં અનેક અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલો પાસે નહીં કરાવવા જેવા કામ કરાવતા હોવાની છાને ખૂંણે ફરિયાદો ઊઠતી રહે છે.

ખેર, ખાખી વર્દીની આડમાં કે ખાખી વર્દીના જોરે કેવાં-કેવાં કામ કરાવી શકાય છે તેનો લગભગ દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક અનુભવ થયો હશે જ, પરંતુ ડંડાના જોરે અનેક લોકોએ મૂંગામોઢે અન્યાય સહન કરી લીધો હશે.
ટીઆરબીની વ્યવસ્થા જેવી હતી તેવી, પરંતુ જરૂરી હતી. જવાનોને ઓછુવત્તું પણ મહેનતાણું મળતુ હતું. ઉપરાંત પોલીસ જવાનોની ગરજ પણ સારતા હતા. મતલબ ટીઆરબી જવાનોની હકાલપટ્ટીનો નિર્ણય કસમયનો ગણાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની આખી સરકાર રોજ સવાર પડે ને ક્યાંક ને ‘સંવેદના’ દાખવતી રહે છે અને ભૂપેન્દ્ર પટેલને તો સંવેદનશીલ મુખ્યમંત્રી માનવામાં આવે છે. આનાથી પણ વધુ કહીએ તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એક સમયે પોતે પોલીસદળનો એક ભાગ હતા. મતલબ કે પોલીસની સમગ્ર કામગીરી પગના અંગૂઠાથી માથાની ચોટલી સુધી ઓળખનાર સી.આર.પાટીલ પણ દરમિયાનગીરી કરીને ટીઆરબીના જવાનો સાથે ન્યાય કરશે અને નોકરીથી વંચિત થતા બચાવી લેશે તો હાલના બેરોજગારી, અને મોંઘવારીના કપરા સમયમાં માનવીય પગલું ભર્યું ગણાશે.

સને ૨૦૦૫માં સુુધીર સિન્હા પોલીસ કમિશનર તરીકે સુરત શહેરમાં હતા ત્યારેે ટ્રાફીક ‌નિયમન માટે પોલીસની સાથે સાથે ટ્રાફીક બ્રિગેડ ટીઆરબીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જે તે સમયે સુરત શહેરમાં ૩૦ ટીઆરબીની નિમણુંક કરાઇ હતી.
ટ્રાફીક બ્રિગેડનો ખર્ચ ઉઠાવવા માટે અલગ-અલગ દાતા પાસેથી ખર્ચ મેળવાયો હતો. ત્યારબાદ તત્કાલીન પોલીસ કમિશનર આર.એમ.એસ બ્રારે ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરી હતી. અને તેના વ્યાજમાંથી ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા કાર્યરક રહે તેવું કાયમી આયોજન કર્યું હતું.
સરકારે પણ ૫-૫-૨૦૦૯માં આ વ્યવસ્થા અપનાવી રાજ્યભરમાં ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા કાર્યરત કરી, એક ટ્રાફિક બ્રિગેડને દૈનિક માનદ વેતન પેટે રૂ. ૩૦૦ ચૂકવવામાં આવતા હતા.

આ પણ વાંચો :-