દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જામીન પર આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની સુપ્રીમ કોર્ટની બેંચે આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે અને કેજરીવાલને 10 લાખના બોન્ડ પર જામીન આપી દીધા છે. CBI કેસમાં કેજરીવાલને જામીન મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલને EDના કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. CBI કેસમાં તે જેલમાં હતા, જેના પર આજે ચુકાદો આવ્યો છે.
ED કેસમાં જામીન આપતી વખતે જે શરતો મૂકવામાં આવી હતી તે જ શરતો સી.બી.આઈ. કેસમાં સુુપ્રીમ કોર્ટે રાખી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં. આ સાથે તેમની ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, તે આ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, કેજરીવાલને નિયમિત જામીન મળવા જોઈએ કારણ કે તેમની જાણી જોઈને ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તેમનું નામ CBI FIRમાં પણ નહોતું. બાદમાં તેમનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યું. કેજરીવાલને રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ યોગ્ય નથી. માત્ર એક જુબાનીના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. નોન-અરેસ્ટને ધરપકડના કેસમાં ફેરવામાં આવ્યું છે. પુનઃ ધરપકડ પહેલા કોઈ નોટિસ પણ આપવામાં આવી ન હતી.
સીબીઆઈએ કહ્યું કે, “કેજરીવાલ દારૂ કૌભાંડના મુખ્ય આરોપી છે. તેની સામે પુરાવા છે. કેજરીવાલ સાપ અને સીડીની રમત રમી રહ્યા છે.” સીબીઆઈની ધરપકડને પડકારતી અરજી યોગ્ય નથી. કોઈ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું નથી. તપાસના આધારે મેજિસ્ટ્રેટે ધરપકડની મંજૂરી આપી હતી. કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તેઓ જેલમાં છે. જોકે, લોકસભાની ચૂંટણી પહેલા પ્રચાર કરવા માટે તેમને ત્રણ અઠવાડિયા માટે જામીન મળ્યા હતા.
આ પણ વાંચો :-