સુરતનો ડાયમંડ ઉદ્યોગ આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ, સરકારની મદદ વગર વિશ્વના સીમાડા સર કર્યા

Share this story
  • લાખો લોકોને રોજગારી અને સરકારને વિદેશી હૂંડિયામણ રળી આપતા ડાયમંડ ઉદ્યોગના વિકાસ માટે એકપણ સરકારે મદદ કરી નહોતી
  • હીરા ઉદ્યોગના સાહસિકો સ્વમેળે ઊભા થયા અને સ્વમેળે જ હીરા ઘસવાથી શરૂ કરીને ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરવા સુધી પહોંચી ગયા
  • ડાયમંડ બુર્સનું નિર્માણ વૈશ્વિક ગૌરવ લેવા જેવી ઘટનાઃ સરકારનો સાથ મળશે તો આવનારા દિવસોમાં વિશ્વના જ્વેલર્સ સુરત, ગુજરાતમાં આવનજાવન કરતા હશે
  • અને હવે તો સુરતે ખુદ ‘લેબ-ગ્રોન’ ડાયમંડનુ ઘર આંગણે ઉત્પાદન શરૂ કરી દીધું છે, કોઈપણ પ્રકારના પ્રદૂષણર‌િહત લેબ-ગ્રોન ડાયમંડ સરકાર ઈચ્છે તો વૈશ્વિક માર્કેટનો ખૂબ જ ઝડપથી હિસ્સો બની જશે
  • ડાયમંડની સમાંતર લાખો લોકોને રોજગારી આપતા ટેક્સટાઈલ ઉદ્યોગ પણ આત્મનિર્ભર કહી શકાય, સરકારનો થોડો પણ સહયોગ મળે તો સુરતના કાપડ ઉદ્યોગની પણ વિશ્વમાં ‘સુરત બ્રાન્ડ’ પ્રસ્થાપિત કરવાની ક્ષમતા છે

સિલ્કસિટી તરીકે ઓળખાતા સુરતને ડાયમંડ સિટી તરીકેની ઝળહળતી ઓળખ આપનાર હીરા ઉદ્યોગનો ઈતિહાસ ખૂબ લાંબો નથી, પરંતુ પરિશ્રમ અને ગૌરવથી ભરેલો છે. આ એક એવો ઉદ્યોગ છે જેને સરકારે ક્યારેય પણ મદદ કરી નથી કે રાજ્ય, કેન્દ્ર સરકારનાં બજેટમાં પણ સ્થાન અપાયું નથી અને છતાં ડાયમંડ ઉદ્યોગની નિકાસમાંથી સરકારો અઢળક કમાણી કરતી રહી છે. લગભગ દરેક ઔદ્યોગિક ક્ષેત્રનાં કામદારોના કલ્યાણ માટે સરકારી યોજનાઓ હોય છે. પરંતુ રત્નકલાકારોનાં પરિવારોની આજ સુધીની એક પણ સરકારે ચિંતા કરી નથી બલ્કે રત્નકલાકારને ‘નફરત’ ભરી નજરથી જોવામાં આવતા હતા. રત્નકલાકારોની અગાઉ ‘હીરાઘસુ’ તરીકે ઓળખ હતી પરંતુ ભલું થજો પાંડુરંગ આઠવલેનું કે તેમણે હીરા ઘસવાનું કામ કરતાં કામદાર વર્ગને ‘રત્નકલાકાર’ તરીકેની ઓળખ આપી હતી અને ત્યારથી હવે હીરાનાં કારખાનામાં કામ કરતાં લોકોની રત્નકલાકાર તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે.

ખેર, આજે વિશ્વમાં સુરતની ઓળખ ઊભી કરનાર ડાયમંડ ઉદ્યોગની સુરતમાં નહીં પરંતુ સુરતથી ૩૦ કિ.મી.નાં અંતરે આવેલા નવસારીથી શરૂઆત થઈ હતી. લગભગ ૫૦ના દાયકામાં સુરત અને નવસારી વચ્ચે મોટો તફાવત નહોતો, બલ્કે સુરત કરતાં નવસારી વધુ સુઘડ અને સંસ્કારી મનાતું હતું. હીરાનો વેપાર ઉત્તર ગુજરાતના ખાસ કરીને જૈન સમુદાયનો હતો, પરંતુ કાચા હીરાને પહેલ પાડીને ચમકતો કરવાનું કામ સુરતનાં કણબી પટેલ પાટીદારોનાં હાથમાં હતું. સુરતનાં મહિધરપુરા, સૈયદપુરા વિસ્તારમાં રહેતાં પરિવારો પોતાના ઘરમાં જ હીરાની ઘંટી મૂકીને હીરા પૉલિશ કરવાનું કામ કરતા હતા. એ જમાનામાં હીરા બજારનું કે દલાલોનું કોઈ જ અસ્તિત્વ નહોતું. દિવસોની મહેનત કરીને તૈયાર કરવામાં હીરાની વાસ્તવિક કિંમત ખુદ હીરો તૈયાર કરનાર કારીગર જાણી શકતા નહોતા અને તેમ છતાં વેપારીથી શરૂ કરીને કારખાના માલિક અને કારીગર બધાને જ સંતોષકારક મહેનતાણું મળી રહેતું હતું.

વર્ષો સુધી આ રીતે ચાલતું રહ્યું, પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં ખરેખર ક્રાંતિના મંડાણ ૧૯૫૦ના દાયકા બાદ ૧૯૬૮ની રેલ અને સૌરાષ્ટ્રમાં પડેલા ઉપરાછાપરી દુષ્કાળને પગલે સૌરાષ્ટ્રવાસીઓનું મોટાપાયે સ્થળાંતર થતાં રોજગારીની શોધમાં લોકોનો પ્રવાહ સુરત તરફ વહ્યો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગનાં લોકો એ જમાનામાં અધૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાથી સરકાર કે કંપનીઓમાં નોકરી મળવાની શક્યતા નહોતી. જ્યારે કાપડ અને હીરા ઉદ્યોગ એવા હતા કે જ્યાં કામ કરવા માટે શૈક્ષણિક લાયકાતની જરૂર જ નહોતી, પરંતુ સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને આવી રહેલા લોકો માટે કાપડ કરતાં ડાયમંડ ઉદ્યોગમાં વધુ ફાવટ આવી ગઈ હતી.

આજે વૈશ્વિક નામનાં ધરાવતા એસઆરકે ગોવિંદ ધોળકિયા, લક્ષ્મી ડાયમંડનાં વસંત ગજેરા, કિરણ જેમ્સનાં વલ્લભ લાખાણી, પી.પી. સવાણી ગ્રુપનાં વલ્લભ સવાણી (ટોપી), હરેક્રિષ્ણ ડાયમંડનાં સવજી ધોળકિયા, ધર્મનંદન ડાયમંડ્સનાં લાલજી પટેલ (ઉગામેડી) સહિત અનેક ધુરંધરોએ ભૂતકાળમાં હીરાની ઘંટી ઉપર બેસીને કામ કર્યું હતું. પરંતુ તેમની સાહસિકતા તેમને વૈશ્વિક ઊંચાઈ ઉપર લઈ ગઈ. રીઅલ ડાયમંડની ભારત કરતાં વિશ્વનાં દેશોમાં મોટી માંગ હોવા છતાં વિતેલી સરકારોએ ડાયમંડ ઉદ્યોગને મહત્ત્વ આપ્યું નહોતું અને એટલે જ હીરા ઉદ્યોગનાં સાહસિકોએ હિંમત કરીને દેશનાં સીમાડા વળોટીને વિશ્વનાં દેશો સર કર્યા હતા. આજે વિશ્વનો એક પણ દેશ એવો નહીં હોય કે જ્યાં સુરતમાં બનેલો ડાયમંડ વેચાતો નહીં હોય.

આજે સુરતનાં ડાયમંડ બુર્સ માટે ગૌરવ લઈ રહેલાં રાજકીય લોકોનું સુરત ડાયમંડ બુર્સનાં નિર્માણ પાછળ કોઈ નોંધપાત્ર યોગદાન નથી એવું ચોક્કસ કહી શકાય. અલબત્ત ડાયમંડ ઉદ્યોગ રાજકીય પક્ષો માટે ખૂબ મોટી ‘વોટ બેંક’ હોવાથી હવે બદલાયેલા સંજોગોમાં સરકારે પણ ડાયમંડ ઉદ્યોગની નોંધ લીધા વગર છુટકો નથી.

હીરા ઉદ્યોગ સાથે જીવન પર્યન્ત સંકળાયેલા ભૂપેન્દ્ર રિબડિયા અને મનજી પટેલ(એમ.કાંતિલાલ)ના કહેવા મુજબ લગભગ ૧૯૩૯ના અરસામાં મધુકાકાનાં નામથી જાણીતા પાલનપુરના આ અગ્રણીએ જે.એમ. ડાયમંડનાં નામથી પ્રથમ વખત તૈયાર હીરાની નિકાસ કરી હતી. મૂળ પાલનપુરનાં જૈન અગ્રણી મધુકાકા સમાજસેવા માટે પણ ખૂબ જ જાણીતા હતા. મધુકાકાની દીર્ઘદૃષ્ટિ છતાં એ જમાનામાં વિશ્વવેપાર માટે પુરતા સાધનો પણ નહોતા અને આજનાં જેવી વિમાનસેવાઓ પણ નહોતી. પરંતુ ૧૯૩૯નાં અરસામાં મધુકાકાએ કરેલી પહેલ ડાયમંડ ઉદ્યોગ માટે આશાનાં કિરણ સમાન હતી. આવું જ એક વ્યક્તિત્વ ખુશાલદાસ કીકાણી હતા. મૂળ અમરેલી જિલ્લાના નાની મોણપર ગામના મૂળ વતની ખુશાલદાસ કીકાણીએ લગભગ ૧૯૫૮ના અરસામાં પોતાના કારખાનાની શરૂઆત કરી હતી. એ સમયે હીરાનો વેપાર જૈન અગ્રણીઓના હાથમાં હતો. બી.અરૂણકુમાર, બી.વિજયકુમાર જેવા જાણીતા વેપારીઓ તૈયાર હીરાનો વૈશ્વિક વેપાર કરતા હતા. પરંતુ ત્યારબાદ કાળક્રમે આવેલી ક્રાંતિ અને સૌરાષ્ટ્રવાસી લોકોની સાહસિકતાને પગલે ખુદ સૌરાષ્ટ્રવાસી કારખાના માલિકોએ જાતે જ રફ ડાયમંડ ખરીદીને પૉલિશ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં ઝંપલાવ્યું હતું. એ સમયે રશિયા અને ઓસ્ટ્રેલિયાથી કાચા હીરા આયાત કરવામાં આવતા હતા. જાણીને નવાઈ લાગશે કે આ એવા સાહસિક લોકો હતા કે જેઓ કિલોબંધી નહીં પરંતુ મણબંધ જથ્થામાં રફ ડાયમંડની આયાત અને નિકાસ કરતા થઈ ગયા હતા. ઘણા એવા લોકો પણ હતા કે જેમણે ઈઝરાયલ, બે‌િલ્જયમ, હોંગકોંગમાં ઓફિસો શરૂ કરી દીધી હતી. આ તરફ કુદરત પણ મહેરબાન હતી. પરિણામે સુરતના હીરાના ઉદ્યોગસાહસિકો ખૂબ જ ઝડપથી અમેરિકા સહિત વિશ્વનાં દેશોમાં છવાઈ જવા સાથે હીરાની ખાણનાં સાઈટ હોલ્ડર પણ બની ગયા!!

ખેર, સુરતમાં સાકાર થયેલું ‘ડાયમંડ બુર્સ’ સ્વનિર્ભરતાનું વિશ્વનું મોટું ઉદાહરણ ગણી શકાય. આજે કેન્દ્રની મોદી સરકાર સ્વનિર્ભર, આત્મનિર્ભરતાને સાર્વત્રિક મહત્ત્વ આપી રહી છે ત્યારે સ્વનિર્ભરતા માટે ડાયમંડ બુર્સથી કોઈ મોટું ઉદાહરણ હોઈ શકે જ નહીં. ડાયમંડ ઉદ્યોગના વિકાસ માટે કે વિશ્વવેપારની અનુકૂળતા માટે સરકારે કોઈ દેખીતી અને નોંધપાત્ર સહાય કરી નથી. લાખો લોકોને રોજગારી આપવા ઉપરાંત કમાણીનો મોટાભાગનો હિસ્સો રાજ્યનાં સ્થાનિક વિસ્તારોના વિકાસ પાછળ ખર્ચ કરવામાં કદાચ ડાયમંડ ઉદ્યોગની સાથે કોઈની તુલના થઈ શકે નહીં. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો સૌરાષ્ટ્રના વતની હોવાથી સૌરાષ્ટ્ર તરફ નજર દોડાવવામાં આવે તો પ્રત્યેક ગામડામાં માળખાગત વિકાસની હારમાળા જોવા મળશે.

અને હવે તો ડાયમંડનાં ઉદ્યોગકારો શૈક્ષણિક, ટેક્સટાઈલ, કેમિકલ્સ, ઈજનેરી, બાંધકામ, સોલાર ઊર્જા, વિન્ડમિલ પાવર પ્રોજેક્ટ સહિત અનેક એવા ક્ષેત્રો સુધી પગ પ્રસારી ચૂક્યા હોવાથી લાખો લોકોને રોજગારી આપી રહ્યા છે. સ્વનિર્ભરતા અને સાહસિકતા કેટલા વિકાસનાં ફળો આપી શકે તેના માટે ડાયમંડ ઉદ્યોગનાં પાયાના કર્ણધારોની દીર્ઘદૃષ્ટિને અને હિંમતને દાદ આપી પડે. કાશ, વખતોવખતની સરકારોએ ડાયમંડ ઉદ્યોગનાં વિકાસ માટે થોડીઘણી પણ તકો ઊભી કરી હોત તો વિશ્વનાં ઝવેરીઓ આજે નહીં, વર્ષો પૂર્વેથી સુરતની ધરતી ઉપર આવનજાવન કરતા હોત.

અલબત્ત હજુ પણ મોડું થયું નથી. આમ પણ દેશ ખરેખર વિકાસની ઉડાન ભરી રહ્યો છે. હજુ પણ ડાયમંડ ઉદ્યોગને જેટલી પણ વિકાસની પાંખો આપવામાં આવશે એટલી વધુ ને વધુ રોજગારી અને આત્મનિર્ભરતાને તક મળશે. વળી હવે તો લેબ-ગ્રોન ડાયમંડનું ખુદ સુરત અને ગુજરાતનાં ઘરઆંગણે ઉત્પાદન થઈ રહ્યું છે. કોઈપણ પ્રકારનાં પ્રદૂષણ વગર તૈયાર કરવામાં આવતાં લેબ-ગ્રોન ડાયમંડને સરકાર તરફથી આર્થિક નહીં, પરંતુ કાયદાકીય બંધનોમાંથી મુક્તિ મળશે તો આવનારા ભવિષ્યમાં દુનિયાભરમાં સુરતમાં પૉલિશ થતા નહીં પરંતુ સુરતની લેબમાં પેદા થતાં ‘લેબ-ગ્રોન’ ડાયમંડનો ગૌરવ સાથે વેપાર થતો હશે. મતલબ સંપૂર્ણ સ્વનિર્ભર કે આત્મનિર્ભર કહી શકાય. લેબ-ગ્રોન ડાયમંડ સરકાર ઈચ્છે તો સરકારનાં આત્મનિર્ભર અભિયાનનો એક હિસ્સો બની જશે.

હવે સુરતની વાત કરી જ રહ્યાં છીએ તો સુરતનો વિકાસ ખરેખર આત્મનિર્ભર જ રહ્યો છે. દેશભરનાં અર્ધશિ‌િક્ષત લોકોને સુરત રોજગારી સાથે આશ્રય બંને પૂરા પાડે છે. ડાયમંડ કરતાં પણ મોટું માર્કેટ અને રોજગારી આપતા ટેક્સટાઈલ ઉદ્યોગની નાકાબંધી દૂર કરવામાં આવે તો કદાચ હીરા કરતાં પણ વધુ રોજગારી અને વધુ કમાણી આપવાની કાપડ ઉદ્યોગમાં ક્ષમતા છે, પરંતુ કમનસીબે સુરતનાં લોકપ્રતિનિધિઓ કાપડ ઉદ્યોગને વ્યાજબી ન્યાય અપાવવામાં ધરાર નિષ્ફળ નીવડતા આવ્યા છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ.કાશીરામ રાણા પોતે ટેક્સટાઈલ મંત્રી હોવા છતાં સુરતનાં ઉદ્યોગનો અવાજ ઉઠાવી શકતા નહોતા. વર્તમાન રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી દર્શન જરદોશ કાપડ ઉદ્યોગનાં પ્રશ્ને સતત દોડતાં રહ્યાં છે, પરંતુ ઉદ્યોગને વિકાસ માટે મોકળુ મેદાન મળે તેવા ઠોસ નિર્ણય કરાવી શક્યા નથી. અલબત્ત, તેમની મહેનત સક્રિયતા માટે સવાલ કરવા જેવું નથી. મેગા ટેક્સટાઈલ પાર્ક પણ તેમની જ મહેનતનો એક ભાગ ગણી શકાય.

ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ અને ત્રણ ત્રણ ટર્મથી કેન્દ્ર સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કરતાં સી.આર. પાટીલ ઈચ્છે તો ઘણું કરાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ કોઈક કારણોસર જોઈએ એટલા પ્રમાણમાં સક્રિયતા દાખવી રહ્યાં નથી. અલબત્ત મેગા ટેક્સટાઈલ પાર્ક સુરત લાવવામાં સી.આર. પાટીલ અને કે‌ન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ભૂમિકા ચોક્કસ સરાહનિય રહી છે. મેગા ટેક્સટાઈલ પાર્ક ખરેખર સમયમર્યાદામાં સાકાર થશે તો અને ઉત્પાદન સમયસર શરૂ થશે તો દેશ અને વિદેશમાં સુરત બ્રાન્ડના કપડાં જોવા મળશે.

ખેર, હવે વડાપ્રધાન મોદી પોકારી- પોકારીને ‘આત્મનિર્ભર’, ‘સ્વનિર્ભર’ ભારતની વાતો કરી રહ્યા છે ત્યારે, સુરત અને દેશ માટે ગૌરવપ્રદ ઘટના સમાન ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્‍ઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગને રાહત આપતા પગલાંની જાહેરાતો કરશે તો ખૂબ જ નજીકનાં ભવિષ્યમાં સુરતનું નામ વિશ્વમાં ઉદાહરણરૂપ બની જવા સાથે સુરતના આકાશમાં વિશ્વના દેશોનાં વિમાનો ઉડાન ભરતાં હશે.